બ્લેક એન્ડ વ્હાઈટ:લગ્નજીવનમાં માનસિક અને શારીરિક ક્રૂરતા

આશુ પટેલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ત્રીઓને પુરુષ કરતાં ઊતરતી ગણવાની માનસિકતાનો અંત નહીં આવે ત્યાં સુધી આ વિકૃતિનો અંત નહીં આવે

નવેમ્બર 2021ના પ્રથમ સપ્તાહમાં દિલ્હી હાઈકોર્ટે એક યુવતીની છૂટાછેડા માટેની અરજી પર ચુકાદો આપતા કહ્યું કે ‘આ યુવતીનો પતિ તેનો દૂઝણી ગાયની જેમ ઉપયોગ કરી રહ્યો છે. તેને માત્ર પત્નીના પૈસામાં જ રસ છે. તેને દિલ્હી પોલીસમાં નોકરી મળી એ પછી તેને પત્નીમાં રસ જાગ્યો છે. આવા પતિની સાથે રહેવું એ ફરિયાદી પત્ની માટે માનસિક ક્રૂરતા સહન કરવા સમાન છે.’ જસ્ટિસ વિપિન સાંઘીના વડપણ હેઠળની બેન્ચે આ ચુકાદો આપતા પતિના ભૌતિકવાદી વલણની આકરી ટીકા કરતા કહ્યું હતું કે ‘દરેક પરિણીત યુવતીની ઈરછા કુટુંબ શરૂ કરવાની હોય છે. પરંતુ આ કિસ્સામાં પતિને માત્ર પત્નીની આવકમાં જ રસ છે.’ આ અગાઉ ફેમિલી કોર્ટે તે યુવતીની છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી. એ પછી તે યુવતીએ હાઈકોર્ટમાં ધા નાખી હતી કે ‘મારો પતિ બેકાર છે, શરાબી છે અને મને શારીરિક-માનસિક રીતે ત્રાસ આપે છે અને સતત પૈસાની માગણી કરતો રહે છે. હું તેની સાથે જીવન વીતાવી શકું એમ નથી.’ તે યુગલનાં લગ્ન થયાં ત્યારે પતિની ઉંમર 19 વર્ષની હતી અને પત્નીની ઉંમર 13 વર્ષની હતી. બંનેનાં કુટુંબ ગરીબ હતાં. લગ્નનાં 14 વર્ષ પછી પત્નીને દિલ્હી પોલીસમાં નોકરી મળી એ પછી અચાનક તેના પતિને તેનામાં રસ જાગ્યો હતો અને તે પત્નીને તેનાં પિયરથી પોતાનાં ઘરે લાવ્યો હતો. એ પછી તેનો દર મહિને પગાર આવે એ તે આંચકી લેતો હતો. પોતાના બચાવમાં તે પતિએ કોર્ટને કહ્યું હતું કે ‘મેં મારી પત્નીનાં શિક્ષણ માટે પૈસા ખર્ચ્યા છે.’ જોકે, કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે ‘ફરિયાદી યુવતી 2014 સુધી તેનાં માતા-પિતાને ત્યાં હતી અને તેનું ભરણપોષણ તેનાં માતાપિતાએ કર્યું હતું અને તેનાં ઉછેર અને અભ્યાસનો ખર્ચ પણ તેનાં માતાપિતાએ જ કર્યો હતો એ સાબિત થાય છે.’ કોર્ટે કહ્યું કે ‘આ કેસમાં અમને સમજાયું છે કે આ યુવતીનાં પતિને તેની સાથે સંબંધ રાખવામાં કોઈ જ રસ નથી પરંતુ તે દિલ્હી પોલીસમાં નોકરી કરી રહી છે અને તેનો પગાર આવે છે એટલા માટે તેનો પતિ તેને પોતાની સાથે રાખવા ઈરછે છે. આ માનસિક ક્રૂરતા છે એટલે આ યુવતીની છૂટાછેડા માટેની અરજી અમે મંજૂર કરીએ છીએ.’ આ કિસ્સો તો કોર્ટ સુધી પહોંચ્યો, પણ આપણા દેશમાં એવી કરોડો યુવતીઓ છે જે લગ્નજીવનમાં માનસિક અને શારીરિક ક્રૂરતા સહન કરી રહી છે. ભારતીય સમાજમાં (અસંખ્ય શિક્ષિત કુટુંબોમાં પણ) આવી માનસિક ક્રૂરતા અત્યંત સહજ ગણાય છે. આપણો સમાજ પોતાને ધાર્મિક ગણાવે છે. લગભગ બધા માણસો મંદિરમાં જતા હોય છે, પોતાને ધાર્મિક ગણાવતા હોય છે, પરંતુ સ્ત્રીઓની વાત આવે ત્યારે તેના સાસરિયાના સભ્યો વિકૃતિની હદ સુધી પહોંચી જાય એવા કિસ્સાઓ સમયાંતરે બહાર આવતા રહે છે. આવા અપવાદરૂપ કિસ્સાઓમાં પોલીસ કે કોર્ટ સુધી મામલો પહોંચતો હોય છે, બાકી મોટાભાગના કિસ્સાઓ દબાઈ જતા હોય છે કે પીડિત સ્ત્રીની આત્મહત્યા સાથે એવા કિસ્સાઓનો કરુણ અંત આવતો હોય છે. થોડા સમય અગાઉ મુંબઈની એક હાયર મિડલ ક્લાસ સોસાયટીમાં એક શિક્ષિત પતિ તેની પત્નીને બેરહેમીથી ફટકારી રહ્યો હતો એ વખતે પાડોશીઓ તેના ફ્લેટમાં ધસી ગયાં અને તેમણે તેને અટકાવ્યો. એ વખતે તે પતિએ નફ્ફટાઈપૂર્વક કહ્યું હતું કે ‘આ મારી પત્ની છે. એની સાથે હું શું વર્તાવ કરું એની સાથે તમારે કોઈ લેવાદેવા નથી. અને તમે વચ્ચે આવશો તો મારા ફ્લેટમાં ગેરકાનૂની રીતે ઘૂસવા માટે હું તમારી સામે ફરિયાદ કરીશ.’ થોડાં વર્ષો અગાઉ મુંબઈમાં એક આઈપીએસ પતિ અને આઈએએસ પત્નીનો કિસ્સો મીડિયામાં ખૂબ ગાજ્યો હતો. એ કિસ્સામાં આઈપીએસ પતિ તેની આઈએએસ પત્નીને શારીરિક રીતે ફટકારતો હતો અને માનસિક ત્રાસ આપતો હતો. આઈએએસ પત્નીએ તેની સામે ફરિયાદ કરી એ પછી પતિએ તેને ધમકી પણ આપી હતી કે તારી ફરિયાદ પાછી ખેંચી લે નહીં તો તારી જિંદગી બરબાદ કરી નાખીશ!’ વિચાર કરો કે એક આઈએએસ યુવતી પર તેનો પતિ જુલમ કરી શકતો હોય કે (શરૂઆતમાં જે કિસ્સો ટાંક્યો છે તે યુવતી) દિલ્હી જેવા શહેરમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતી યુવતીનો પતિ તેને મારી શકતો હોય, માનસિક યાતના આપી શકતો હોય તો આપણા દેશનાં છેવાડાનાં ગામડાંઓમાં ઘણા અભણ અને અશિક્ષિત ગમાર પતિઓ પત્ની પર કેવો જુલમ ગુજારતા હશે અને તેમનો અવાજ આખી જિંદગીમાં મીડિયા સુધી પહોંચી પણ ન શકે. સામાન્ય સ્ત્રીઓ પતિનો જુલમ સહન કરતી હોય એનો અવાજ તો સ્વાભાવિક રીતે દબાઈ જ જતો હોય. ઘણા કિસ્સાઓમાં પતિઓ પત્ની પર હાથ ન ઉપાડતા હોય, પરંતુ માનસિક અત્યાચારની ચરમસીમા વટાવી દેતો હોય એવા કિસ્સાઓ પણ બનતા હોય છે (પત્નીપીડિત પતિઓએ આ લેખ સામે આક્રોશ ન ઠાલવવો પડે એટલે આ લાઈન ઉમેરી દઉં છું : કેટલાક કિસ્સાઓમાં માથાભારે પત્નીઓ પતિની જિંદગી બરબાદ કરી નાખતી હોય છે, પણ એવા કિસ્સાઓની સંખ્યા ઘણી ઓછી હોય છે). આપણા દેશના ઘણા અડિયલ બૌદ્ધિકોને આતંકવાદીઓ અને ખતરનાક ગુંડાઓના માનવ અધિકારની ચિંતા થતી હોય છે, પણ એમાંના ઘણા ખેપાનીઓને સ્ત્રીઓ પર થતા અત્યાચારથી તકલીફ નથી થતી હોતી. આ આપણા દેશની કરુણતા છે. આપણા સો કોલ્ડ ધાર્મિક અને સભ્ય સમાજ માટે આ સ્થિતિ શરમજનક છે. સ્ત્રીઓને પુરુષ કરતાં ઊતરતી ગણવાની માનસિકતાનો અંત નહીં આવે ત્યાં સુધી આ વિકૃતિનો પણ અંત નહીં આવે. {

અન્ય સમાચારો પણ છે...