નીલે ગગન કે તલે:નમન જગન્નાથને

20 દિવસ પહેલાલેખક: મધુ રાય
  • કૉપી લિંક
  • ખાકી, ખાટ, વગેરે સંખ્યાબંધ શબ્દો હિન્દી કે ભારતની બીજી ભાષાઓમાંથી અંગ્રેજીમાં પ્રવેશ્યા છે, પણ તે શબ્દો પ્રથમત: સંસ્કૃતમાંથી ભારતની ભાષાઓમાં ઉતારાયા છે

અંગ્રેજીમાં Juggernautનો અર્થ છે કોઈ ધસમસતો જબરદસ્ત ડામરગોળો જે તેના રસ્તામાં આવતી વસ્તુ કે વસતીને કચરી આગળ વધે છે. 14મી સદીના એક ઇટાલીયન પાદરીએ કશેક લખેલું કે ભારતમાં રથયાત્રાના દિવસે દેવાધિદેવ જગન્નાથનો રથ ઓડિષાના પુરી નગરના રસ્તાઓ પર ધસમસતો આગળ વધે છે, ને ભક્તો સ્વર્ગની અપેક્ષામાં રથની આડા પડી કચરાઈને સ્વર્ગે સિધાવે છે. આ બેહૂદી વાતનો કદી કોઈ પુરાવો મળ્યો નથી કે તે ઇટાલીયન પાદરીએ જાતે ભારતમાં કશેય પગ મૂક્યો નહોતો, પણ અંગ્રેજોએ ભારતીયોના માનસને હીન દર્શાવવા એ વાહિયાત દંતકથાને બહાલી આપી ને શબ્દ બનાવ્યો જગરનોટ! ઘણાં લોકો ઘરમાં પુસ્તકોના ગંજ ખડકી રાખે છે, તેમ માનીને કે ઘડપણમાં વંચાશે, (પ્લસ, કૌંસમાં મહેમાનો આપણને વિદ્વાન માનશે). તે વિદ્વાનોની દેખાદેખીમાં ગગનવાલા બી શબ્દશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, મુહાવરે ઔર કહાવતેં આદિઆદિના ઇમેઇલ મંગાવે છે, જે ભલે હમણાં ન વંચાય પણ બુઢ્ઢા થઈને વાંચીશું. ને અચાનક બુઢ્ઢા થઈ ગયા, તો હવે? એટલે હવે આવા નિબંધોમાં ભાષાના ઢોલ વગાડી ખાંડ ખાઈએ છીએ કે હમો બી વિદ્વાન છઉં! અને ડિક્શનેરીડોટકોમ નામે વેબસાઇટનો પયગામ આવે છે કે અંગ્રેજીમાં 17 શબ્દ સંસ્કૃતમાંથી આવ્યા છે! અને બસ, અમે બીજીવાર ખાંડ ખાઈએ છીએ કે સતયુગ આવી ગયો!

અત્રે પહેલા જ પરિચ્છેદમાં બબ્બે વાર ખાંડ ખાવાનો મુહાવરો વાપરવાનું પ્રયોજન તે કે ઇંગ્લિસ્સમાં candy શબ્દ છે જેનો અર્થ મીઠાઈ કે પીપરમેટ કે ચોકલેટ વગેરે, જેમાં ખાંડ કે ચાસણી કે એવું મિષ્ટ કશું હોય! તે શબ્દનું મૂળ સંસ્કૃત છે, ખંડકહ (‘ખંડક:’) યાને ખંડહ (‘ખંડ:’), યાને કટકો, ટૂકડો જેના ઉપરથી ગુસ્મુજરાતીમાં આપણો મિષ્ટ શબ્દ ‘ખાંડ’ અવતર્યો છે, કેમકે શૂગરના ગાંગડાને તોડી તોડીને દાણાદાર ખાંડ બનાવાય છે. (ગગનવાલાને કૌતુક થાય છે કે ભાષામાં મુહાવરા ક્યાંથી આવતા હશે અને તેમના જન્મ પછાડી શી–શી વારતાઓ હશે, જેમકે ખાંડ ખાવી; જમકે મથરાવટી મેલી; જેમકે રીંગણાં જોખવાં વગેરે.) પ્રસ્તુત ઇમેઇલ જણાવે છે કે ‘સંસ્કૃત’ શબ્દનો અર્થ જ છે સુધરેલું. શુદ્ધ કરેલું, શણગારેલું!

