બુધવારની બપોરે:ઉંદર પકડવો તો સહેલો છે, પણ…

અશોક દવેએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વહેલી પરોઢે આછા ઝરમર વરસાદમાં મારી કારમાં એક ખૌફનાક ડર સાથે હું માંડ 15ની સ્પીડે જઈ રહ્યો છું. કોકને લાગશે કે, હું મારા ગ્રાન્ડસનને એની સ્કૂલે મૂકવા અથવા અમદાવાદ એરપોર્ટ પર મારી ડેન્જરસ સાસુને લેવા જતો હોઈશ. માય ફૂટ… ગાડીમાં મારો કોઈ ગ્રાન્ડસન કે બ્રાન્ડસન નહોતો, એક ખૂંખાર ઉદરડો હતો, પાંજરામાં! (સાસુડી તો વળી પાછી જાય છે જ ક્યારે, તે નવેસરથી લેવા જવું પડે? હા, એને ‘મૂકવા’ જવાના વિરાટ ઓરતા ખરા. મા અંબા મને એવી શક્તિ આપે. માની લો કે, ક્યારેક એને લેવા હું ગયો હોઉં તો, રસ્તામાં વહાલી થઈને કહેશે, ‘અસ્સોક કુમાર, તમે મારા નંબર વન વહાલા જમાઈ છો.’ તાબડતોબ હેડકી મને આવી જાય કે, મારે તો એકેય સાળી નથી, ત્યાં હું નંબર વન જમાઈ ક્યાંથી બની ગયો? જોકે, આ મામલે, મને મારા સ્વર્ગસ્થ સસુરજી પર વિશ્વાસ જરાય નહીં!) અલબત્ત, અત્યારે તો હું ઉંદર છોડવા જતો હતો. કોઈ મને જોઈ ન જાય, એ રીતે એને છુપાવીને લઈ જવાનો હતો. જોકે, મારી ‘બોડી લેંગ્વેજ’ બહુ નબળી હતી. ભરચક વરસાદમાં અમદાવાદની સડકો ઉપર માંડ માંડ કોઈ ઢીલોપોચો ગોરધન રોડ ઉપર સ્કૂટર ખેંચીને લઈ જતો હોય, એવાં દૃશ્યો લગ્નના ફેરા ફરતા બ્રાન્ડ ન્યૂ ગોરધનોનાય જોવા મળે છે, એવો અત્યારે હું લાગતો હતો… ‘બુરી નઝરવાલે, તેરા મૂંહ કાલા…’ ઉંદરવાળું પાંજરું મારા પગ પાસે પડ્યું છે. બાજુની સીટમાં પાંજરું મૂકતા બીક લાગે, એ કરડી જાય એટલે નહીં, પણ કોઈ જોઈ જાય તો હું ઉંદરો પકડવાનો ધંધો કરતો હોઈશ, એવું માનીને રોજેરોજ ઓર્ડરો આવવા માંડે. એ તો ઠીક, કોઈના ફ્લેટ કે બંગલા પાસે ભૂલેચૂકેય મારો ઉંદર છોડું તો પટેલો અને જૈનોની બહુમતી ધરાવતા નારણપુરામાંથી એક બ્રાહ્મણ ઓછો થાય ને આપણે એવું શું કામ કરવું જોઈએ! આ તો એક વાત થાય છે. એમાંય હવે ગુજરાતમાં બ્રાહ્મણ મુખ્યમંત્રી થાય, એ તો આવનારાં બસ્સો વર્ષ સુધી શક્યતા દેખાતી નથી. ઉંદરો જેટલી બીક મને કોઈની લાગી નથી. એમની ડરાવની કાળી આંખો, ત્રીજું, એના એટલા મજબૂત દાંત કે બાલ્કનીમાં ફિટ કરાવેલી કબૂતરની જાળી એ કાચી સેકન્ડમાં કોતરી નાંખે છે. કિચનમાંથી આવતી ગંધ-સુગંધ એને ઠેઠ ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચી જાય અને વગર લિફ્ટે ભીંતે ભીંતે ઉપર આવી જાય. બોલો, ત્યાં સુધી બધું માફ, પણ આપણે એસીની મુલાયમ ઠંડકમાં બ્લેન્કેટ ઓઢીને મુસ્કુરાતા મોંઢે ઘસઘસાટ ઊંઘતા હોઈએ, ત્યારે એ રામ જાણે ક્યાંથી છેડેથી બ્લેન્કેટ ઊંચો કરીને ઘુસી જાય! બરોબર આપણા પગના અંગૂઠે એ હલ્લુ-હલ્લુ ઠંડી ફૂંકો મારીને ચામડીનું છડદું ઉખાડી નાંખે અને લોહી પીધે જાય. સવારે આપણે ઊઠીને જોઈએ તો પગ પાસે આપણા અંગૂઠાનો લોહીયાળ લોચો પડ્યો હોય! ઉત્તર કાશી, અમૃતસર અને