બ્લેક એન્ડ વ્હાઈટ:માઇન્ડ કન્ટ્રોલ : આજે અઘરી લાગતી કલ્પના કાલે વાસ્તવિકતામાં પલટાઈ શકે છે!

આશુ પટેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

30 મે, 2022ના દિવસે રાષ્ટ્રીય મહિલાપંચની ઓફિસમાં કોલ કરીને મહારાષ્ટ્રના મહિલાપંચનાં અધ્યક્ષ રૂપાલી ચાકણકરને 24 કલાકમાં મારી નાખવાની ધમકી આપતો કોલ કરાયો હતો. એ વિશે મહારાષ્ટ્ર મહિલાપંચને જાણ કરાઈ હતી અને એ પછી મુંબઈ પોલીસને ફરિયાદ કરાઈ હતી. મુંબઈ પોલીસે તપાસ કરીને અહેમદનગર જિલ્લાના ચિચોડી પાટીલ ગામથી ભાઉસાહેબ શિંદે નામના યુવકને પકડી પાડ્યો હતો. તે યુવાને કબૂલી લીધું હતું કે હા, એ કોલ મેં જ કર્યો હતો, પરંતુ એ પછી તેણે પોલીસને એવું કહ્યું કે કોઈએ સેટેલાઈટથી મારા મગજનો કબજો લઈ લીધો હતો અને મારી પાસે આવું કૃત્ય કરાવ્યું હતું! તેણે પોલીસને એવું પણ કહ્યું હતું કે આવી જ રીતે મારી પત્નીના મગજ પર પણ સેટેલાઈટથી કબજો મેળવીને કોઈ તેને પણ ત્રાસ આપી રહ્યું છે! મહારાષ્ટ્રના તે યુવાને પોલીસ સમક્ષ જે નિવેદન આપ્યું એ વિશે તો જે સત્ય હશે એ ભવિષ્યમાં બહાર આવશે, પરંતુ આ સમાચાર જેમણે પણ વાંચ્યા હશે કે ટીવી પર જોયા હશે એ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હશે કે આ કેવી વાહિયાત વાત છે! મહારાષ્ટ્રના યુવાનના કિસ્સામાં તો લાગે છે કે તે પોતાના બચાવમાં આવી દલીલ કરી રહ્યો હશે, પણ શું ખરેખર આવી રીતે કોઈના મન પર કબજો જમાવવાનું શક્ય છે? તો જાણી લો કે લોકોના મન પર કબજો જમાવવા માટેનાં સંશોધનો આજકાલથી નહીં, છેલ્લા સાત દાયકાથી વધુ સમયથી થઈ રહ્યા છે! વિચાર કરો કે કોઈ પણ વ્યક્તિ તમારા દિમાગ પર કબજો જમાવી લે અને ત્યાર બાદ તેના વિચારો કે માનસિકતા દ્વારા તે માત્ર એક કઠપૂતળી તરીકે તમારો ઉપયોગ કરે તો? તમારા વિચારો, તમારું વર્તન અને તમારું મન સંપૂર્ણપણે કોઈની ઈચ્છા અનુસાર વર્તવા માંડે તો? માણસોના મન પર કાબૂ મેળવવાના પ્રયોગો દુનિયામાં લાંબા સમયથી થઈ રહ્યા છે. આ બધું એટલી ગુપ્ત રીતે થતું રહ્યું છે કે સામાન્ય લોકો સુધી એ માહિતી પહોંચી જ ન શકે. છતાં આવી કેટલીક વાતો બહાર આવી છે. જેમ કે 1950માં સૌથી પહેલાં અમેરિકન જાસૂસી સંસ્થા સીઆઈએએ પ્રોજેક્ટ એમકે અલ્ટ્રા દ્વારા માણસના દિમાગ પર કબજો જમાવવાના પ્રયોગો કર્યા. જોકે, એ પણ એક હકીકત છે કે આ રીતના પ્રયોગો તે પહેલાં પણ વર્ષોથી થતા જ રહ્યા હતા. ડરની લાગણી કે આંચકાઓ અથવા ઉત્તેજના જેવાં આયુધો દ્વારા દિમાગનો કબજો જાળવી રાખવાની કોશિશ તો થતી જ રહે છે. સૌથી ખતરનાક યુદ્ધ શારીરિક, જૈવિક કે રાસાયણિક નહીં પણ માનસિક હોય છે. કોઇ પણ માણસના મગજને ટાર્ગેટ કરી, તેના વર્તનને કંટ્રોલ કરવું એ સૌથી મોટું શસ્ત્ર બની શકે. ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગની ફ્રીકવન્સી એડ્જસ્ટ કરી અને તેને સુપર કમ્પ્યૂટર્સ દ્વારા મોકલીને એક આખા ટોળાને કાબૂમાં કરી શકાય અને આવું કરવા માટે તેમના દિમાગમાં માઇક્રોચિપ બેસાડવાની પણ જરૂર ન રહે. મોબાઈલ ફોન અને બીજાં સાધનો જે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગના કૅરિયર તરીકે કામ કરે એના થકી આ તરંગોને ગમે એટલા દૂર સુધી મોકલી શકાય. આ તરંગો દ્વારા લાખો કે કરોડો લોકોનાં મન પર પોતાનું સામ્રાજ્ય જમાવવાનું એકદમ આસાન બની જાય. આપણે જેને સાદી ભાષામાં સાઈકોલોજિકલ વોરફેર કહીએ છીએ એ તો અત્યારે સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી થતી જ રહે છે, પણ વૈજ્ઞાનિક રીતે આવું થઈ શકે તો એ શોધનો ભયંકર રીતે દુરુપયોગ થઈ શકે. આતંકવાદીઓના હાથમાં આવી ટેક્નોલોજી આવી જાય તો તેઓ કેવાં ખતરનાક કારસ્તાનો કરે એની કલ્પના પણ ધ્રુજાવી દે. બીજી બાજુ એ પણ હકીકત છે કે માણસના મનને કંટ્રોલ કરી શકાય તો ગુનેગારોના, ભાંગફોડિયા પ્રકૃતિ ધરાવતા માણસોના મન પર કાબૂ મેળવીને કેટલા બધા અપરાધ અટકાવી શકાય, કેટલી બધી દુર્ઘટનાઓ નિવારી શકાય અને માનસિક રોગનો ભોગ બનતા માણસોની મદદ માટે પણ આ શોધનો ઉપયોગ કરી શકાય. રીઢા ગુનેગારોના દિમાગમા માઈક્રોચિપ ફિટ કરીને તેમના ખરાબ વિચારો પર કાબૂ મેળવીને તેમની પાસે રચનાત્મક કામ કરાવી શકાય અથવા ક્યાંય રમખાણો ફાટી નીકળ્યાં હોય તો સુપર કમ્પ્યૂટર્સની મદદથી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગની ફ્રીકવન્સી એડ્જસ્ટ કરીને તોફાની લોકોનાં મન પર કાબૂ મેળવીને થોડી સેકન્ડ્સમાં રમખાણો શાંત કરી શકાય તો દુનિયામાંથી ઘણી બધી અશાંતિ દૂર કરી શકાય. ધારો કે કોઈ પણ માણસના દિમાગમાં એક માઇક્રોચિપ બેસાડી દેવાય, મતલબ કે કમ્પ્યૂટરમાં હોય એવી ચિપ. એ માઇક્રોચિપની સાઇઝ ડાયામીટરમાં માત્ર ચાલીસ માઇક્રોમિલિમીટર હોય મતલબ કે તમારા કે મારા માથાના વાળ કરતાં પણ બારીક (આપણો એક વાળ પચાસ માઇક્રોમિલિમીટર ડાયામીટરનો હોય છે) અને માની લો કે એને પ્રોગ્રામ કરવામાં આવે અને માણસના મગજમાં નાખવામાં આવેલી એ માઇક્રોચિપ ઇમ્પ્લાન્ટ કર્યા બાદ કમ્પ્યૂટર દ્વારા તેના દિમાગ પર કાબૂ કરી લેવામાં આવે એવું આવનારા સમયમાં શક્ય બની શકે છે. અત્યારે તો સામાન્ય વ્યક્તિ માટે આવી કલ્પના પણ કરવાનું અશક્ય લાગે, પણ ભવિષ્યમાં આ વાસ્તવિકતા સાબિત થઈ શકે. સિત્તેરના દાયકામા ટ્યુલેન યુનિવર્સિટીના ન્યુરોસાઇકોલોજિસ્ટ રોબર્ટ ટીથે એક હોમોસેક્સ્યુઅલ માણસની સારવાર માટે તેના મગજમાં ઇલેક્ટ્રોડ ફિટ કરીને તેના મગજના પ્લેઝર પોઇન્ટને સ્ટિમ્યુલેટ કરવાનો પ્રયોગ હાથ ધર્યો હતો! બાય ધ વે, મહાભારત અને પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે ઋષિમુનિઓ કે યોગીઓ તેમની શક્તિઓ વડે દૂર બેઠેલી વ્યક્તિઓ પાસે પણ પોતાનું ધાર્યું કરાવી શકતી હતી. આ વિષય એટલો ઊંડો છે કે એના વિશે એક લેખમાં બધી વાત કરવી એ ગાગરમાં સાગર સમાવવા જેવી વાત છે. એટલે ફરી ક્યારેક આ વિશે વધુ વાત કરીશું.

અન્ય સમાચારો પણ છે...