તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાં ગોળીબાર:‘મુન્ની બદનામ હૂઈ…’ અભ્યાસક્રમમાં?!

4 દિવસ પહેલાલેખક: મન્નુ શેખચલ્લી
  • કૉપી લિંક
  • મામૂલી આઈટમ ડાન્સર પણ નાણાંનો વરસાદ વરસાવી શકે છે

હેલન, બિન્દુ, જયશ્રીટી અને જૂના જમાનાની કુક્કુથી હે લઈને આજની રાખી સાવંત તથા ખાસ કરીને મલઈકા અરોરાની છાતી ગર્વથી ગજ-ગજ ફૂલતી જાય એવા સમાચાર છે! સમાચાર એવા છે કે બ્રિટનની સ્કૂલોમાં ઇન્ડિયન મ્યુઝિકનો કોર્સ કરનારા સ્ટુડન્ટોના અભ્યાસક્રમમાં ફિલ્મ ‘દબંગ’નું જગમશહૂર ગાયન ‘મુન્ની બદનામ હૂઈ તેરે લિયે...’ સામેલ કરવામાં આવ્યું છે! આમેય, જ્યાં ‘નાસા’માં આપણો કોઈ દેશી માણસ ભલેને ત્યાં પોતાં મારતો હોય તોય આપણો હરખ ઝાલ્યો ઝલાતો નથી! પેલી કલ્પના ચાવલાને ‘ગુજરાટી’ પણ સરખું બોલતાં નહોતું આવડતું છતાં આપણે સૌ એનાં ‘પિયરીયાં’ હોવાને નાતે એના માટે થેપલાં-ખાખરા અને ગળ્યા શક્કરપારાના નાસ્તા અવકાશયાનમાં પહોંચાડવા માટે કેવા ઘેર-ઘેર ડબ્બા બનાવવા મંડી પડ્યા હતા! આ હિસાબે તો હવે ડાન્સ ઈન્ડિયા ડાન્સ જેવા પ્રોગ્રામોમાં જે માસૂમ બેબલીઓ ‘ચિકની ચમેલી’ અને ‘શીલા કી જવાની’ જેવાં ગાયનો ઉપર ડાન્સ કરવા આવી પહોંચે છે એમનાં મા-બાપોએ તો હવે બસ, સપનાં જ જોવાનાં રહ્યાં કે એક દિવસ એમની બેબલી લંડનની કોઈ સ્કૂલના ‘એન્યુઅલ ડે’ના ફંકશનમાં ‘સાંસ્કૃતિક કાર્યક્રમ’ તરીકે ‘મુન્ની બદનામ હૂઈ...’ની ધૂન ઉપર નૃત્ય કરતી હશે! અહીં ભારતીય સંસ્કૃતિના રખેવાળોએ એટલા બધા ગુસ્સે થઈ જવાની જરૂર નથી કેમ કે એ લોકોએ બેલેન્સ કરવા માટે કિશોરી આમોનકર (એ વળી કોણ?), અનુષ્કા શંકર (અરે સિતારવાદક રવિશંકરની બેબી!) અને એ.આર. રહેમાન (અમેરિકા જઈને ઓસ્કાર જીતી લાવેલો એ!) વગેરેને પણ કોર્સમાં સાથે રાખ્યાં છે. આ બધું બેલેન્સિંગ એટલા માટે હોય છે કે એ ધોળિયાઓ પોતાને સાચા અર્થમાં બિરબલો, સોરી, લિબરલો ગણાવે છે.

ચાલો એ બધું છોડો, જરા વિચારો કે આપણી ‘મુન્ની બદનામ...’નો ત્યાંની સ્કૂલોમાં શી રીતે ‘રસાસ્વાદ’ કરાવતા હશે? એમને મ્યુઝિક ટીચરો ઠાવકું મોં રાખીને સમજાવશે કે ઈન્ડિયન સિનેમામાં ‘આઈટમ સોંગ’ એ છેલ્લાં 70 વરસથી ચાલી આવતી સંગીત-નૃત્ય ‘પરંપરા’ છે! આ છૂટક ‘આઈટમ’ એવી ડિટેચેબલ અને એટેચેબલ હોય છે કે કોઈપણ ફિલ્મની કોઈપણ સ્ટોરીના કોઈપણ વળાંકની વચ્ચે તેને ‘ફીટ’ કરી શકાય છે! સાદી ભારતીય ભાષામાં કહીએ તો આઈટમ સોંગ એ વિશિષ્ટ આલુ (બટાકા) છે જે મટર, ભીંડી, પનીર, છોલે, ટીંડે, ગોબી, પાલખ કે ઈવન સેવ-ટામેટાં સાથે ભળી જઈ શકે છે...’ ગીતના શબ્દોનું રસપાન કરાવતાં ટીચર કહેશે ‘લિસન ટુ ધ વર્ડ્ઝ વેરી કેરફૂલી... મુન્ની કે ગાલ ગુલાબી, નૈન શરાબી, ચાલ નવાબી રે... અહીં ગુલાબી, નવાબી, શરાબી વગેરે શબ્દો વડે ભારતના ભવ્ય મુઘલકાળનો વારસો ઝિલાયો છે તો બીજી તરફ ‘મૈં ઝંડુ બામ હૂઈ’ જેવા શબ્દો વડે આજના આધુનિક ભારતમાં આયુર્વેદિક પ્રોડક્ટોએ કન્ઝ્યુમર માર્કેટ ઉપર કેવી પકડ જમાવી છે તેનાં ‘ગૌરવગાન’ ગવાયાં છે! (બોલો, આ પહેલાં તમે કદી આ ગાયન આ એંગલથી સાંભળ્યું હતું? નહીં ને!)

આગળ સાંભળો... ‘શિલ્પા સા ફિગર, બેબો સી અદા...’ અહીં કવિ કહેવા માગે છે કે હવે તો શિલ્પા શેટ્ટી અને કરિશ્મા કપૂર જેવી મેઈન હિરોઈનો પણ આઈટમ સોંગ કરે છે! અગાઉના જમાનામાં જે ‘ડાન્સર’ અને ‘હિરોઈન’ વચ્ચે ઊંચ-નીચના ભેદભાવો હતા તે ખતમ થઈ ગયા છે! આગળ જતાં કવિ લખે છે કે ‘મૈં ટંકસાલ હૂઈ, ડાર્લિંગ તેરે લિયે...’ અહીં કવિ ભારતના વિકસી રહેલા અર્થતંત્ર તરફ ઈશારો કરીને આપણને કહી રહ્યા છે કે એક મામૂલી આઈટમ ડાન્સર પણ નાણાંનો વરસાદ વરસાવી શકે છે. (જે રીતે એક સામાન્ય ચા વેચનારો વડાપ્રધાન બની શકે છે, એ જ રીતે!) વળી ‘સિનેમા હોલ હૂઈ...’ દ્વારા શું કહેવાઈ રહ્યું છે? અરે, અહીં આખો શબ્દોનો ખેલ છે! આ માત્ર ‘સિનેમા’નો ‘હાલ’ નથી, આ તો ‘સિને-મા-હોલ’ છે! મતલબ કે ‘સિનેમા’ આપણી ‘મા’ છે! સાથે-સાથે ‘મા-હોલ’ એટલે કે આખેઆખું ફિલ્મી ‘પર્યાવરણ’ રચાયું છે, સિનેમા થકી! સમજ્યા? યાર, હવે તો કબૂલ કરશો ને કે બિચારી મુન્ની ખામોંખાં બદનામ હૂઈ આખ્ખે આખ્ખા ભારત કે લિયે! mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો