ધરાખનાં ઝૂમખાં જેવું એક ગામ. એમાં ધનજી માલદારનું ખોરડું ઠીકઠીક ગણાતું. પાડાની કાંધ જેવી નેવું વીઘા જમીન, ગાયું, ભેંશું, ઊંટ, ઘોડાનો જખીરો, ઊંચી પડથારનાં ઓસરીબંધ ખોરડાં. આભને ટેકો દિયે એવા ત્રણ કંધોતર દીકરાની લીલી વાડી હતી. અવસ્થાએ આંટો લીધો ને ધનજીની છેલ્લી ઘડી આવી. ધનજીએ પંચને બોલાવીને ત્રણેય દીકરા વચ્ચે માલમિલકતની વહેંચણી કરી દીધી ને બીજે જ દી ધનજીએ દેહ છોડી દીધો. દીકરાઓએ તભા ગોરે જેમ કીધું એમ બધી વિધિ કરી. મહિના દા’ડા પછી તણેય ભાયુ વચાળે મિલકતની વહેંચણી કરવા માટે પંચ બેઠું. વાડી-ખેતર, ઘર-ખોરડાં, ઢોરઢાંખર ને વાસણના ભાગ તો પાડ્યા પણ ધનજી માલદારનાં ઊંટના ભાગ પાડવાની વાત આવી તઈં પંચ મૂંઝાણું. ધનજી માલદારની ઈચ્છા પરમાણે અર્ધા ઊંટ નાના દીકરાને, ત્રીજા ભાગનાં ઊંટ વચલાને અને નવમા ભાગનાં ઊંટ મોટા દીકરાને આપવાનાં. ઊંટ હતાં 17. હવે એના અર્ધા કેમ કરવા? અને મરનારની ઈચ્છા પ્રમાણે નો થાય તો પંચનું હીણું દેખાય. દલીચંદ શેઠ, તભો ગોર, અમરસંગ બારોટ, ભોજભા દરબાર, રાણશી ગઢવી, ભગવાનજી ઠક્કર અને ભીમગર મા’રાજ જેવા, ડા’પણના દરિયા જેવા આગેવાનો ચકરાવે ચડ્યા છે. ગામને ઝાંપે જઈને બેઠા પણ મારગ મળતો નથી. એવામાં એક સાધુ નીકળે છે. ઝાંપે બેઠેલા ડાયરાને નમો નારાયણ કહે છે. પણ વિચારમાં ઊંડા ઊતરી ગયેલા આગેવાનોનું ધ્યાન નથી. સાધુ સમજી જાય છે કે કાંઈક મૂંઝવણમાં છે. સાધુ નજીક આવીને બધી વાત જાણે છે. ‘ચિંતા મત કરો. હમ ભાગ પાડ દેંગે.’ સાધુએ ધનજી માલદારનાં સત્તર ઊંટમાં પોતાનો એક ઊંટ ઉમેરી દીધો. અઢાર ઊંટ થયાં. અઢારનાં અરધાં એટલે કે નવ ઊંટ નાના દીકરાને આપ્યાં. અઢારનો ત્રીજો ભાગ એટલે કે છ ઊંટ વચેટને, અને નવમા ભાગે બે ઊંટ મોટાને. 9+6+2=17 ઊંટની વહેંચણી થઈ ગઈ. પોતાનો ઊંટ લઈને સાધુ મહાત્મા પોતાના પંથે વળ્યા.⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.