બ્લેક એન્ડ વ્હાઈટ:ભારતના નવા શત્રુનું નામ: મેથેમ્ફેટેમાઈન!

10 દિવસ પહેલાલેખક: આશુ પટેલ
  • કૉપી લિંક
  • આ ડ્રગના સેવન થકી ભારતીય યુવાધન પાકિસ્તાન જેવા દુશ્મન દેશને દર વર્ષે હજારો કરોડ રૂપિયાનો ફાયદો કરાવે છે!

13મે, 2023ના દિવસે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ઇન્ડિયન નેવી દ્વારા કેરળના દરિયાકિનારેથી 12 હજાર કરોડ રૂપિયાની કિંમતના 2500 કિલો ડ્રગ (કેફી દ્રવ્યો)નો જથ્થો જપ્ત કરાયો અને એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરાઈ એ સમાચાર કદાચ તમે અખબારોમાં વાંચ્યા હશે અથવા ટીવી પર જોયા હશે. એ ડ્રગનું નામ મેથેમ્ફેટેમાઈન હતું. જે જહાજમાંથી ડ્રગ્સનો આ વિશાળ જથ્થો જપ્ત કરાયો હતો એ ‘મધરશિપ’ ભારતના જુદા-જુદા દરિયાકિનારે અલગ-અલગ બોટમાં રાહ જોઈ રહેલા ડ્રગ માફિયાને એ ડ્રગ સપ્લાય કરવાનું હતું. જોકે, એ અગાઉ જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને નેવીએ સંયુક્ત ઓપરેશન કરીને એ જથ્થો પકડી પાડ્યો હતો. નેવીની ઇન્ટેલિજન્સ વિંગના અધિકારીઓને માહિતી મળી હતી કે ડ્રગનો આ વિશાળ જથ્થો પાકિસ્તાનથી ભારતમાં મોકલાવાઈ રહ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (ઓપરેશન્સ) સંજય કુમાર સિંઘે કહ્યું હતું કે ‘ઓપરેશન સમુદ્રગુપ્ત’ હેઠળ જાન્યુઆરી 2022થી અત્યાર સુધીમાં અનેક વાર મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કર્યાં છે. પહેલાં આ ઓપરેશન સમુદ્રગુપ્ત વિષે થોડી વાત કરી લઈએ અને પછી જાણીએ કે આ મેથેમ્ફેટેમાઈન શું ચીજ છે. ઓપરેશન ‘સમુદ્રગુપ્ત’ એ કેન્દ્ર સરકારના ભારતને 2047માં ડ્રગ ફ્રી કરવાની યોજનાનો એક હિસ્સો છે. આ અગાઉ પણ આ ઓપરેશન હેઠળ ગુજરાત પોલીસની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ, ડિરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ અને અન્ય એજન્સીઝ દ્વારા ડ્રગ્સ જપ્ત કરવાની ઘટનાઓ બની છે (ફેબ્રુઆરી 2022માં અને ઓક્ટોબર 2022માં પણ ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો). ‘ઓપરેશન સમુદ્રગુપ્ત’ હેઠળ અત્યાર સુધીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 3200 કિલોગ્રામ મેથેમ્ફેટેમાઈન, 500 કિલોગ્રામ હેરોઈન અને 529 કિલો હશિશ જપ્ત કર્યું છે. આ સમાચાર એટલા માટે મહત્ત્વના છે કે અત્યાર સુધી આપણને ડ્રગ્સના નામે હેરોઇન, કોકેન અને હશિશ જેવાં ગણ્યાગાંઠ્યાં નામો વિશે જ ખબર હતી, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી ભારતીય યુવા પેઢીને બરબાદ કરી નાખે એવાં નવાં-નવાં ડ્રગ્સના જથ્થા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દશોમાંથી આપણા દેશમાં ઠલવાઈ રહ્યા છે. હવે મેથેમ્ફેટેમાઈન ડ્રગ વિશે અને એ ડ્રગનું સેવન કરવાને કારણે કેવી તકલીફો થાય છે એ વિશે વાત કરીએ. આ ડ્રગનું ખરું નામ મેથેમ્ફેટેમાઈન છે, પણ નશાખોરો એને ક્રિસ્ટલ અથવા ચોક, ગ્લાસ કે આઈસ તરીકે ઓળખે છે. મુંબૈયા અને દિલ્હી જેવાં શહેરોની હાઈ સોસાયટીનાં ઘણાં લોકો આ ડ્રગનું સેવન કરતા થઈ ગયાં છે, પણ તેના આ પ્રકારના ઉપયોગની શરૂઆત અમેરિકન ટ્રક ડ્રાઈવરોથી થઈ હતી. સતત લાંબા સમય સુધી જાગીને ટ્રક ચલાવતા રહેવા માટે અમેરિકન ટ્રક ડ્રાઈવરોએ આ ડ્રગનો ઉપયોગ શરૂ કર્યો હતો. જોકે, એંસી