ભટીંડા બાજુ માન્યતા છે કે, ખરું કૌશલ્ય ઉંદર પકડવામાં છે, છોડવામાં નહીં! સંસ્થા આ વિધાનનો વિરોધ કરે છે. ઉંદર પકડવામાં કોઈ બહાદુરી નથી હોતી. સારા માઈલું પાંજરું જોઈએ. બાવડામાં બળ ન હોય તો ચાલે, પણ હૈયામાં ‘આઆઆ…’ મોટી હિમ્મત જોઈએ. પકડવા માટે ઘર આખાનું વીક-વીક પહેલાંનું પ્લાનિંગ જોઈએ. એ પકડાઈ ગયા પછી આપણે રાજ્જા! પણ પકડાયેલા ઉંદરને છોડવા જવા માટે, મહિનાઓ પહેલાંનાં આયોજનો, સ્કિલ, હિંમત, પડોશીઓ સાથે હૂંફાળા સંબંધો, રહેતા હોઈએ એની આજુબાજુના રસ્તાઓની ખૂફીયા જાણકારી અને ખાસ તો, એને છોડવા ક્યાં જઈ શકાય એમ છે, એની ખૂફીયા બાતમી હોવી જોઈએ. કોઈ એને છોડતા આપણને જોઈ જાય તો અહીં ન લખાય એવી ગાળો ત્યાં સાંભળવી પડે! મેં પ્લાન તો બનાવી લીધો હતો કે, મારા નારણપુરા ચાર રસ્તાથી વહેલી પરોઢે સાણંદ કે આગળ ખેતરો બહુ આવે છે ત્યાં એને છોડવા જવું. આવા પ્રવાસો અગાઉ હું બે વાર કરી ચૂક્યો છું ને ઘેર હેમખેમ પાછો આવ્યો ત્યારે હકીએ બીજા બે ઉંદરો પકડી રાખ્યા હતા. (એ વાત જુદી છે કે, આ સાણંદ-ફાણંદનાં નામો તો નારણપુરાની પબ્લિકને મામુ બનાવવા માટે જ લખ્યા છે… બાકી તો, આજુબાજુની કોઈ વેરાન સોસાયટીમાં જ છોડવા જવાનું હોય ને? અમારે તો સાલું રોજનું થયું! સાણંદના ધક્કા ખાવાના હોય એના કરતાં સાણંદમાં જ ઘર વસાવી લેવું સસ્તું પડે!... સુઉં કિયો છો?) લાગણીશીલ પિતા દીકરીને નહીં, પણ દીકરાને એના સાસરે મૂકવા આવ્યો હોય, એમ હું દર્પણ છ રસ્તે પહોંચ્યો. આ રસ્તો સાહસિકો માટે ઘણો વિકટ છે. રોડ જ એવો છે કે, ચારે બાજુ ફ્લેટો હોવાને કારણે ઉપરથી કોણ આપણને છાનુંમાનું જુએ છે, એની ખબર ન પડે. બે-ત્રણ વખત મને નહીં, પણ ‘ઉપરવાળા’ કોકને ખબર પડી ગઈ હતી, એમાં હજી તો ગાડીમાંથી ઉતરું ત્યાં જ આકાશવાણી થઈ, ‘ઓ ભ’ઈ… અહીંયા નહીં… અહીંયા નહીં… અહીં સારા ઘરનાં લોકો રહે છે…’ એ બહેન કંઈ જુદું સમજ્યાં હતાં કે, મને સ્વચ્છતા-ફચ્છતાનું ભાન લાગતું નથી. ગભરાહટમાં મારાથી ઉંદરનું પાંજરું બહાર કાઢીને એમને બતાવાઈ ગયું કે, ‘બહેન, હું તો ઉંદર છોડવા આયો છું…’ બસ. એમાં તો હલ્લાબોલ, મોટી ચીસાચીસો અને હો-હા સાથે એ મહિલાએ બૂમાબૂમ શરૂ કરી, ‘એ જલદી ઊઠો બધાં… જલદી ઊઠો… રોજ આપણા ફ્લેટ નીચે ઉંદરો છોડી જાય છે, એ પકડાઈ ગયો… મારો સાલાને!’ અને જેવું પાંજરું બહાર કાઢ્યું, એમાં મારાવાળો કૂદીને બહાર નીકળી ગયો, પણ બીજા ત્રણ ગાડીમાં ઘુસી ગયા (જે મેં કદીય છોડ્યા નહોતા!) મારાવાળોય એક-બે દિવસમાં મારા જ ઘેર પાછો આવશે. કહે છે કે, ઉંદરને ગમે ત્યાં છોડો… ‘ગૂગલ મેપ’ જેવી સુંઘણશક્તિ એનામાંય હોય છે. સુંઘતો સુંઘતો ભલે 4-5 કિ.મી. દૂર હોય, એ પાછો આવી જ ચઢે છે, સિવાય કે એના માર્ગમાં નહીં, માર્ગવાળા આકાશમાં કોઈ ઊડતી સમડી એને જોઈ જાય! { ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...