આપણી વાત:મેરે બેક પેઇન મેં ડોક્ટર કા ક્યા કામ હૈ

વર્ષા પાઠક15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંદા પડીએ ત્યારે ખબર પડે કે આસપાસ કેટલાં બધાં સહૃદયી મેડિકલ એક્સપર્ટ્સ વસે છે

જેમનું નામ લેતાની સાથે હજીયે હોઠ મલકી જાય એવા આપણા પ્રિય હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેની આંખે એકવાર આંજણી થયેલી. હવે સાચે થયેલી કે પછી એમણે માત્ર મજાકમાં લખેલું, એ ખબર નથી, પણ સ્કૂલના દિવસોમાં એ વાંચ્યું ત્યારે હસવું નહોતું રોકાયું. કમનસીબે આખો લેખ અત્યારે યાદ નથી, પણ લેખક સાથે આ દુર્ઘટના ઘટી ત્યારે એમને થયેલા અનુભવોનું ઝાંખું ઝાંખું સ્મરણ છે. જે મળે એ આંજણી મટાડવા માટે કોઈને કોઈ ઉપાય સૂચવે. એમાં કાંદા કે લસણની પેસ્ટનો પણ સમાવેશ થતો હતો. આંખ પાસે આંજણીથી મોટી અને ગંધ મારતી દવાની ટેકરી ખડી થઇ ગઈ. બસ, પછી શું થયું એ મને યાદ નથી, પણ ભાવનગરમાં ફેમિલી ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરતા ડોક્ટર રઘુવીર દવે પાસે આવા જ પેશન્ટનો કિસ્સો સાંભળેલો. છોકરાના પગે રમતી વખતે ઇજા થયેલી. ત્રણ ચાર દિવસ પછી દવાખાને આવ્યો ત્યારે જખમ પર જાતજાતની દવાઓનું આવરણ હતું. ડોક્ટરના શબ્દોમાં કહીએ તો વાગે ત્યારે લોહી બંધ કરવા માટે તાબડતોબ હળદર દાબી દે, એ તો સમજ્યા પણ અહીં તો ઘરવાળાએ હળદર પછી ધાણાજીરું, મરચું, હિંગ ને કોણ જાણે શું શું લગાડેલું, બસ વઘાર કરવાનો બાકી રાખેલો, જખમને જોતાં-તપાસતાં પહેલાં એ બધું સાફ કરતા દમ નીકળી ગયો. રઘુવીરકાકાએ એમની આદત પ્રમાણે રમૂજી અતિશયોક્તિ કરી હશે, પણ વાત સમજાઇ ગઈ કે ડોક્ટર પાસે આવતાં પહેલાં છોકરાના વડીલો અને હિતેચ્છુઓએ જાતજાતના ઘરેલુ ઉપાય અજમાવી લીધા હશે. અને કોઈ કારગત નીવડ્યા નહીં ત્યારે નાછૂટકે ડોક્ટર પાસે આવ્યાં હતાં. આવું કરનારાં એ એકલદોકલ લોકો નથી. આપણાંમાંથી અનેક જણ આ પ્રકારના અનુભવમાંથી પસાર થઇ ગયાં હશે. એમાં કાં તમે પેશન્ટ હશો, અને કાં તો પછી પેશન્ટને સલાહ આપનાર એના હિતચિંતક. નસીબજોગે મારે હમણાં પેશન્ટનો રોલ ભજવવાનો આવ્યો. અચાનક પીઠમાં દુખાવો શરૂ થયો. શરૂઆત જોકે ધીમેથી થયેલી. એક સવારે ઊઠી ત્યારે કમર પકડાઈ ગયેલી હોય એવું લાગ્યું. ઘરમાં કામ કરતી બાઈએ નિદાન કર્યું કે આડીતેડી પોઝિશનમાં સૂવાથી કમરમાં ચમક ભરાઈ ગઈ હશે. પોતાને આવી બાબતોમાં એક્સપર્ટ ગણાવતી બાઇએ ડ્રોઅરમાં શોધખોળ કરીને દુખાવાને રાહત આપે એવું ક્રીમ શોધી કાઢ્યું અને ઘસી ઘસીને એનો મસાજ કર્યો. એ ઓછું લાગ્યું એટલે ઉપર સ્પ્રે પણ કરી લીધું અને પછી ગરમ પાણીથી નાહવાની સલાહ આપી. આ બધું કર્યા બાદ એકાદ બે કલાક થોડું સારું લાગ્યું, પણ પાછો દુખાવો શરૂ થયો. એટલે દુખાવો દૂર કરવા માટે દવા લીધી. એવામાં એક ફ્રેન્ડનો ફોન આવ્યો. એણે કહ્યું કે આવા પેઇનમાં પેઈનકિલર