તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીવાન-એ-ખાસ:મ્યાંમાર : અજીબ જટિલતાથી ભરેલો દેશ

4 દિવસ પહેલાલેખક: વિક્રમ વકીલ
 • કૉપી લિંક
 • મ્યાંમાર ફરીથી અંધકાર યુગ તરફ જઈ રહ્યું છે. કડક લશ્કરશાહીને કારણે મ્યાંમારથી સાચા સમાચારો ભાગ્યે જ દુનિયા સુધી પહોંચે છે

દર થોડા વર્ષે મ્યાંમાર, નેગેટિવ કારણોસર વિશ્વભરનાં સમાચાર માધ્યમોમાં છવાયેલો રહે છે. હમણાં છેલ્લે મ્યાંમારમાં લશ્કરે વધુ એકવાર બળવો કરી ચૂંટાયેલી સરકારને ઊથલાવી સત્તા કબજે કરી છે. મ્યાંમારમાં ચૂંટણી થાય એ જ મોટા સમાચાર છે. જો લોકોએ ચૂંટેલી સરકાર સત્તા પર હોય તો પણ બેકસિટ ડ્રાઇવિંગ લશ્કરના હાથમાં જ હોય છે. મ્યાંમારની હાલની પરિસ્થિતિ જાણતા પહેલાં ટૂંકમાં એનો ઇતિહાસ પણ જાણી લઈએ. ભારતના પૂર્વ સિમાડા પર આવેલા મ્યાંમારની સરહદ બાંગ્લાદેશ અને ભારતને લાગે છે. ઉત્તર તરફ એની એક સરહદ ચીનને લાગે છે અને બીજી તરફ થાઇલેન્ડ આવેલી છે. એક જમાનામાં મ્યાંમાર બર્મા તરીકે ઓળખાતું હતું. મ્યાંમારમાં 87 ટકા જેટલા લોકો બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. 6 ટકા જેટલા ખ્રિસ્તી છે, 4 ટકા જેટલા મુસ્લિમ છે. મ્યાંમારની વસ્તી આશરે 5.5 કરોડ જેટલી છે. 1885થી 1948 સુધી મ્યાંમારમાં અંગ્રેજ શાસન રહ્યું હતું. એ વખતે ભારત અને મ્યાંમાર વચ્ચે વેપાર અને અવર-જવરના સંબંધો એવા હતા કે ઘણાં ભારતીયો અને ગુજરાતીઓ મ્યાંમાર જઈને વસ્યા હતા. મ્યાંમારમાં જન્મીને મોટા થયેલા ઘણાં ગુજરાતીઓ આજે પણ તમને ગુજરાતમાં મળી આવશે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના મ્યાંમાર પર હુમલો કર્યો ત્યારે મૂળ ભારતીયો પાછા ભારત આવી ગયા હતા. જોકે, એમાના ઘણાં ફરીથી મ્યાંમાર જઈને સેટલ થયા હતા.

મ્યાંમારને સ્વતંત્રતા મળી ત્યાર પછી ત્યાં કટ્ટરવાદ વધી ગયો હતો. મ્યાંમારનું લશ્કર ધીમે-ધીમે શક્તિશાળી થઈ ગયું અને આર્થિક રીતે સમૃદ્ધ એવા ગુજરાતી વેપારીઓની લૂંટફાટ એમણે ચાલુ કરી હતી. ઘણાં ગુજરાતી વેપારીઓને જેલમાં નાખ્યા હતા જેથી કંટાળીને ગુજરાતી વેપારીઓ ફરીથી ગુજરાત આવી ગયા હતા. 1962થી 2011 સુધી મ્યાંમારમાં લશ્કરનું શાસન રહ્યું હતું. એ દરમિયાન ઘણા અત્યાચારો પણ થયા હતા. વિશ્વના ઘણા દેશોએ માનવ અધિકારના મામલે મ્યાંમારમાં દખલ કરવાની કોશિશ કરી હતી, પરંતુ મ્યાંમાર કોઈને ગાંઠ્યું નહોતું. વિશ્વના તમામ દેશોએ મ્યાંમાર સાથેના સંબંધો કાપી નાખ્યા હોવા છતાં ત્યાંના લશ્કરી શાસકો દબાયા નહોતા. મ્યાંમારમાં તમામ પ્રકારના ધંધા-રોજગારનું રાષ્ટ્રીયકરણ થઈ ગયુ હતું. કોઈ પણ વ્યક્તિ ખાનગી વેપાર-ધંધા કરી શકતી નહીં. મીડિયાની લગામ પણ લશ્કરના હાથમાં રહેતી. થોડાં વર્ષો માટે મ્યાંમારમા લશ્કરી શાસકો કોઈ કઠપૂતળી જેવી સરકાર બનાવીને મૂકી દઇને વિશ્વને બેવકૂફ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. મ્યાંમારમાં લશ્કરી શાસકો વધુ ને વધુ સમૃદ્ધ બન્યા જ્યારે ગરીબો વધુને વધુ ગરીબ થતા ગયા.

