તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- ડૉ. પ્રશાંત ભીમાણી
રિયાદ કરતી વખતે મુગ્ધાની આંખમાં પાણી હતાં.’ ડોકટર, ગમે તેટલી ચોકલેટ ખાઉં કે મોબાઇલમાં મોટિવેશનલ પ્રવચનો સાંભળું, મારો મૂડ મહિને એક વાર તો બગડે જ છે. લગભગ દસ-બાર દિવસ હું ખૂબ ડાઉન રહું પછી ધીમે-ધીમે થોડું ઠેકાણે આવે ત્યાં ફરી પાછી એ જ સાઇકલ ચાલુ થઇ જાય. પહેલાં મારો હસબન્ડ રોશન ખૂબ સપોર્ટિવ હતો, પણ મને સતત ફરિયાદ કરતી સાંભળીને હવે એ પણ કંટાળ્યો છે. મારાં સાસુ-સસરા પર પણ મને કારણ વગર ગુસ્સો આવે છે. અમારે નવું ઘર પણ લેવું છે. અમારા લગ્નને ચાર વર્ષ થયા. અમારે બાળકનું પ્લાનિંગ કરવું છે, પણ રોશન હવે તૈયાર નથી.’ રોશન વચ્ચે જ બોલ્યો, ‘પહેલાં તારું આ મન્થલી ઇન્સ્ટોલમેન્ટવાળું ડિપ્રેશન જાય પછી જ હવે તો એ વિશે વિચારીશું. મારાથી નવા ઘરના હપ્તા ભરાશે, પણ આ તારા ભંગાર મૂડના હપ્તા ભરી નહીં શકું. તારે ટ્રીટમેન્ટ તો કરાવવી જ પડશે.’
‘હું પણ સમજુ છું કે કંઇક પ્રોબ્લેમ તો છે જ, પણ શું છે તે ખબર નથી પડતી. મારે પણ આ દર મહિનાના નિરાશાના ચક્કરમાંથી છૂટવું છે.’ મુગ્ધા બોલી. આ સમસ્યા ‘પ્રિ-મેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરીક ડિસઓર્ડર’ની છે. આમાં દર્દીમાં મૂડમાં ફેરફારો, વર્તનમાં બદલાવ તેમજ કેટલાંક શારીરિક લક્ષણો પણ જોવા મળે છે. એક અનુમાન પ્રમાણે 40% જેટલી સ્ત્રીઓને વત્તેઓછે અંશે આ સમસ્યા હોય છે. માસિક દરમ્યાન થતા હોર્મોનલ ફેરફારો મોટે અંશે જવાબદાર મનાય છે. શરીરમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનનો ઊંચો ગુણોત્તર મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સાથે ઘણા સામાજિક અને મનોવૈજ્ઞાનિક પરિબળો પણ ખૂબ મોટા પાયે જવાબદાર છે.
ખાસ કરીને ચીડિયાપણું, રડવું આવવું, ઉદાસી છવાયેલી રહેવી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, કનફ્યુઝન, આળસ, ભૂખ અને ઊંઘમાં ફેરફારો થવા, માથાનો દુઃખાવો, ઘણીવાર શરીરના અલગ-અલગ ભાગોમાં અકારણ દુઃખાવા થવા, સ્તનમાં દુઃખાવો કે સામાન્ય ગાંઠ જેવું લાગવું વગેરે લક્ષણો જોવા મળે છે. જેવા પીરિયડ્સ આવે કે તરત આ લક્ષણો હળવાં થઇ જાય. પ્રોબ્લેમ એ છે કે મનોવૈજ્ઞાનિક લક્ષણો તેમજ તેની અસરો ઝડપથી જતાં નથી. ક્યારેક કૌટુંબિક કે સામાજિક સમસ્યાઓ અને સંબંધો ધીરે-ધીરે ખરાબ સ્વરૂપ ધારણ કરતાં જાય છે. અલબત્ત, આ સમસ્યામાં ગાયનેકોલોજિસ્ટનો ઓપિનિયન પણ જરૂરી હોય છે. મુગ્ધાની સારવાર પહેલાં એની હિસ્ટ્રી પરથી ખ્યાલ આવ્યો કે એ જ્યારે જાણતી હતી ત્યારે બારમા ધોરણમાં પણ સખત ડિપ્રેસ્ડ થઇ ગઇ હતી. પરિણામ નબળું આવ્યું એટલે એન્જિનિયરિંગમા ધારેલી કોલેજમાં એડમિશન નહોતું મળ્યું. આમાં સપોર્ટ કરવાને બદલે ગવર્મેન્ટ ઓફિસર રહી ચૂકેલા મુગ્ધાના પપ્પાએ એને ખૂબ ઠપકો આપેલો. એ વખતે એને આપઘાતના વિચારો પણ આવેલા, પણ કોઇ અન્ય સારવાર નહોતી લીધી. રોશન કોલેજમાં એની જિંદગીમાં પ્રવેશ્યો પછી થોડો સપોર્ટ મળ્યો. રોશન શરૂ શરૂમાં તો ખૂબ સપોર્ટ કરતો, પણ પછીથી એ કંટાળવા માંડ્યો. મુગ્ધાના મૂડ-સ્વિંગ્સથી રોશનનો પણ આખો પરિવાર ડિસ્ટર્બ થયો.
પ્રિ-મેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરીક ડિસઓર્ડરમાં ઘણી વાર એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓ સારું કામ આપે છે, પણ એથી ય વિરોધ પરિવારનો સહકાર અને સમજણ ખૂબ મહત્ત્વના છે. પોતાનું વર્તન ક્યારે ક્યારે બદલાય છે તે માટે મુગ્ધાને રેકોર્ડ રાખવાનું સૂચન થયું. મૂડ સ્વિંગ્સના ટ્રીગર્સ મતલબ કયા કારણ કે ઘટના પછી મૂડ બગડે છે તે નોંધવા પણ કહેવામાં આવ્યું. રોશન સાથે પરિવારના અન્ય લોકોને પણ આ ડિસઓર્ડર વિશે માહિતી આપવામાં આવી.
સૌથી વધુ મદદ મુગ્ધાને સાયકોથેરાપી અને કાઉન્સેલિંગથી મળી. એની ઊંડી એંગ્ઝાયટી અને ડિપ્રેશન દૂર થયાં. ભૂતકાળની નિષ્ફળતા અને વ્યગ્રતામાંથી ધીરે-ધીરે એ મુક્ત થઇ. સારવાર બાદ પોતાની જાતને એ હવે વધુ સારી રીતે સમજી શકી. આવી સમસ્યાઓમાં નિયમિત એક્સરસાઇઝ અને યોગાસનોથી પણ ફાયદો થઇ શકે છે. ખોરાકમાં થોડા ફેરફાર સૂચવવામાં આવ્યા. રુટિનમાં આ ફેરફારો નિયમિત પણે અનુસરવાથી કામમાં ફોકસ વધ્યું અને PMDDનાં લક્ષણોમાં ખૂબ સુધારો આવ્યો. વિનિંગ સ્ટ્રોક ઃ સ્ત્રીને સમજવાની કોશિશ કરવા કરતાં ક્યારેક એને માત્ર સપોર્ટની વધારે જરૂર હોય છે. drprashantbhimani@yahoo.co.in
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.