લાઈટ હાઉસ:મિલતે રહીયે મિલાતે રહીયે

રાજુ અંધારિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનવીનું સુખ માનવીના સંદર્ભમાં જ નિર્માણ પામે છે એ હકીકતને જેટલી વહેલી સમજી લઈએ એટલી એ વધારે લાભદાયી બની રહે છે

એક શ્રીમંત માણસ પેટનાં ચાંદાની બીમારીનો ભોગ બન્યો. હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમની પથારીમાં પડ્યો પડ્યો આખો દિવસ છત પર ઝૂલતા પંખાને જોયા કરે. પત્ની-પરિવાર સાથે વાત કરવી ન ગમે. બીમારીને કારણે ખોરાક પણ બરાબર લઈ શકતો નહોતો. ઘણા દિવસ થયા, પણ તબિયતમા ઝાઝો સુધારો દેખાતો નહોતો. એના રૂમની બારીમાંથી સામેના જનરલ વોર્ડમાં એ રોજ ત્યાં જોયા કરતો. લોકો એકબીજા સાથે પ્રેમથી વાતો કરતાં, એકબીજાને મદદ કરતાં, ચીજ-વસ્તુની આપ-લે કરતાં. બીમારીમાં પણ પોતાની માણસાઈ ભૂલતાં નહોતાં. એક દિવસ એ શ્રીમંત પણ પોતાના સ્પેશિયલ રૂમમાંથી બહાર નીકળીને જનરલ વોર્ડમાં પહોંચી ગયો. ત્યાં ખાટલે ફરીને લોકોનાં ખબરઅંતર પૂછવા લાગ્યો. બધાંની સાથે અલકમલકની વાતો કરવા લાગ્યો. એકાએક એના પેટનાં ચાંદા ઝડપથી રુઝાવાં લાગ્યાં, આપોઆપ જાણે બધું ઠીક થઈ ગયું. આ કેવી રીતે શક્ય બન્યું? વેલ, એમાં કામ કરી ગયો અસરકારક જિંદગીનો સોનેરી નિયમ: ‘મિલનસાર બનો.’ જ્હોન ડોન નામના પ્રખ્યાત વિચારકે એમની રચના ‘Devotions’માં લખ્યું છે કે ‘No man is an island’, અર્થાત્ માનવી એ કંઈ એકલપટો ટાપુ નથી. ત્રણ સદી પહેલાં કહેવાયેલી આ વાત મળતાવડાપણાના અર્થમાં આજેય એટલી જ યથાર્થ છે. ટાપુ થઈને જીવવાથી તો એકલવાયા થઈ જવાય, એટલે સમાજ સાથે જોડાણ-સંબંધનો સેતુબંધ રચવો જ પડશે. અહંકાર અને સ્વ-કેન્દ્રીપણું નથી ત્યાં હંમેશાં હોય છે મિલનસારપણું, અને મિલનસારપણાને લીધે જ અનુભવોની આપ-લે શક્ય બને છે, એકબીજાની આંતરસૂઝ અને જીવનદૃષ્ટિનું આદાનપ્રદાન શક્ય બને છે, જીવનમાં નવી દૃષ્ટિ મળે છે, નવું શાણપણ ઊગી નીકળે છે, આત્મીયતાની ભાવનાનું સિંચન થઈ શકે છે. માનવીનું સુખ માનવીના સંદર્ભમાં જ નિર્માણ પામે છે એ હકીકતને જેટલી વહેલી સમજી લઈએ એટલી એ વધારે લાભદાયી બની રહે છે. મળતાવડાપણાથી આપણા મગજમાં જ્યાંથી ખુશીનો અહેસાસ થાય છે એ કેન્દ્ર સક્રિય થાય છે ને સીરોટોનીન અને ઓક્સિટોસીન જેવા સ્ત્રાવને મુક્ત કરે છે. મુક્ત થતા ઓક્સિટોસીન હોર્મોનનો સીધો સંબંધ બ્લડપ્રેશર, બળતરા ને સોજાને ઘટાડવા અને રાહત મળવા સાથે છે. વર્તમાન સમયમાં આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ‘માઈન્ડ યોર ઓન બિઝનેસ’ મતલબ કે તમે તમારા કામથી મતલબ રાખો, બીજાની વાતમાં માથું નહીં મારો. તો શું મળતાવડાપણું બીજાને ખુશ કરવાની ચેષ્ટા છે? શું એમાંથી અસલામતીની ભાવના પેદા થાય છે? હકીકતમાં મિલનસાર હોવું એ તો ખરેખર આંતરિક શક્તિ અને સંતુલનની નિશાની છે. જોકે, એક બાબતનો તો સામનો કરવાનો તો આવશે જ: આપણને હંમેશાં એવાં લોકોનો પનારો પડશે જે આપણી મર્યાદાની કસોટી કરશે, આવી પરિસ્થિતિમાં બીજા લોકો સાથે આદરપૂર્વક કે મૈત્રીપૂર્વક વર્તવું સરળ હોતું નથી. અહીં જ આપણી સંતુલનશક્તિની જરૂર પડે છે. કોઈને અવિવેકી વર્તન કરવા દેવાથી તો પરિસ્થિતિ વધારે ખરાબ થાય. બીજી બાજુ, આપણી પાસે સંતુલન જાળવવાની હિંમત અને ઈચ્છાશક્તિ હોય તો આપણે પરિસ્થિતિને હળવી બનાવવામાં મોટો ફાળો આપી શકીએ છીએ. અન્ય લોકો સાથે તેઓ જેમ આપણી સાથે વર્તે એવા જ સામા વર્તન કરવાની લાલચમાં આવી ન જઈએ તો એ આપણી ઈચ્છાશક્તિ (willpower) મજબૂત કરવામાં બહુ મોટી મદદ કરે છે. મિલનસાર હોવું એ અન્ય લોકો પ્રત્યેનો ડાઉન-ટુ-અર્થ અભિગમ છે જે આવકારદાયક અને સકારાત્મક છે. એવા કોઈ સમય વિશે વિચારો જ્યારે તમારી સાથે કોઈએ મળતાવડાપણાનું વર્તન કર્યું હોય – જેમકે કોઈ ફંકશનમાં તમને કોઈ યોગ્ય જગ્યાએ વિવેકપૂર્વક દોરવી ગયું હોય, રસ્તા પરથી પસાર થઈ રહ્યા હો ત્યારે તમારી સાથે કોઈએ અભિવાદન કર્યું હોય કે કોઈ રૂમમાં સામા છેડે બેઠેલી વ્યક્તિએ તમને સ્મિત આપ્યું હોય. એ વર્તન તમને કેવું લાગ્યું હતું? કદાચ એમની એ આત્મીયતાથી તમને વધુ કમ્ફર્ટ, સરળતા અને ઉષ્માનો અનુભવ થયો હશે. તો બસ, મિલનસાર હોવું એ આત્મવિશ્વાસ અને આનંદ અનુભવવાનો એક સચોટ માર્ગ છે ને અન્ય લોકો તરફનું એવું સકારાત્મક વલણ છે જે લોકોથી અતડા રહેવાને બદલે પ્રસન્નતાપૂર્વક આગળ વધતાં રહેવાની અનુભૂતિ છે.⬛ rajooandharia@gmail.com

અન્ય સમાચારો પણ છે...