દીવાન-એ-ખાસ:મેક્સિકોની હિંસાખોરી, ડ્રગ માફિયા અને એલ ચાપો

વિક્રમ વકીલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થોડા દિવસો પહેલાં મેક્સિકોના એક નાના ટાઉનમાં ડ્રગ માફિયાઓએ આડેધડ ગોળીબાર કરીને રાજકારણીઓ અને પોલીસ સહિત ઘણાની હત્યા કરી ત્યારે વિશ્વ ચોંકી ગયું હતું. જોકે મેક્સિકોમાં આ પ્રકારની હિંસાખોરી દરરોજ થતી રહે છે. યુએસએની દક્ષિણ દિશામાં આવેલો મેક્સિકન દેશ એની મોજીલી પ્રજા ઉપરાંત ત્યાના ભ્રષ્ટ શાસકો અને ડ્રગ માફિયાઓ માટે પણ જાણીતો છે. ફક્ત વિશ્વભરના ટૂરિસ્ટો માટે જ નહીં પોતાના દેશના નાગરિકો માટે પણ મેક્સિકો ખૂબ જ જોખમી દેશ બની ગયો છે. મેક્સિકોની વસ્તી લગભગ 12 કરોડ જેટલી છે અને ત્યાંની મુખ્ય ભાષા સ્પેનિસ છે. સ્થાનિક મેક્સિકનો ઉપરાંત લેટિન અમેરિકાના બીજા લોકો મેક્સિકોનો ઉચ્ચાર ‘મેહીકો’ કરે છે. રાજકીય હત્યાઓ, ગેંગવોર, નાર્કો ટેરરિઝમ અને અમર્યાદિત ભ્રષ્ટાચારે મેક્સિકોની ઘોર ખોદી છે. કોલમ્બિયા, વેનેઝુએલા કે બ્રાઝિલ જેવા લેટિન અમેરિકાના દેશો કોકેઇન અને મારિજુઆના જેવા નાર્કોટિક ડ્રગના ઉત્પાદન માટે કુખ્યાત છે. અમેરિકામાં સપ્લાય થતું 90 ટકા ડ્રગ મેક્સિકોની બોર્ડર મારફતે સપ્લાય થાય છે. ડ્રગ સપ્લાય કરતી વિવિધ કાર્ટેલ (ગેંગ) વચ્ચે વર્ચસ્વ માટે હંમેશાં લોહિયાળ જંગ ચાલતો રહે છે. મેક્સિકોમાં પ્રામાણિક ન્યાયાધીશ, રાજકારણી, પોલીસ કર્મચારી કે લશ્કરનો અધિકારી શોધવા એટલા જ મુશ્કેલ છે જેટલું ઘાસની ગંજીમાંથી સોય શોધવું! જે રીતે બેન્કકોક-પટાયા સેક્સ ટૂરિઝમ માટે જાણીતા છે એ જ રીતે મેક્સિકોનાં ઇઝુહાના અને યુઝાદ શહેરો હિંસા માટે કુખ્યાત છે. આ શહેરો ઉપરાંત કેલિફોર્નિયા, સિનારો, ગોયેરેરો... જેવાં રાજ્યોમાં પણ દરરોજ થતી હિંસાને કારણે સેંકડો લોકો કીડી-મંકોડાની માફક મરતાં રહે છે. આટલી બધી હત્યાઓ થતી હોવા છતાં ભાગ્યે જ કોઈ પોલીસ ફરિયાદ થાય છે. ડ્રગ માફિયાઓના ડરને કારણે કોઈ ફરિયાદ નોંધાવાની હિંમત કરતા નથી. ‘ગ્લોબલ ક્રિમિનાલિટી ઇન્ડેક્સ 2016’ના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં પત્રકારો માટે સૌથી જોખમી દેશ મેક્સિકો ગણાય છે. અમેરિકાના બજારમાં ઠલવાતા કોકેઇન, મારિજુઆના અને હેરોઇનનો 90 ટકા હિસ્સો મેક્સિકો દ્વારા દાણચોરીથી મોકલાય છે. મેથામેથ્થેટેમાઇન તરીકે ઓળખાતા ડ્રગની ફેક્ટરીઓ મેક્સિકોમાં ધમધમી રહી છે. મેક્સિકોમાં અસખ્ય ડ્રગ કાર્ટેલ છે, પરંતુ એમાંથી બે કે ત્રણ કાર્ટેલ દ્વારા જ છેલ્લાં 20 વર્ષમાં 50 હજારથી વધુની હત્યા અને હજારોનાં અપહરણ કરવામાં આવ્યા છે. કોલમ્બિયાના કુખ્યાત ડ્રગ ટેરરિસ્ટ પાબ્લો એસ્કોબાર કરતાં પણ જેની ગણના વધુ શક્તિશાળી અને પૈસાદાર ડ્રગ સમ્રાટ તરીકે થાય છે, એનું નામ જોઆક્વિન યુઝમાન છે. ઓછી ઊંચાઈને કારણે યુઝમાનનું નામ ‘એલ ચાપો’ (બટકો) પડી ગયંુ હતું. મેક્સિકોના સિનાલોયા વિસ્તારમાં ગેંગ બનાવી હોવાથી ચાપોની ગેંગ સિનાલોઆ કાર્ટેલ તરીકે ઓળખાય છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે મેક્સિકોની સિનાલોઆ કાર્ટેલ વિશ્વની સૌથી શક્તિશાળી ડ્રગ કાર્ટેલ છે. સતત ત્રણ વર્ષ સુધી એલ ચાપોનું નામ ‘ફોર્બ્સ મેગેઝિનની વિશ્વની સૌથી પૈસાદાર વ્યક્તિઓની યાદીમાં ચમક્યું હતું. હમણાં તો ચાપો અમેરિકાની જેલમાં બંધ છે, પરંતુ થોડાં વર્ષો પહેલાં મેક્સિકોના પ્રમુખ કરતાં પણ ચાપો વધુ શક્તિશાળી ગણાતો હતો. અમેરિકન સરકારની દૃષ્ટિએ ચાપો વિશ્વનો સોધી વધુ જોખમી, ક્રૂર અને ભયજનક વ્યક્તિ હતો. ચાપોએ મેક્સિકોની બોર્ડર મારફત અમેરિકામાં ટનબંધ કોકેઇન ઘૂસાડવા માટે 40થી વધુ ટનલો બનાવી હતી. આ ટનલો બનાવવા માટે એણે વિશ્વભરના શ્રેષ્ઠ એન્જિનિયરોની મદદ લીધી હતી. આજકાલ તો સમગ્ર મેક્સિકોમાં હજારો મિની એલ ચાપો ફૂટી નીકળ્યા છે. મેક્સિકોની હાલત નજીકના ભવિષ્યમાં પણ આવી જ રહેવાની છે, કારણ કે ત્યાં ડ્રગ માફિયા, રાજકારણીઓ અને સુરક્ષા દળો વચ્ચેનું ગઠબંધન અકબંધ જ રહેવાનું છે!⬛ vikramvakil rediffmail.com

અન્ય સમાચારો પણ છે...