ના નપણમાં કવિઓ અને કવિતાઓ પ્રત્યે ભારે અણગમો થતો. પહેલું કારણ એ કે પ્રાઈમરી લેવલે એની ગોખણપટ્ટી કરવી પડતી અને પછીની કક્ષાએ કવિ એમાં શું કહેવા માંગે છે જેવા વાહિયાત સવાલોના જવાબ આપવા તૈયાર રહેવું પડતું. પરીક્ષા આપવાના ત્રાસમાંથી કાયમી છુટકારો મળી ગયા બાદ કવિતામાં સહેજસાજ રસ પડતો થાય, ક્યારેક વળી આપણે સુસંસ્કૃત છીએ એવું બતાવવા માટે બે-ચાર કવિઓના નામ, કાવ્યપંક્તિઓ ઉપયોગી થઇ પડે. છતાં ઘણી વાર કવિતા વાંચીને બાલ્યાવસ્થામાં થતી એવી મૂંઝવણ મોટી ઉંમરે પણ થઇ આવે કે યાર, આખરે કવિ આમાં શું કહેવા માંગે છે? દા.ત., ‘ગુલશનમાં હવે ફૂલો સુગંધનું સરનામું પૂછે છે’ આવું વાંચીને શું સમજવું? (લખનાર માફ કરે.) બહુ જાણીતા, લોકપ્રિય, પ્રતિષ્ઠિત કવિ વિપિન પરીખ હવે આપણી વચ્ચે નથી રહ્યા, પણ એમણે જીવનની કોઈ સબળી-નબળી ક્ષણે કહેલી વાત હમણાં 21 ફેબ્રુઆરી, વિશ્વ માતૃભાષા દિવસે ઠેરઠેર ટંકાઈ. કવિએ કહ્યું કે ‘મને મારી ભાષા ગમે છે, કારણ કે બાને હું બા કહી શકું છું.’ ઓછામાં ઓછા ચાર ઠેકાણે વાંચ્યું, મતલબ બીજી ચાલીસ જગ્યાએ ટંકાયું હશે જ. એ લોકોને કદાચ કવિ શું કહેવા માગતા હતા એ સમજાઈ ગયું હશે, પણ મને સખ્ખત ગૂંચવણ થઇ ગઈ. બા શબ્દને ભાષા સાથે શું લાગેવળગે? ગુજરાતી ન આવડે એ પણ પોતાની માતાને બા કહી શકે અને માત્ર મલયાલી કે પછી ફ્રેન્ચ ભાષા જાણતી વ્યક્તિને પોતાની માતાને બા કહેવાની ઈચ્છા થાય તો કોણ રોકે છે? અને હું મારી માતાને મમ્મી, અમ્મા, મોમ કહું, અરે! નામથી પણ બોલાવું તો એનો અર્થ એવો કે મને મારી ભાષા નથી ગમતી? કવિ મિસ્ક્વોટ થયા હશે કે પછી એમણે અમસ્તા ફેંકેલા શબ્દોને મહાન ગણીને લોકોએ માથે ચડાવી લીધા, ત્યારે એ રમૂજ પામ્યા હશે? ગૂંચવણ પછી ગુસ્સો ત્યારે ચડવા લાગ્યો, જ્યારે ગુજરાતી ભાષા દુનિયાની બીજી ભાષાઓ, ખાસ કરીને ઇંગ્લિશની તુલનાએ કેટલી સમૃદ્ધ, મહાન છે, એ સાબિત કરવા મથી રહેલા લોકોએ કવિના આ શબ્દો ટાંક્યા. બાય ધ વે, વિશ્વ માતૃભાષા દિને કથિત ગુજરાતીપ્રેમીઓએ જે આતંક મચાવ્યો, એમની વચ્ચે રાહત આપે એવો લેખ મેં અમદાવાદમાં રહેતા ચિરાગ ઠક્કરના બ્લોગ પર વાંચ્યો. એ ભાઈને હું ઓળખતી નથી, પરંતુ એમના લખાણ પરથી મને તો ખરા અર્થમાં ભાષાપ્રેમી લાગેલા એ લેખકનો આ પ્રસંગે લખાયેલો લેખ વાંચવાની સૌને આગ્રહભરી ભલામણ છે. ગુજરાતી ભાષાને પ્રેમ જ નહીં, બચાવની જરૂર છે એવું માનતાં લોકોએ તો ખાસ વાંચવો). પરંતુ એટલું સાબિત થયું કે સાહિત્યકારોના શબ્દો સમજાય કે ન સમજાય, પરંતુ અમુકતમુક પ્રસંગોએ આપણાં લેખો, ભાષણોમાં ફૂમતાં જેમ ટીંગાડી દઇએ તો મંડપમાં ડેકોરેશન જેવું લાગે. હવે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવશે ત્યારે સ્ત્રીની મહાનતાના ગુણગાન ગાવામાં લોકો પાછાં ગાંડા થશે, હદ વટાવી જશે. ફરી જાણીતા લોકોએ ઉચ્ચારેલાં, લખેલાં વાક્યો બધી દિશામાં ફંગોળાશે. એકથી વધુ પુરુષોએ, એકથી વધુ પ્રસંગે કહેલું અને વારંવાર સાંભળીને ત્રાસદાયક થઇ પડેલું એક વાક્ય, દર વર્ષની જેમ આ વખતે પણ કોઈક જગ્યાએ તો નક્કી ટંકાશે - ‘મને સ્ત્રીની ઈર્ષ્યા આવે છે, કારણ કે એ માતા બની શકે છે.’ લ્યો, કરો વાત. ગર્ભાવસ્થા અને પ્રસૂતિ વખતે સ્ત્રીએ જે શારીરિક પીડા ભોગવવી પડે, એનો અનુભવ કરવાની ઈચ્છા ખરેખર કોઈ પુરુષને થઇ શકે? સ્ત્રી આટલી યાતના વેઠીને જે બાળકને જન્મ આપશે, એની પાછળ નામ તો તારું જ લાગશે ને? વગર મહેનતે એટલો મોટો લાભ મળતો હોય તો માણસને ખુશી થાય કે સામેવાળાની અદેખાઈ? પણ જાહેરમાં આવા દંભી વાક્યો ફેંકો તો થોડી વાર માટે તો સ્ત્રીઓ ફૂલીને ફાળકો થઇ જશે, એવું એ પુરુષો માનતા હશે અને પાછું આ વાક્ય હોંશેહોંશે કોઈ ભોળી (કે ભોટ?) સ્ત્રી ટાંકે ત્યારે હસવું કે રડવું, એ ન સમજાય. પુરુષને ખરેખર આ બાબતે સ્ત્રીની ઈર્ષ્યા થતી હોય તો મનોવિજ્ઞાનની દૃષ્ટિએ એ સારી વાત નથી. 20મી સદીના પૂર્વાર્ધમાં અમુક નારીવાદીઓ અને મનોવૈજ્ઞાનિકોએ પુરુષને થતી(કે થઇ શકે) એવી આ લાગણી માટે ‘womb envy’ જેવી થિયરી વહેતી મૂકેલી. એના અનુસાર આવી ગ્રંથિ, ઈર્ષ્યાથી પીડાતા પુરુષોને સ્ત્રીની ગર્ભાવસ્થા અને બાળજન્મ વખતે પોતાના હાથમાંથી કન્ટ્રોલ છૂટી ગયાની લાગણી થાય છે, પરિણામે બીજા ક્ષેત્રમાં એ સ્ત્રીને નીચી પાડવાની, દબાવવાની અને પોતાનું ચડિયાતાપણું સાબિત કરવાના પ્રયાસ કરે છે. અલબત્ત, આ થિયરી બધાએ માન્ય નહોતી રાખી, પરંતુ કહેવાનો મતલબ એ કે એક દિવસ પૂરતી સ્ત્રીને ખુશ રાખવા માટે દંભી શબ્દો ઉચ્ચારતા પહેલા લોકોએ વિચારી લેવું કે એમાંથી અનેક અર્થ નીકળી શકે અને ક્યારેક વળી કંઈ અર્થ નથી હોતો. સ્ત્રી પુરુષ કરતાં વધુ મહેનતુ, નિષ્ઠાવાન, પ્રામાણિક, હોશિયાર, સમજદાર વગેરે હોય છે, એવું આ નારીદિને પણ કહેવાશે. હકીકતમાં દરેક સ્ત્રી અબળા નથી હોતી, એમ દરેક સ્ત્રી દુર્ગા પણ નથી હોતી. બધાં પોતપોતાનું કામ કરે છે. એક પક્ષને મહાન સાબિત કરવા માટે બીજાને ઉતારી પાડવાની જરૂર નથી. પુરુષસમોવડી, મર્દાની, એ વારંવાર વપરાતાં વાહિયાત શબ્દ છે. સ્ત્રી સ્ત્રી છે, એ કોઈ મોટું કામ કરે ત્યારે એને પુરુષ જેવી હોવાનું કહી દેવાનું? આવી શાબ્દિક ફેંકાફેંકી તો થતી જ રહે છે. જેમની વિચારશક્તિ નબળી હોય એ પૂરું સમજ્યાં વિના સતત બીજાના શબ્દો ટાંકતાં રહે છે. સાંભળનારે પોતાની અક્કલ વાપરવી. ⬛ viji59@msn.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.