તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમવૉચ:દારૂ ઢીંચી-ઢીંચીને નાલાયક બની ગયેલા દીકરાની હત્યાના ગુનામાં મા-દીકરી ઝડપાયાં

જયદેવ પટેલ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના નવરંગપુરા વિસ્તારનો ચકચારી કેસ
  • કેસના સંજોગોની કોર્ટે તલસ્પર્શી સમીક્ષા કરીને માનવીય અભિગમ અપનાવી બંનેને છોડી મૂક્યાં

અમદાવાદ શહેરના નદીપારના ખાસ કરીને એલિસબ્રિજ, નવરંગપુરા, નવા નારણપુરા વિસ્તારના આર્થિક રીતે કંઈક અંશે સુખી-સંપન્ન પરિવારોમાં આજેય 27 વર્ષ પૂર્વે પચીસેક વર્ષના યુવકની ઘાતકી હત્યાની બનેલી આ ઘટનાએ ત્યારે જબરદસ્ત ચકચાર મચાવી મૂકી હતી. હત્યાના આ ગુનાના આરોપસર નવરંગપુરા પોલીસે મૃતક યુવકની માતા તથા માડીજાયી સગી બહેનની ધરપકડ કર્યાની હકીકત પ્રકાશમાં આવી ત્યારે સૌ કોઈએ આઘાત સાથે આશ્ચર્ય અને અફસોસ વ્યક્ત કર્યો હતો. 1994ના અંતિમ ડિસેમ્બર મહિનાના ગાત્રોને થીજવી નાખે તેવા કાતિલ ઠંડીના દિવસો હતા. નવરંગપુરા વિસ્તારના ઈશ્વર ભુવન નજીકના પૂર્ણાનંદ આશ્રમની પડખે આવેલી સોસાયટીના એક બંગલામાં કંઈક ગંભીર ઘટના બની ગઈ હોવાની શંકા વ્યક્ત કરતો સંદેશો શહેર પોલીસને કન્ટ્રોલ રૂમને મળ્યો હતો. ત્યાર બાદ નવરંગપુરા પોલીસ મથકનો પોલીસ કન્ટ્રોલ રૂમે સંપર્ક સાધીને આ સંદેશાની તપાસ કરવા સૂચના આપી હતી. આથી નવરંગપુરા પોલીસ મથકના તત્કાલીન સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર એન. બી. પરમાર તથા ડી-સ્ટાફ સબ ઈન્સ્પેક્ટર ચંદ્રેશ સી. શાસ્ત્રી તેમની ટીમને સાથે લઈને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બંગલાના મુખ્ય દરવાજા ઉપર તાળું લટકતું જોઈને પોલીસટીમ વિમાસણમાં મુકાઈ ગઈ હતી. આ વખતે હાજર સોસાયટીના રહીશોને પોલીસે સાહજિક પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, આ બંગલામાં રહેતા પરિવારના સભ્યો શહેરના કોટ વિસ્તારમાં આવેલી પોળના તેમના જૂનાં ઘેર રહેવા ગયા છે. આથી પોલીસે પરિવારને જાણ કરતા કેટલાક સભ્યો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ પછી પોલીસે તેમની પાસેથી ચાવી મેળવીને મુખ્ય દરવાજો ખોલાવીને બંગલામાં પ્રવેશ કર્યો હતો. બંગલાની ભોંય-ફરસ ઉપર ચારે બાજુ પાણી જ પાણી વહી રહ્યું હતું અને લોહીથી લથબથ હાલતમાં યુવકની લાશ પડેલી જોઈને પોલીસ અધિકારીઓના મુખમાંથી ‘ઓ...હ...!!’ શબ્દ સરી પડ્યો હતો. દરમિયાન શહેર પોલીસ તંત્રના નદીપારના સેક્ટરનો કાર્યભાર સંભાળતા સંયુક્ત પોલીસ કમિશનર વિરમાભાઈ રબારી (વી. વી. રબારી) પણ પોલીસ ફોટોગ્રાફર તથા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતની ટીમને લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ સમક્ષ આ વેળાએ પરિવારની કાન્તાબહેન નામની સ્ત્રીએ મૃતક યુવક તેનો જુવાનજોધ દીકરો જિગર હોવાની ઓળખ કરી હતી. સાથે જ એવી શંકા વ્યક્ત કરી હતી કે, રાત્રે બંગલામાં ચોરી કરવા ઘૂસેલી તસ્કર ટોળકીએ જિગરનો સામનો કરવાની કોશિશ કરી હશે ત્યારે તેના ઉપર ઘાતક હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હશે. નવરંગપુરા પોલીસે કાન્તાબહેનની ફરિયાદના આધારે મુખ્યત્વે ખૂનનો ગુનો દાખલ કરીને તપાસનો દોર જારી રાખ્યો હતો.મરનાર યુવક જિગરની લાશને પોલીસે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. દરમિયાન તબીબોની ટીમ દ્વારા લાશનો કરવામાં આવેલો પી.એમ. રિપોર્ટ પોલીસને મળી ગયો હતો, જેમાં કાતર જેવા તીક્ષ્ણ-ધારદાર હથિયારથી 17થી 20 જેટલા ઘા ઝીંકીને જિગરની હત્યા કરવામાં આવી હોવાનું દર્શાવાયું હતું. કાતર પણ જિગરના પેટમાંથી કબજે કરવામાં આવે હતી. આ બાજુ પોલીસટીમ બંગલામાં તપાસ કરી રહી હતી ત્યારે બાથરૂમમાં સ્ત્રીનાં ભીંજાયેલાં કપડાં જોવા મળ્યાં હતાં, જેનું બારીક નિરીક્ષણ કર્યું ત્યારે ક્યાંક-ક્યાંક લોહીના આછા-પાતળા ડાઘા જોવા મળ્યા હતા. આથી પોલીસે પંચનામું કરીને આ કપડાં કબજે કરીને તેની વૈજ્ઞાનિક તપાસ કરાવવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતાં. એટલું જ નહીં, ખૂનના આ ગુનામાં કદાચ પરિવારની જ કોઈ સ્ત્રીની ભૂમિકા હશે તેવી શંકા પ્રબળ બનતાં પોલીસે પરિવારના સંબંધમાં ખાનગી રાહે માહિતી એકત્રિત કરવાની શરૂ કરી. નવરંગપુરા પોલીસ મથકના તત્કાલીન અધિકારીઓએ તેમના સ્ટાફ સાથે ગુનાનો ભેદ ઉકેલવાની દિશામાં એક પછી એક કડીઓ એકત્રિત કરીને તેની સળંગ સાંકળ બનાવવાની કવાયત જારી રાખી હતી, જેમાં જિગરના અનુસંધાનમાં તેના મિત્રવર્તુળ તથા પરિવારની પોલીસે પૂછપરછ કરી ત્યારે જુવાનીના ઉંબરે પગ મૂકતાની સાથે જ જિગરે સૌપ્રથમ અંગ્રેજી શરાબની મહેફિલ માણી હતી. આ પછી તો ધીમે-ધીમે દારૂડિયો બની ગયો હતો, જેના પગલે તેના પરિવારના સભ્યો સાથે ગાળાગાળી અને મારામારીનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. દારૂના નશામાં મગજ ઉપરનો કાબૂ ગુમાવી દઈને સૂધબૂધ ભૂલી ગયેલા જિગરને સમજાવવાનો તેની માતા તથા બે સગી બહેનો પ્રયાસો કરતી ત્યારે તેમને ગંદી ગાળો ભાંડીને ચૂપ રહેવા ધમકાવતો હતો. આમ, અઠંગ દારૂડિયા બની ગયેલા જિગરના રોજરોજના ઝઘડાના ભવાડાથી ઘરના સભ્યો પણ તંગ થઈ ગયા હતા. આવી જ એક રાત્રે ચિક્કાર દારૂ ઢીંચીને ઘેર પાછા ફરેલા જિગરના હાલહવાલ જોઈને તેની બહેને હવે તો બહુ થઈ ગયું તેમ સમજીને તેને જોરદાર ધક્કો માર્યો હતો. આ પછી તો જિગરની મગજની કમાન છટકી હતી અને સગી બહેનને જકડી લેવાની કોશિશ કરીને ગાળોનો બકવાટ શરૂ કર્યો હતો. બસ, આ પછી તો જિગરની માડીજાયી બહેન અને સગી જનેતા રણચંડી બની ગયાં હતાં. ધારદાર કાતરના ઉપરાછાપરી ઘા ઝીંકીને તેને ત્યાં જ ઠંડો પાડી દીધો હોવાની માહિતીના આધારે પોલીસે સગી જનેતા તથા સગી બહેનની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી ત્યારે બંનેએ તે રાત્રે શું-શું બન્યું હતું તેની સઘળી વિગતો જણાવીને ગુનાની કબૂલાત કરી હતી. દારૂડિયા બની ગયેલા દીકરાની ઘાતકી હત્યાના ગુનાનો નવરંગપુરા પોલીસે ભેદ ઉકેલીને માતા-પુત્રીની ધરપકડ કર્યાના સમાચાર જાણીને સ્થાનિક રહીશોમાં પણ નાલાયક દીકરાના કરતૂતો પ્રત્યે રોષની લાગણી ભડકી ઊઠી હતી. એટલું જ નહીં, ધરપકડ કરાયેલ માતા-પુત્રી પ્રત્યે અનુકંપા તથા સહાનુભૂતિની લાગણી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ પોલીસે આ ગુનાની તપાસ પૂરી કરીને જિગરની માતા કાન્તાબહેન અને સગી બહેન કરૂણાના વિરુદ્ધમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. શહેરની ભદ્ર ખાતેની સિટી સિવિલ અને સેશન્સ અદાલતોના સેશન્સ જજ સમક્ષ આ કેસની આખરી સુનાવણી નીકળી હતી. જે દરમિયાન બચાવ પક્ષ તરફથી માતા-પુત્રી કયા સંજોગોમાં આવા ગંભીર ગુનાને અંજામ આપવા લાચાર અને મજબૂર બન્યાં હતાં તેને સ્પર્શતી લાગણીસભર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ દારૂ ઢીંચીને છાકટા બની ગયેલા જુવાનજોધ દીકરાની નાલાયકીથી કેટલી હદે બંને તંગ આવી ગયાં હતાં તેની દલીલ કરતા બનાવની રાત્રે કેવો ભવાડો થયો હતો તેની શબ્દસહ રજૂઆત કરીને મા-દીકરી પ્રત્યે રહેમદિલી દાખવવા વિનંતી કરી હતી. આમ, ફરિયાદ પક્ષના તત્કાલીન સરકારી વકીલ લાભુભાઈ એચ. પટેલ તથા બચાવ પક્ષના વકીલે તેમની દલીલોનું સમાપન કર્યું હતું. ત્યાર બાદ ન્યાયાધીશે કેસના સઘળા સંજોગોની માનવીય અભિગમની રાહે સમીક્ષા કરીને માતા-પુત્રીને છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આ સાથે જ નવરંગપુરા વિસ્તારમાં 27 વર્ષ પૂર્વે સનસનાટી મચાવનાર આ ખૂન કેસ ઉપર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું.{ (નોંધ : આ કેસનાં ત્રણેય પાત્રો મરનાર જિગર તથા માતા કાન્તાબહેન અને સગી બહેન કરુણાનાં નામ બદલ્યાં છે.)

અન્ય સમાચારો પણ છે...