બ્લેક એન્ડ વ્હાઈટ:મોબાઈલ ફોન ક્યારેક જીવનદાતા પણ બની શકે!

આશુ પટેલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઈલ ફોનને કારણે અકલ્પ્ય રીતે જીવ બચ્યા હોય એવા રસપ્રદ કિસ્સાઓ

ઓક્ટોબર 2021ના પ્રથમ સપ્તાહમાં બ્રાઝિલમાં એક લૂંટની ઘટના દરમિયાન લૂંટારાઓએ એક વ્યક્તિ પર ગોળી છોડી હતી, પરંતુ તે ગોળી તે વ્યક્તિના શર્ટના ખિસ્સામાં પડેલા સ્માર્ટ ફોને ઝીલી લીધી અને તેનો અકલ્પ્ય રીતે બચાવ થઈ ગયો. લૂંટારાઓએ છોડેલી ગોળી તે મોબાઈલ ફોને ઝીલી લીધી. તે ગોળી મોબાઈલ ફોનને વીંધીને તે માણસના નિતંબને માત્ર સ્પર્શી શકી. તેના નિતંબ પર માત્ર સહેજ છરકો થયો, પણ એ સિવાય તેને બીજી કોઈ જ ઈજા ન થઈ. બ્રાઝિલની આ ઘટના બહાર આવી છે ત્યારે મોબાઈલ ફોનને કારણે ભૂતકાળમાં પણ ઘણા બધા માણસોના જીવ બચ્યા હોય એવા કેટલાક રસપ્રદ કિસ્સાઓ જાણવા જેવા છે. થોડા સમય અગાઉ અમેરિકાના ફ્લોરિડાના એક સ્ટોરમાં એક લૂંટારો ધસી આવ્યો હતો. તેણે ક્લર્કને ગોળી મારી દીધી. એ વખતે એ ક્લર્કના શર્ટના ખિસ્સામાં મોબાઈલ ફોન હતો. ગોળી તેના ખિસ્સામાં રહેલા મોબાઈલ ફોનને વાગી અને તે બાલબાલ બચી ગયો હતો. એવી જ રીતે અન્ય એક ઘટનામાં એક પોલીસ ઓફિસર એક ગુનેગારનો પીછો કરી રહ્યો હતો એ વખતે તે ગુનેગારે તેના પગમાં અને છાતીમાં ગોળી મારી હતી. જોકે, તે પોલીસ ઓફિસરના શર્ટના ખિસ્સામાં મોબાઈલ ફોન હતો એને કારણે તેનો જીવ બચી ગયો હતો. 2010માં હૈતીમાં ભયંકર ધરતીકંપ થયો હતો એમાં દોઢ લાખથી વધુ માણસો મુત્યુ પામ્યા હતા. એ વખતે એક બિલ્ડીંગના કાટમાળમાં ફસાયેલા એક માણસે મોબાઈલ ફોન પરથી મેસેજ મોકલીને મદદ માગી હતી. રાહત ટુકડીએ જીપીએસની મદદથી તે માણસ કાટમાળમાં ક્યાં ફસાયો છે એ શોધી કાઢ્યું હતું અને તેનો જીવ બચાવ્યો હતો. હૈતીના ધરતીકંપ વખતની જ બીજી એક ઘટના જાણવા જેવી છે. કોલોરાડોનો ડૅન વુલી તેના એક મિત્ર સાથે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે એક શૂટિંગ કરી રહ્યો હતો એ જ વખતે હૈતીમાં ધરતીકંપ થયો હતો અને ડૅન હૉટેલ ‘મોન્ટેના’ના કાટમાળમાં દબાઈ ગયો. ડૅનના શરીરમાં ખૂબ ઈજાઓ થઈ હતી. તેના માથામાં પણ ઈજા થઈ હતી અને તેના માથામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. એ વખતે તેને યાદ આવ્યું કે તેણે તેના મોબાઈલ ફોનમાં એક ફર્સ્ટ એઈડ એપમાંથી કેટલીક ઉપયોગી માહિતી ડાઉનલોડ કરી રાખી હતી. તેણે એ એપ ખોલી