તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શબ્દના મલકમાં:‘ગોળ વિના મોળો કંસાર : મા વિના સૂનો સંસાર’ : પ્રેમાનંદ

મણિલાલ હ. પટેલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કથાકથનની કળામાંય પ્રેમાનંદ શ્રેષ્ઠ છે. આ મહાન કવિના આખ્યાનોથી ભાષા સમૃદ્ધ છે

ભાષા માત્ર મનુષ્યને મળેલી અણમોલ સોગાત છે. આપણા જીવનમાંથી ભાષાને બાદ કરી શકાતી નથી. સમજદાર માણસો ભાષાનું – માતૃભાષાનું ગૌરવ કરતાં હોય છે. મા, માટી (વતન) ને માતૃભાષાનો વિકલ્પ નથી. આપણે ગુજરાતીઓ માતૃભાષાનું ગૌરવ કરવામાં દિનપ્રતિદિન ઊણા ઊતરી રહ્યાં છીએ, ત્યારે યાદ કરાવીએ કે કેવા કેવા મહાન સર્જકોએ, ચિંતકોએ આપણી ભાષામાં ઉત્તમ રચનાઓ કરીને એની ક્ષમતા તથા એના સામર્થ્યને દૃઢમૂલ કર્યાં છે. મધ્યકાળમાં (ઇ.સ. 1100થી 1850) પણ આપણને નરસિંહ, અખો, પ્રેમાનંદ અને દયારામ જેવા ઉત્તમ ભક્તો-કવિઓ-કથાકારો મળ્યા છે. મધ્યકાળનો સમય આપણા લોકજીવનની કસોટી કરનારો હતો. વિધર્મી આક્રમણકારો તલવારની અણીએ રાજા-રજવાડાંને હંફાવતા અને લૂંટફાટ કરીને પ્રજાને ડરાવતા. એમનું શાસન આવતાં એમણે પ્રજાને ધર્મપરિવર્તન કરાવવા મજબૂર કરી અને ધર્મસ્થાનો તોડ્યા. આવા કપરા કાળમાં પોતાના ધર્મમાં આસ્થા રાખીને જીવવામાં મદદ કરવા અનેક ભક્તો તથા કવિઓ આપણાં પુરાણોની કથાવાર્તાઓનું કથન-વર્ણન કરતા. પદો-ભજનો-ફાગુ-પ્રબંધન રાસો-આખ્યાન અને પદ્યવાર્તાઓ લખીને પ્રજાનું મનોરંજન કરવા સાથે પ્રજાની આસ્થાને મજબૂત કરવા પ્રવૃત્ત હતા. પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ પણ મધ્યકાળમાં થઇ ગયા. એમનો સમય આશરે ઇ.સ. 1649થી 1714. પ્રેમાનંદે એમના પુરોગામીઓએ વિકસાવેલી આખ્યાન કાવ્ય પરંપરાને દૃઢાવી, પ્રસરાવી, લોકપ્રિય બનાવી અને ઉત્તમ આખ્યાનો રચીને-ગાઇ સંભળાવીને આખ્યાન કવિતાને ઊંચાઇએ પહોંચાડીને ગૌરવ અપાવ્યું હતું. પ્રેમાનંદ વડોદરાના વતની હતા. બ્રાહ્મણ-ભટ્ટ પરિવારમાં જન્મેલા. સનાતન ધર્મી પરિવાર નીતિનિષ્ઠ અને કર્મધર્મી હતો. પરિવારની પરંપરામાં શિક્ષણ મળતું. એ જ પછી આજીવિકાનું સાધન બનતું. પ્રેમાનંદે આખ્યાનો રચીને, પ્રાણ લગાડીને, રસાળ શૈલીમાં રજૂઆત કરીને પોતાનું જીવન નિભાવેલું. નવાં નવાં આખ્યાનો રચતા, અનેક શહેરો-ગામોમાં જતા અને સાંજે ગામનગરના ચોકમાં આખ્યાન કહેતા. ગાવા સાથે અભિનય પણ કરતા. એમની લોકપ્રિયતા ખૂબ હતી. એમના આખ્યાનો વસ્તુ-રચના, કથાકથન, વર્ણન-નિરુપણ, પાત્રાલેખન અને રસાલેખન બાબતે ઉચ્ચ કક્ષાના બનેલાં. સમાજમાં ગુજરાતી ભાષાનો આદર વધે એ માટે એમણે આખ્યાનો દ્વારા પ્રયત્નો કરેલા. માથે પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધેલી કે – ‘ગુજરાતી ભાષાને ગૌરવ નહીં અપાવું ત્યાં સુધી ઉઘાડે માથે રહીશ.’ ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે પ્રેમાનંદ છેક નંદુરબાર જઇને આખ્યાનો કરતા : ‘ઉદર અર્થે સેવ્યું નંદુરબાર…’ એવું લખેલું છે. પ્રેમાનંદના આખ્યાનોની ગુણવત્તા ઊંચી કક્ષાની હતી. એમને એ જમાનાએ ‘મહાકવિ પ્રેમાનંદ’ કહીને નવાજેલા! આજે પણ એમના આખ્યાનો ભણાવાય છે. આપણી સાંસ્કૃતિક પરંપરાઓનું એમાં ઉત્તમ આલેખન છે. એમના ઉત્તમ આખ્યાનોમાં ‘નળાખ્યાન’ એક મહાકાવ્યની ગુણવત્તા ધરાવે છે. એકબીજાના રૂપનાં વખાણ સાંભળીને નળ-દમયંતી પ્રેમમાં પડે છે. સ્વયંવરમાં દેવોને છોડીને દમયંતી નળને વરે છે. સંસાર સારો ચાલે છે ત્યાં નળ રાજામાં કળિ (દાનવ)નો પ્રવેશ થાય છે. જુગારમાં રાજપાટ હારેલો નળ પહેરેલાં કપડે જ દમયંતી સાથે વનમાં જાય છે. નવેનવ રસનું આલેખન કરતું આ કાવ્ય નળના પ્રેમની અને દમયંતીના સતીત્વની કસોટીનું ઉત્તમ આખ્યાન બની રહે છે. દેશ્રી રાગો-ઢાળોમાં કહેવાતું ‘નળાખ્યાન’ ગુજરાતી ભાષાનું સામર્થ્ય દેખાડે છે. ‘સુદામાચરિત’ ઊર્મિસભર મૈત્રી અને ભક્તિનું કાવ્ય છે. સુદામાની ગરીબી અને કૃષ્ણની દ્વારિકાના વૈભવનું વર્ણન ચકિત કરી દે છે. મુઠ્ઠી તાંદુલના બદલામાં કૃષ્ણ સુદામાને બધો વૈભવ આપે છે, પણ કૃષ્ણની વિદાય લેતા સુદામાને એની જાણ નથી. ભક્ત મટીને ઘડીક સુદામો સામાન્ય માણસની જેમ બોલી ઊઠે છે : ‘કૃષ્ણની પાસ ધન હોય ઘણું : મારે નગર એનું સોના તણું’, ‘બાંધી મુઠ્ઠીનો મિત્રાચાર : મોટો નિર્દય નંદકુમાર.’ ‘કુંવરબાઇનું મામેરું’ ભગત અને જગત (સંસાર) વચ્ચેના સંઘર્ષનું નર્મમર્મથી સભર કાવ્ય છે. નમાઇ કુંવરબાઇની વેદનાનું કરુણ આલેખન આ આખ્યાનો યાદગાર વિશેષ છે. કુંવરની ઉક્તિઓ કહેવતો બની ગઇ : ‘ઘડો ફૂટે જેવી રઝળે ઠીકરી એવી મા વિનાની દીકરી’, ‘ગોળ વિના મોળો કંસાર : મા વિના સૂનો સંસાર.’ ‘ઓખાહરણ’ અલૂણાં વ્રત સાથે કુંવારકાઓને સંભળાવાતુંં શૃંગાર અને વીરરસનું સરસ આલેખન છે. ‘અભિમન્યુ આખ્યાન’ મહાભારતના સાત કોઠા યુદ્ધવાળા ઘટકને વર્ણવે છે. દુર્યોધન અભિમન્યુને હણવાની યોજના કરે છે, પણ અભિમન્યુ-અર્જુનનો વંશ રહે એ માટે યુદ્ધની આગલી રાતે ઉત્તરા-અભિમન્યુનું મિલન ગોઠવે છે. નવલરામ પંડ્યાએ પ્રેમાનંદની રસનિરુપણ શક્તિ માટે કહેલું, ‘રસની બાબતમાં એના પેંગડામાં પગ ઘાલે એવો કવિ પાક્યો નથી.’ ⬛ manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...