લેવાય. કેમિસ્ટને ફોન કર્યો તો એણે મારી વ્યથા સાંભળીને પેઈનકિલરની સાથે પેઈન રીલિવિંગ સ્પ્રે અને દવા મોકલી આપ્યાં. આની અજમાયશ કરીને પથારીમાં લંબાવી દીધું. એ દરમિયાન જેના ફોન આવ્યા એમની પાસે કકળાટ કર્યો. મારી ફરિયાદ સાંભળીને દરેકે દરેક જણે કોઈને કોઈ નિદાન કર્યું અને ઉપાય સૂચવ્યો. મારી નાની બહેને કહ્યું કે પેટમાં ગેસ ભરાઈ ગયો હશે અને અજમા સાથે કાળા મરીનો ફાંકડો મારવાની સલાહ આપી. વધારામાં લેક્ચર આપ્યું કે ગમે ત્યારે ગમે તે ખાધાપીધા કરે છે, એનાથી એવું થાય. એ દિવસે સાંજે અજમા-મરીનો નાસ્તો કર્યો. બહેને વળી ભાઈને ફોન કરીને સમાચાર આપ્યા. રાત્રે એને ત્યાંથી ફોન આવ્યો. મારો એ નાનો ભાઈ શરીરની દરેક બીમારીનાં મૂળમાં કોન્સ્ટિપેશનને જવાબદાર ઠેરવે છે. હંમેશની જેમ એણે આ અંગે સલાહ આપવાનું શરૂ કર્યું અને હંમેશની જેમ એની પત્નીએ ચીડાઈને વાતનો દોર પોતાના હાથમાં લીધો. એણે કોઈ દવા સૂચવવાને બદલે એની યોગશિક્ષકે શીખવાડેલી કસરત કરવાનું કહ્યું. સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન આપતી વિડીયો ક્લિપ મોકલી. મેં એનું પાલન કર્યું. કસરત કરીને,પેઈનકિલર લઈને સૂવા ગઈ, પણ રાત્રે પીડાના માર્યા ઊંઘ ન આવી. સવારે વળી એક બીજી ફ્રેન્ડનો ફોન આવ્યો. એણે કોઈ સલાહ આપ્યા બાદ કહ્યું કે હવે ઉંમરની સાથે આવું થાય અને થતું રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો જખમ પર મીઠું છાંટ્યું. આવું ફરીથી સાંભળવા ન મળે એટલે મેં પછી લોકોને કહેવાનું બંધ કર્યું, પણ ત્યાં સુધીમાં જેમને કહી દીધેલું એમણે ખબર પૂછવાનું, ઉપાયો સૂચવવાનું ચાલુ રાખ્યું. એલોપથિક દવા, દેશી ઉપચાર, બ્રિધિંગ એક્સર્સાઈઝ, યોગાસન. કોઈએ દુઃખતા અંગ પર બરફ લગાડવાનું કહ્યું તો કોઈએ વળી ‘અરે એવું કરાય જ નહીં’ કહીને ગરમ પાણીનો શેક કરવાનું કહ્યું. બધું કરી લીધું. છેવટે ડોક્ટર પાસે ગઈ. એમણે એમઆરઆઈ કરાવવાનું કહ્યું. રિપોર્ટ આવ્યો કે પ્રોબ્લેમ સ્પાઈનમાં હતો. લાંબી વાત ટૂંકી કરીએ તો ટ્રીટમેન્ટ ચાલુ છે અને કબૂલવાનું કે અત્યાર સુધી હું જેને સાબુદાણા કહેતી હતી એ હોમિયોપેથિક દવાની હવે કોઈવાર મજાક નહીં ઉડાવું. શક્ય છે કે દવા કરતા એ આપનાર મારી ડોક્ટરમિત્ર સાથે વાત કરીને વધુ રાહત મળી હશે. કોણ જાણે? એ જ રીતે હિતેચ્છુઓએ કોઈ અપેક્ષા વિના સલાહસૂચનો આપવાનું હજી ચાલુ રાખ્યું છે, એનીયે અસર હોય. જે હોય તે, એમાંથી મોટાભાગનાં લોકોએ અને ડોક્ટરે પણ મને આરામ કરવાની શિખામણ આપી એનું હું બરાબર પાલન કરું છું, કારણ કે આમેય એ મારી બહુ ગમતી પ્રવૃત્તિ છે. અને સોરી, એટલે જ ગયા અઠવાડિયે કોલમ નહોતી લખી. તમારે પણ બેક પેઈન કાઢવા માટે હમણાં કોઈ સલાહ આપવી હોય તો આપી દેજો. એકાદ મહિના પછી બીજાંઓને હું આપીશ. ⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...