અને એ એપમાં આપેલી માહિતીના આધારે તેણે પોતાના માથામાં કપડું વીંટાળ્યું, પગ પર કપડું વીંટાળ્યું અને લોહી વહેતું અટકાવ્યું. તેને રેસ્ક્યુ ટીમે 65 કલાક પછી કાટમાળમાંથી બહાર કાઢ્યો. એ પછી તેણે પત્રકારોને મુલાકાત આપતી વેળા કહ્યું હતું કે ‘મારી પાસે મારો મોબાઈલ ફોન ન હોત તો હું ચોક્કસ મરી ગયો હોત.’ ઓકલાહોમાની એક યુવતી શૅનોન હૅઈટનો એક રસપ્રદ કિસ્સો પણ જાણવા જેવો છે. શૅનોન તેના કામનાં સ્થળેથી પાછી ફરી રહી હતી ત્યારે પાર્કિંગ એરિયામાં તેને એક અજાણ્યા માણસે પાછળથી પકડી લીધી અને તેને ઘસડીને તેની કારની ડેકીમાં નાખી દીધી. સદભાગ્યે તેના હાથમાં તેનું પર્સ રહી ગયું હતું. તેણે પોતાની જાતને સ્વસ્થ કરવાની કોશિશ કરી અને તેના બોયફ્રેન્ડ માર્કને ફોન લગાવ્યો અને કહ્યું કે ‘એક માણસે મારું અપહરણ કર્યું છે અને તે મને કારમાં ક્યાંક લઈ જઈ રહ્યો છે. તેણે થોડી સેકન્ડોમાં તે કાર વિશે જેટલી નોંધ લીધી હતી એટલી માહિતી તેના બોયફ્રેન્ડને આપી.’ તેના બોયફ્રેન્ડે નાઈનઈલેવન (અમેરિકાની ઈમરજન્સી હેલ્પલાઈન સર્વિસ) પર ફોન કરીને પોલીસને માહિતી આપી. મોબાઈલ ફોનને કારણે તે બચી શકી. છેલ્લે અમેરિકાના વર્જિનિયાનો એક કિસ્સો જાણવા જેવો છે. વર્જિનિયાના એક માણસને અચાનક બ્રેઈન સ્ટ્રોક આવી ગયો. એ વખતે તેની ત્રણ વર્ષની દીકરી મૌલી ઘરમાં હતી. તેણે જોયું કે તેના પિતા જમીન પર પડી ગયા છે અને તેમની સાથે કંઈક ખોટું થયું છે. મૌલીને સમજાયું નહીં કે તેનાં પિતાને શું થયું છે પરંતુ તેને એટલું સમજાયું કે તેના પિતાને મદદની જરૂર છે. એ વખતે તેના પિતાનો મોબાઈલ ફોન બાજુમાં પડ્યો હતો એટલે મૌલીએ તેની મમ્મીને ફોન કરવા માટે ફેસટાઈમનો ઉપયોગ કર્યો. તેની મમ્મી એ વખતે કામ પર ગઈ હતી. મૌલીએ તેની મમ્મીને વિડીયો કોલ કરીને કહ્યું કે ‘ડેડીને કંઈક થયું છે. ડેડી નીચે પડી ગયા છે.’ તેણે તેના પિતા પડ્યા હતા એ તરફ મોબાઈલ ફોનનો કેમેરા ફેરવ્યો. તેની મમ્મીએ તરત જ ઈમરજન્સી સર્વિસીસમાં કોલ કર્યો. મેડિકલ ટીમ ધસી આવી અને તેમણે તે માણસને હોસ્પિટલ પહોંચાડ્યો. ત્યાં ગયા પછી ખબર પડી કે તેની ક્રિટિકલ આર્ટરી બ્લોક થઈ ગઈ હતી. મોબાઈલ ફોનને કારણે તે માણસને સમયસર સારવાર મળી ગઈ અને તે બચી ગયો. મોબાઈલ ફોન માનવજાત માટે શ્રાપ સમા સાબિત થઈ રહ્યા છે, પણ એનો સરખો ઉપયોગ કરાય તો એ વરદાન સમા પણ સાબિત થઈ શકે છે. {

અન્ય સમાચારો પણ છે...