મ્યાંમારના લશ્કરી શાસકો ચીનના ડ્રગ માફિયાઓ સાથે મળીને અફીણ અને બીજા સિન્થેટીક નાર્કો ડ્રગનું મોટા પ્રમાણમાં સ્મગલિંગ કરતા હતા. હજી પણ એ સિલસિલો ચાલુ જ છે. ઉત્તર મ્યાંમારના ઘણા પ્રદેશોમાં સ્થાનિક લોકોએ પોતાનું લશ્કર બનાવીને ડ્રગની હેરફેર ચાલુ કરી અને એમાંથી કરોડો ડોલર કમાયા. મ્યાંમારમાં મારે એની તલવારનું રાજ છે. વિશ્વભરને સતાવી રહેલી રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યાનો ઉદ્્ભવ પણ મ્યાંમારમાં જ થયો હતો. મ્યાંમારના રોહિંગ્યા મુસ્લિમો જે પ્રદેશમાં બહુમતિ ધરાવતા હતા ત્યાં સ્થાનિક બૌદ્ધ સાધુઓ સાથે એમને વાંધો પડ્યો. મ્યાંમારનું લશ્કર સ્વાભાવિક રીતે જ બૌદ્ધ સાધુઓને પડખે રહ્યું અને જે હુલ્લડ થયા એમાં રોહિંગ્યા મુસ્લિમોની મોટા પાયે કત્લેઆમ થઈ હતી. આ ઉપરાંત પણ મ્યાંમારમાં વારંવાર ગૃહ યુદ્ધો થતાં રહ્યાં છે. સ્થાનિક ચીની ગેરિલાઓ અને મ્યાંમારના લશ્કર વચ્ચે પણ અથડામણો થતી રહે છે. આ કારણે જ મ્યાંમારથી ભાગીને આજુબાજુના દેશોમાં શરણાર્થી તરીકે ઘણાં ઘૂસી જાય છે. થાઇલેન્ડ, ચીન, બાંગ્લાદેશ અને ભારતને આવા શરણાર્થીઓની સમસ્યા સતાવી રહી છે.

એવું નથી કે મ્યાંમારમાં લોકશાહી સ્થાપિત કરવા પ્રયત્નો નથી થયા. વિશ્વ વિખ્યાત આંદોલનકારી આંગ સૂ કી વર્ષો સુધી લશ્કરી શાસકો સામે લડી. કઈ કેટલીય વાર જેલમાં રહી. લાંબા સમય સુધી પોતાના જ ઘરમાં બંદીવાન તરીકે એને રાખવામાં આવી. સૂ કીને 1991ના વર્ષમાં શાંતિ માટેનું નોબલ પ્રાઇઝ મળ્યું. ત્યાર પછી મ્યાંમાર વિશે વિશ્વ વધુ નોંધ લેતું થયું. 1988માં સૂ કીએ રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. 1999માં અમેરિકાના ટાઇમ મેગેઝીને એને કવર પર ચમકાવીને ‘ચિલ્ડ્રન ઓફ ગાંધી’ નામની કવર સ્ટોરી કરી હતી. સૂ કીની હત્યા કરવા ઘણા હુમલા થયા હતા. 2010માં સૂ કીને જેલમાંથી છોડવામાં આવી અને ત્યાર પછી થયેલી ચૂંટણીમાં સૂ કીનો પક્ષ વિજય બન્યો. વિશ્વના દબાણને કારણે મ્યાંમારના લશ્કરે નમતુ જોખીને સૂ કીને સત્તા સોંપવી પડી હતી. સૂ કીના શાસન દરમિયાન મ્યાંમાર થોડે અંશે ઠરીઠામ થયુ હતું. પ્રવાસીઓને અને મીડિયાને મ્યાંમારમાં પ્રવેશવાના વિઝા આપવામાં આવતા થયા.

હવે ફરીથી થોડા દિવસો પહેલાં મ્યાંમારના લશ્કરે પોતાના હાથમાં સત્તા લઈ લીધી છે. 75 વર્ષના સૂ કીને ફરીથી જેલમાં નાંખવામાં આવ્યા છે. લશ્કરી શાસન વિરુદ્ધ મ્યાંમારના યંગુન જેવા મોટા શહેરોમાં દેખાવો થાય છે ત્યારે લશ્કર કડક હાથે દેખાવકારો પર ગોળીબાર કરીને એમની હત્યા કરતા પણ ખચકાતું નથી. મ્યાંમારના ‘આર્મ્ડ ફોર્સીસ ડે’ને દિવસે 50 જેટલા શહેરો અને કસ્બાઓમાં લશ્કર સામે દેખાવ કરી રહેલા લોકો પર મશીનગન ચલાવીને 170 જેટલા આંદોલનકારીઓની હત્યા કરી નાખવામાં આવી છે. નવાઈની વાત એ છે કે એ જ રાત્રે સેના પ્રમુખ મીન આંગ લાઇંગએ જનરલોને આમંત્રિત કરીને મોટી પાર્ટી રાખી હતી. માર્યા ગયેલાઓના અંતિમ સંસ્કાર કરવાની પણ પરવાનગી આપી નહોતી. અંતિમ સંસ્કારમાં ગયેલા લોકો પર પણ બોમ્બ નાંખવામાં આવ્યા હતા. મ્યાંમાર ફરીથી અંધકાર યુગ તરફ જઈ રહ્યું છે. કડક લશ્કરશાહીને કારણે મ્યાંમારથી સાચા સમાચારો ભાગ્યે જ બહારની દુનિયા સુધી પહોંચે છે. ફરીથી મ્યાંમારના શરણાર્થીઓ થાઇલેન્ડ, બાંગ્લાદેશ અને ભારત તરફ આવી રહ્યા છે. મ્યાંમારમાં ગરીબી અને ભૂખમરો પરાકાષ્ઠાએ છે. જો ટૂંક સમયમાં યુએન કે વિશ્વના બીજા અગ્રેસર દેશો મ્યાંમારમાં દખલ નહીં કરે તો મ્યાંમારની પરિસ્થિતિ ફરીથી 60 અને 70ના દાયકા જેવી થવા જઈ રહી છે. vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો