કચ્છનો અબડાસા તાલુકો અને ત્યાંનું સાંધો ગામ. એ મારા પિતાની જન્મભૂમિ. અત્યારે કોરોના ફેલાયેલો એમ એ સમયે એટલે કે 1898માં પ્લેગ ફેલાયો હતો. અમારા 13 સભ્યોમાંથી 11 સભ્યો ગુજરી ગયા. પછી દાદી અને એક નાનું બાળક એ બે બચ્યાં. એ નાનું બાળક એટલે મારા પિતા સિદ્દીકભાઈ અબ્બાસભાઈ. એ પછી તેઓ મુંબઈભેગા થયાં. મારા પિતા મોટા થયા અને તેમનું નામ જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સના વિદ્યાર્થી તરીકે નોંધાયું. એ સમયે સિરામિકના કોર્સ જે સૌ પહેલી વાર શરૂ થયા એમાં પ્રથમ વિદ્યાર્થી એટલે મારા પિતા. આ તરફ થાનમાં 1913માં પોટરી શરૂ થઈ. થાનમાં સિરામિક ઉદ્યોગ શરૂ કરનાર સોહરાબ દલાલ નામના પારસી શેઠ. 1914માં પ્રોડક્શન શરૂ થયું. ભારતભરમાંથી તેમણે સિરામિકો પસંદ કર્યા. એમાં મુંબઈથી મારા પિતાની પસંદગી કરવામાં આવી. એ પછી અમે પિતા સાથે થાન આવ્યા. અમે થાન આવ્યાં. થાનની વસ્તી માત્ર 500 માણસની. આખું ગામ ગઢની અંદર આવી જતું. એની બહાર કંઈ નહીં. બહાર વાસુકીનું મંદિર, નાનું તળાવ અને રેલવે સ્ટેશન. ફાટક વટીને સ્મશાન આવે. રાત્રે કોઈ નીકળે નહીં. અહીં મારા પિતાએ કારકિર્દી શરૂ કરી. અહીં આવ્યા પછી જ તેમણે લગ્ન કર્યાં. મારી માતાનું નામ હસીનાબહેન. અમે ચાર સંતાનો. સૌથી મોટાં અમીનાબહેન એ પછી છોટુભાઈ, કરીમભાઈ અને સૌથી નાનો હું. સંજોગો બદલાયા વહીવટ બીજાના હાથમાં ગયો. પિતાજીએ નોકરી છોડી. તેઓ જુદાં જુદાં ઠેકાણે ફરે. એ વખતે એસએસસી વર્ગ નહોતો. મ્યુનિસિપાલિટી તરફથી છઠ્ઠો એક વર્ગ શરૂ થયો. એમાં બે આનામાંથી સીધા 6 રૂપિયા ફી થઈ, જે ગમે તે રીતે મારા પિતા પૂરી પાડતા. મારા પિતાનો આ સહકાર. પછી મેં કહ્યું મારે આગળ ભણવા ભાવનગર જવું છે. પૈસા હતા નહીં, પણ માતાએ ઉછીના 10 રૂપિયા લાવી દીધા. ભાવનગરમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં એડમિશન લીધું. લોજમાં ત્રીસ રૂપિયામાં બે ટાઈમનું જમવાનું, પણ માસિક બિલ, ભાઈનું બજેટ એ બધું થઈને 20 રૂપિયા થાય. શનિ-રવિ ધોળા મારી બહેનને ત્યાં જતો. એ મને સરસ જમાડતાં. આમ, મારી બહેનનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો. હું છઠ્ઠામાં ફુલ્લી પાસ અને સાતમામાં એસએસસી બોર્ડ આવ્યું. ફુલ્લી પાસ થયો એટલે મહિને દસ રૂપિયા સ્કોલરશીપ મળતી. મેટ્રિકમાં સેકન્ડ ક્લાસે પાસ થયો. એક વાત યાદ આવી એ કહું કે મારાથી મોટા કરીમભાઈ સુરેન્દ્રનગર જાય કે ક્યાંક રાજકોટ જાય તો મારી મા એમની ચિંતા કરે કે એને ગાડીમાં જગ્યા મળી હશે કે નહીં અને હું દહેરાદૂન, મસૂરી, આગ્રા, અજમેર ફરું તો મારી કોઈ દિવસ મારી માએ ચિંતા નહોતી કરી. એકવાર મેં કહ્યું, ‘તમે કેમ મારી ચિંતા નથી કરતાં?’ તો મા કહે, ‘તારા માટે મને વધુ લાગણી છેે, પણ મને વિશ્વાસ છે કે તું જ્યાં હોઈશ સારી જગ્યાએ અને સારા માણસો સાથે હોઈશ.’ આમ, માતાના આ શબ્દોને જ મેં આશીર્વાદ માની લીધા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.