આગળ ઉપર કર્મા, આયુર્વેદા, યોગા, આવાતાર આદિ લોકપ્રિય શબ્દો વિશે મોહક માહિતી આપીને મજકુર ઇમેઇલમાં કહે છે કે બૌદ્ધ ધર્મનો ચીનમાં ઉદ્ભવેલો ‘ઝેન બુદ્ધિઝમ’ નામે પંથ છે, જેમાં પરમ શાંતિમગ્ન ધ્યાનાવસ્થાનો મહિમા છે. તે ‘ઝેન’ના મૂળમાં સંસ્કૃત ‘ધ્યાન’ છે; જે સંસ્કૃત ‘ધ્યાતિ’ ઉપરથી બનેલ છે જેનો અર્થ છે, ‘તે ધ્યાનમાં છે,’ અથવા ‘તે માનસચક્ષુઓથી વિશ્વદર્શન કરે છે.’ ચાલુ વપરાશમાં કોઈ વર્તનમાં ફિલસફાની ચાબાઈ કરે તેનેય કટાક્ષમાં ઝેન માસ્ટર કહેવાય છે. બીજો ઓછો વપરાતો શબ્દ ‘સત્ત્વ’ છે જેનો અર્થ અલબત્ત કોઈપણ વસ્તુ કે વિચારનો મર્મ અથવા સદ્+ત્વ મતલબ કે હોવાપણું, દાખલા તરીકે ‘બોધિસત્ત્વ’ એટલે જે વ્યક્તિ પ્રજ્ઞાપ્રાપ્ત છે અને અન્ય જનોને નિર્વાણ તરફ દોરી જવા ગતિશીલ છે. તે પછી શબ્દ છે ‘બિન્દી’, કપાળનો ચાંદલો. તે યોગવિદ્યામાં ઉલ્લેખિત માનવદેહના છઠ્ઠા ચક્રનું પ્રતીક છે ને ભક્તો પૂજાઅર્ચનાર્થે તેમ જ મહિલાઓ શૃંગારાર્થે વાપરે છે. બિન્દી યાને બિન્દુ યાને ટપકું અથવા ટીપું!

આપણી આંખો ચાર થઈ જાય તે જાણીને કે ‘ઓરેન્જ’ યાને નારંગીનું મૂળ છે સંસ્કૃત ‘નારંગ’, જેના ઉપરથી સ્પેનિશમાં ‘નારન્જ’ અને ઇંગ્લિશમાં ‘ઓરેન્જ’ આવે છે, પણ મહેરબાન સાહેબો અને સાહેબબાનુઓ, ચાઇનીઝ ‘મેન્ડેરીન’ શબ્દ સંસ્કૃૃતમાંથી અવતરેલ છે, તુલા માહિત કાય? યસ્સ! કેપિટલ M વિનાનો mandarin એટલે એક પ્રકારની ચાઇનીઝ નારંગી! પણ કેપિટલ Mandarin એટલે મેન્ડેરીન ચાઇનીઝ, ભદ્ર ભાષા, એઝ વેલ એઝ ચાઇનીઝ આમાત્ય. ડિક્શનરીડોટકોમ કહે છે કે મેન્ડેરીનના મૂળમાં સંસ્કૃત ‘મન્ત્રિન’ છે. યાને ‘મન્ત્રી.’ તેવા ચાઇનીઝ અમલદારો રાજ દરબારમાં નારંગી રંગના ઝભ્ભા પહેરતા અને તે ઉપરથી તેઓ તેમ જ તે નારંગીનું ફળ મેન્ડેરીન કહેવાયાં.

એવું જ આશ્ચર્ય આપણને થાય કે યુરોપ અમેરિકાની પાર્ટીઓમાં લોકપ્રિય એવા પીણા ‘પંચ’નું મૂળ પણ સંસ્કૃત ‘પંચ’ છે યાને આસવ, ફળોના રસ, સોડા, પાણી વગેરે પાંચ પીણાંના મિશ્રણથી બનતા પેયને કહેવાય છે ‘પંચ.’ બીજો છૂટથી વપરાતો શબ્દ છે, loot યાને યુદ્ધ પછી વિજેતા સૈનિકો દ્વારા થતી લૂંટફાટ અથવા હથિયારબંધ લુંટારા ગૃહસ્થોના ઘરમાંથી લૂંટી જાય તે માલમત્તા. જે સંસ્કૃત lootra ‘લૂટ્ર’ ઉપરથી અંગ્રેજો લૂંટી ગયા છે. આ ઉપરાંત ખાકી, ખાટ, વગેરે સંખ્યાબંધ શબ્દો હિન્દી કે ભારતની બીજી ભાષાઓમાંથી અંગ્રેજીમાં પ્રવેશ્યા છે, પણ તે શબ્દો પ્રથમત: સંસ્કૃતમાંથી ભારતની ભાષાઓમાં ઉતારાયા છે. અને અલબત્ત, ‘ભારોપીય’ અથવા ‘ઇન્ડોયુરોપીયન’ કુળની અંગ્રેજી ભાષા સ્વયં સંસ્કૃતની ભગિની કે ભાણેજ કે ભત્રીજી છે. આહા, ભાષા અને ભાષાનું શાસ્તર કેવું અવનવું, નારંગીઓથી લચેલું હરિત વન છે. બસ, ઘડી બે ઘડી કીધી ગમ્મત ભાષાવનમાં ને કીધાં નમન, જય જગન્નાથને! madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...