(એક્સપર્ટ : ડો. સંજીવ અમીન, રૂમેટોલોજિસ્ટ)
પાયોસાઈટિસ એક દુર્લભ બીમારી છે. તેમાં માંસપેશીઓમાં સોજો આવી જાય કે ખૂબ જ દુખાવો થાય. થાકને લીધે પણ મસલ્સ દુ:ખે. પુરુષોની તુલનામાં મહિલાઓમાં આ બીમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. સાઉથની જાણીતી એક્ટ્રેસ સામંથા પણ આ બીમારીનો ભોગ બની ચૂકી છે.
માયોસાઈટિસમાં થાય શું? : ત્વચા પર ચકામા પડી જાય. દર્દીના સ્નાયુઓ પર તેની પોતાની રોગપ્રતિકારક શક્તિ દ્વારા હુમલો થાય છે. ઇન્ડિયન જર્નલ ઓફ રૂમેટોલોજીમાં પ્રકાશિત થયા મુજબ આ સ્થિતિનું પ્રમાણ એક લાખની વસ્તીએ આશરે 4-22 કેસ જેટલું છે. તે સામાન્ય રીતે હાથ, ખભા, પગ, હિપ્સ, પેટ અને કરોડરજ્જુના સ્નાયુઓને અસર કરે છે. દર્દીઓને સામાન્ય રીતે બેઠા પછી ઊભા થવામાં, સીડી ચડતી વખતે, વસ્તુઓ ઉપાડતી વખતે મુશ્કેલી અનુભવાય.
લક્ષણો : આ બીમારીનાં લક્ષણોમાં માંસપેશીઓમાં સોજો આવી જાય ઉપરાંત સખત દુખાવો થાય. ખોરાક ખાવામાં મુશ્કેલી, શ્વાસ લેવામાં તકલીફ પડે. વધારે પડતા થાકને કારણે ઘણી વાર વ્યક્તિ ચાલતાં ચાલતાં પડી જાય. ઊભા થવામાં પણ તેને તકલીફ પડે.
માયોસાઈટિસના પ્રકાર
જુવેનાઇલ માયોસાઈટિસ : 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં વધારે જોવા મળે છે. માંસપેશીઓમાં નબળાઈ અને ત્વચા પર ફોલ્લીઓ તેનાં મુખ્ય લક્ષણ છે. ઉપરાંત થાક, આંખ ફરતે કુંડાળાં, સ્વભાવમાં ફેરફાર, પેટમાં દુખાવો, સીડી ચડવામાં મુશ્કેલી અને હરવા-ફરવામાં મુશ્કેલી જેવાં લક્ષણો સામેલ છે.
પોલિમાયોસાઈટિસ : નાનાં-નાનાં કામ કરવામાં થાક લાગે. માંસપેશીઓમાં દર્દની સાથે સાથે જૂની સૂકી ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, તાવ, વજન ઘટવું.
ડર્માટોમાયોસાઈટિસ : વ્યક્તિને માંસપેશીઓમાં દુખાવો થાય છે. ત્વચા પર દાણા નીકળી આવે છે. ત્વચા શુષ્ક થઈ જાય, ગરદન-પીઠ-ખભાની માંસપેશીઓમાં નબળાઈ આવે, થાક લાગે, સાંધામાં સોજો, ગળેથી ખોરાક ઉતારવામાં મુશ્કેલી, વજન ઘટે અને અનિયમિત હૃદયના ધબકારા સામેલ છે.
ઇન્ક્લુઝન બૉડી માયોસાઈટિસ : મહિલાઓની તુલનામાં પુરુષોમાં વધુ જોવા મળે છે. શરૂઆત કાંડા, આંગળીઓ અને સાથળની માંસપેશીઓમાં નબળાઈથી થાય છે. માયોસાઈટિસના આ પ્રકારને વારસાગત પણ માનવામાં આવે છે. ચાલવામાં, ઊભા થવામાં મુશ્કેલી, અસંતુલન અને માંસપેશીઓમાં દુખાવો થાય.
ટોક્સિક માયોસાઈટિસ : આ બીમારી કેટલીક દવાઓને લીધે થાય છે. કોલેસ્ટ્રોલ ઓછું કરનારી દવાઓ ટૉક્સિક માયોસાઈટિસનું મુખ્ય કારણ છે.
બીમારીનું નિદાન : માયોસાઈટિસનું નિદાન ક્લિનિકલ તપાસ, બ્લડ વર્ક અપ, MRI, EMG અને સ્નાયુઓની બાયોપ્સી પછી થાય છે. તેની સારવાર સામાન્ય રીતે સ્ટેરોઇડ્સ અને ઇમ્યુનોસપ્રેસિવ દવાઓ દ્વારા થાય છે. જો કારણો વાઇરલ ઇન્ફેક્શન હોય તો તે સામાન્ય રીતે આપમેળે જ મટે. વાઈરલ ચેપને કારણે થતા માયોસાઇટિસનું નિદાન સામાન્ય રીતે CBC, ESR, CRP અને CPK સહિતના બ્લડ ટેસ્ટ દ્વારા થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.