અને નેવુંના દાયકામાં અમેરિકાની ક્લબોમાં આ ડ્રગ પોપ્યુલર બની ગયું. મેથેમ્ફેટેમાઈન પર અમેરિકામાં પણ પ્રતિબંધ છે. મ્યાનમારથી વાયા પાકિસ્તાન આ ડ્રગ આપણા દેશમાં આવે છે. આ ડ્રગનું સેવન ઈન્જેક્શન દ્વારા અથવા પાઉડર ફોર્મમાં નાક વડે સૂંઘીને અને પાઈપ વાટે પણ (સિગારેટની જેમ) પણ થાય છે. આ ડ્રગનું સેવન કરનારી વ્યક્તિ વધુ પડતી એક્ટિવ બની જાય છે. તેને એવું લાગે છે કે તેના શરીરમાંથી ઊર્જાનો ધોધ વહી રહ્યો છે. આ ડ્રગની અસર જુદી-જુદી વ્યક્તિ પર અલગ-અલગ થાય છે. ઘણી વ્યક્તિમાં આ ડ્રગના સેવન પછી અકલ્પ્ય આત્મવિશ્વાસ આવી જાય છે અને તે એકદમ એલર્ટ બની જાય છે. હાઈ સોસાયટીનાં યુવક-યુવતીઓને જ આ ડ્રગ પરવડે છે. આ ડ્રગનું સેવન કર્યા પછી તેઓ કલાકો સુધી નાચતા રહે છે. આ ડ્રગનું સેવન કરનારા જુવાનિયાઓ બહુ ઝડપથી વિચારોને બાજુએ મૂકીને વર્તવા માંડે છે. આ ડ્રગ સેક્સ્યુઅલ એનર્જી પણ વધારી દે છે એટલે મુંબઈ કે દિલ્હીની હાઈ સોસાયટીના ખેપાની જુવાનિયાઓની ડ્રગ પાર્ટીઝમાં અને સેક્સ પાર્ટીઝમાં પણ તેનો બેફામ ઉપયોગ થાય છે. આ ડ્રગની અસર છથી સોળ ક્લાક સુધી રહે છે. આ ડ્રગથી મૂડ અને અનુભૂતિ બદલાઈ શકે. એનું સેવન કરનારી વ્યક્તિને ક્યારેક ઉબકાની તો ક્યારેક ઝણઝણાટીની અનુભૂતિ થાય છે. ઘણી વ્યક્તિઓ ધ્રાસ્કો કે ફાળ પાડવાની લાગણી પણ અનુભવે છે. ઘણા જુવાનિયાઓ આ ડ્રગનું સેવન કરે એ પછી ઈમોશનલ અસ્થિરતા અને માનસિક તકલીફ અનુભવે છે. આ ડ્રગનું સેવન કરનારાઓ પોતાનાં ભાવિ સંતાન માટે પણ જોખમ ઊભું કરે છે. તેમનાં સંતાનોને જન્મથી જ ખોડ હોય એવું બની શકે અથવા તો તેમનાં સંતાન ભવિષ્યમાં ડ્રગ એડિક્ટ (કેફી દ્રવ્યોના વ્યસની) બની જાય એવી શક્યતા પણ રહે છે. આવું જ એક અન્ય કેફી દ્રવ્ય મેથાયલિનડિઓક્સ – મેથેમ્ફેટેમાઈન છે. ટૂંકમાં એ એમડીએમએ તરીકે પણ ઓળખાય છે. નશાખોરો તેને એક્સ, નાઈન, એક્સટસી, ઈ, આદમ, ઈકી કે ક્લાઉડ તરીકે પણ ઓળખે છે. મુંબૈયા અને દિલ્હીના વંઠેલા નબીરાઓમાં આ ડ્રગ પોપ્યુલર છે. વાસ્તવમાં ઓગણીસમી સદીમાં ફાર્મા કંપની ‘મર્ક’ દ્વારા આ ડ્રગનું ઉત્પાદન હતાશાથી પીડાતા માણસો માટે શરૂ થયું હતું અને તેનો ઉપયોગ ડાયેટ સપ્લીમેન્ટ તરીકે પણ થતો હતો. આ ડ્રગ નાનકડી ગોળીઓ તરીકે મળે છે એ ગોળીનું સેવન થાય છે અને પાઉડર ફોર્મમાં પણ મળે છે એટલે ઘણાં ડ્રિન્કમાં પાઉડર ભેળવીને પણ એનો નશો માણે છે. આ ડ્રગના સેવન બાદ પહેલાં થોડી નર્વસનેસ લાગે છે અને ચકડોળમાં ઉપરથી નીચે આવતી વખતે પેટમાં ફાળ પડે એ પ્રકારની લાગણી થાય છે. જોકે, પછી દિલ-દિમાગ પર અવર્ણનીય આનંદની અનુભૂતિ સવાર થઈ જાય છે. એક્સટસીની અસર સેવન કર્યા પછી ત્રીસથી પિસ્તાળીસ મિનિટ બાદ થાય છે અને એની અસર બેથી છ ક્લાક સુધી રહે છે. આ ડ્રગ માનવ શરીરના મોટા ભાગના હિસ્સાઓ પર નકારાત્મક અસર કરે છે. એનું સતત સેવન રનારી વ્યક્તિઓનાં દિમાગને નુકસાન થવાની શક્યતા રહે છે. એ ઉપરાંત ડિહાઈડ્રેશનની શક્યતા પણ રહે છે. ‘લવ ડ્રગ’ તરીકે એટલા માટે ઓળખાય છે કે મુંબઈ-દિલ્હીની હાઈ સોસાયટીનાં ઘણાં યુવક-યુવતીઓ વધુ સેક્સ્યુઅલ આનંદ મેળવવા માટે તેનું સેવન કરે છે. એક્સટસીને કારણે સેક્સલાઈફ વધુ સારી બનાવી શકાય છે એવી માન્યતાથી પ્રેરાઈને એક્સટસીનું સેવન કરતાં યુવક-યુવતીઓની સંખ્યા આપણા દેશમાં વધી રહી છે!{