તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઈટ હાઉસ:મેન્ટરશિપ: કેવી રીતે વિચારવું એની તાલીમ

રાજુ અંધારિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેન્ટર બીજી વ્યક્તિને જરૂરી દિશાસૂચન આપીને એની ક્ષમતાને નિખારે છે

બાળક થોમસ આલ્વા એડિસને એક દિવસ ઘરે આવીને સ્કૂલમાંથી આપવામાં આવેલી એક ચિઠ્ઠી એની માતાને આપી. ચિઠ્ઠી વાંચીને માતાએ એડિસનને કહ્યું કે તારા ટીચરે લખ્યું છે કે થોમસ એટલો પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી છોકરો છે કે આ સ્કૂલ એના માટે ટૂંકી પડે છે, એને ભણાવી શકે એવા શિક્ષકો અમારી સ્કૂલમાં નથી. આથી એણે હવે સ્કૂલે આવવાની જરૂર નથી ને તમે જ એને ઘરે ભણાવો. વર્ષો પછી માતાનાં મૃત્યુ બાદ ઘરની સાફસફાઈ કરવા દરમિયાન એડિસનને પેલી ચિઠ્ઠી હાથમાં આવી. એણે ચિઠ્ઠી વાંચી, ‘તમારો દીકરો સાવ ઠોઠ છે, માનસિક બીમાર છે. એ જિંદગીમાં કશું કરી શકે એમ નથી. અમે એને સ્કૂલમાંથી કાઢી મૂકીએ છીએ.’ આંખમાં આંસુ સાથે એડિસને એ ચિઠ્ઠીમાં નીચે એક લાઈન ઉમેરી: થોમસ ખરેખર ઠોઠ નિશાળિયો હતો, પણ એનું રૂપાંતર સદીના સૌથી મહાન સંશોધકમાં કર્યું એની જનેતાએ. એડિસનની માતાએ થોમસ માટે જે કર્યું એ હતું એક મેન્ટરનું, એક માર્ગદર્શકનું કાર્ય. મેન્ટર બીજી વ્યક્તિને જરૂરી દિશાસૂચન આપીને એની ક્ષમતાને નિખારે છે, આગળ વધવા પ્રોત્સાહન આપે છે, ભાવનાત્મક સમર્થન આપીને વિપરીત પરિસ્થિતિમાંથી બહાર આવવાની પ્રેરણા આપે છે. મેન્ટર એક સારો શ્રોતા, જ્ઞાની, મૂલ્ય-આધારિત વલણ ધરાવતો હોય છે, પક્ષપાતથી દૂર રહીને કડવાં વેણ કહીને પણ રચનાત્મક ફીડબેક આપી શકે છે, પ્રામાણિક અને નિખાલસ હોય છે ને અન્યને સફળતા મળે એ માટે પોતાનો સમય ફાળવીને હૂંફ અને ટેકો પૂરાં પડે છે. ભારતીય ઈતિહાસમાં મેન્ટરશિપનું સૌથી આગવું અને બધાં માટે પ્રેરણારૂપ દૃષ્ટાંત છે મુરલી મનોહર શ્રીકૃષ્ણનું. શ્રીકૃષ્ણ અર્જુનને ઇન્દ્ર અને અગ્નિની પૂજા કરવા માટે સમજાવે છે અને એમની પાસેથી એને સૌથી શ્રેષ્ઠ એવું ધનુષ ‘ગાંડીવ’ પ્રાપ્ત થાય છે. કુરુક્ષેત્રના રણમેદાનમાં બંને સેનાઓ સામસામી આવી ગઇ ત્યારે અર્જુન સ્વસ્થતા ગુમાવીને વિષાદયોગમાં ચાલ્યો જાય છે. એ યુદ્ધથી દૂર ભાગે છે. પોતાનાં જ સગાં-સ્નેહીઓ અને ગુરુજનોનો સંહાર કરીને યુદ્ધ જીતવાનું એને પસંદ નથી હોતું. યુદ્ધમેદાન છોડી જવાની અણીની એ વેળાએ મહાન મેન્ટર શ્રીકૃષ્ણ એને ‘યુદ્ધ એ જ કલ્યાણ’નો ઉપદેશ અને આદેશ આપે છે, જે છેવટે અર્જુનને એની જિંદગીના ખરા ધ્યેયને સમજવા મદદ કરે છે ને બધા જ સાંસારિક સંબંધોથી ઉપર ઊઠીને ખરા ધર્મનું પાલન કરવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. બીજા એક ઉદાહરણમાં એમની વિચક્ષણ બુદ્ધિ અને નિર્માણ થયેલી પરિસ્થિતિને સ્વીકારીને એ વખતે પોતાનાથી શ્રેષ્ઠ શું કરી શકાય એનું વ્યૂહાત્મક માર્ગદર્શન આપતા એક મેન્ટરના દર્શન થાય છે. આ રહ્યો એ પ્રસંગ: પાંડવો જૂગટું રમતાં બધું જ ગુમાવી બેઠા ત્યારે એમને વનવાસમાં જવાનું નિશ્ચિત બની ગયું હતું, પરંતુ તેઓ આ માટે જરાય તૈયાર નહોતા, ત્યારે ને ત્યારે જ કૌરવો સાથે યુદ્ધ કરીને પોતાનું રાજપાટ પાછું મેળવવા માંગતા હતા, પરંતુ એ વખતે શ્રીકૃષ્ણ દરમિયાનગીરી કરે છે, પાંડવો તથા દ્રૌપદીને શાંત પાડે છે. એમને પોતાનું વચન નિભાવવાની અને ધર્મનું પાલન કરવાની સલાહ આપે છે. એ સમયે શ્રીકૃષ્ણ એમને વનવાસ ભોગવવા અને પ્રવીણતા ખીલવવા પ્રેરિત કરે છે. આમ, મેન્ટરશિપ એટલે લીડરશિપ, મોટિવેશન, વ્યૂહાત્મક સંચાલન, વચનબદ્ધતા (કમિટમેન્ટ), મૂલ્યોનું જતન, પોતાનાં પ્રભાવ અને સત્તાનો ઉપયોગ કરીને પ્રગતિનો માર્ગ સરળ બનાવવો વગેરે જેવા મેનેજમેન્ટના વિવિધ સિદ્ધાંતો. ⬛ rajooandharia@gmail.com

અન્ય સમાચારો પણ છે...