તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેનેજમેન્ટની abcd:ઈગોને મેલો ઊંચો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીસ ટકા કર્મચારીઓ કંપનીની પ્રગતિમાં એંશી ટકા ફાળો આપે છે. તેઓ સાચા અર્થમાં નોલેજ વર્કરો છે

ગુજરાતના એક સફળ ઉદ્યોગપતિએ એમની આવડતની બહારના ક્ષેત્રમાં હાથ નાખ્યો. નવા ઉદ્યોગ માટે લોન આપવા તૈયાર એવી બેન્કે શરત કરી કે કંપનીએ, આ નવા સાહસના નીવડેલા નિષ્ણાતની નિમણૂક કરવી, જેથી સફ‌ળતાની શક્યતા વધે અને બેન્કનું જોખમ ઘટે. આવા નિષ્ણાત મેનેજર આવી ગયા. તેમણે જરૂરી નિર્ણયો લેવાનું શરૂ કર્યું અને ‘શેઠસાહેબ’ને એમના પાવરમાં ઓટ આવવાની લાગણી સતાવવા માંડી. એમનો અહમ્ ઘવાયો, જેમાં એમને કશી ગતાગમ નહોતી પડતી એવા વિષયોમાં આવા ચંચુપાતથી થાકેલા નવા મેનેજરને મેં સલાહ આપી કે ‘દોસ્ત, બે કામ કર. શેઠસાહેબ જે કહે તે કર અને નવી નોકરી શોધ.’ કમનસીબે અનિવાર્ય અભિમાનનું અહમ્્માં રૂપાંતર થતા ઝાઝી વાર લાગતી નથી. અહમ્્ શેઠસાહેબના, મેડમના, ચમચાઓ અને ચમચીઓ ઉપર ચોંટતો રહે છે. ગુજરાતમાં કોઈના લગ્નપ્રસંગે આવેલા યુપીના એક ડિસ્ટ્રિબ્યૂટરે કંપનીની હેડઓફિસમાં શેઠને મળવાનો વિચાર કર્યો અને પહોંચી ગયા કંપનીની ઓફિસે. સેક્રેટરીએ કડક અવાજમાં પૂછ્યું, ‘એપોઈન્ટમેન્ટ છે?’ ડિસ્ટ્રિબ્યૂટર ડઘાઈ ગયો. કહ્યું, ‘તમારા બોસને કહો કે યુપીના મલ્હોત્રા આવ્યા છે.’ ‘શું કામ છે?’ ‘કામ કશું જ નથી, ફક્ત મળવું છે.’ ‘સરને કામ વિના આવતા માણસોને મળવાનો સમય નથી.’ ડિસ્ટ્રિબ્યૂટર પાછો ફરી ગયો. એમના ધંધાના આગેવાન સભ્યને નાતે એણે એવો કરિશ્મા કર્યો કે કંપનીનું યુપીમાં ઉઠમણું થઈ ગયું. મોટું માર્કેટ ખોઈ બેઠેલા શેઠસાહેબે ડેમેજ કન્ટ્રોલના લાખ પ્રયત્ન કર્યા પણ કંઈ ઊપજ્યું નહીં. ગ્રાહક કરતાં પણ એને સાચવનાર કર્મચારી વધારે અગત્યનો છે. જે કંપની એના સેલ્સપર્સનોની ઈજ્જત કરતી નથી, એ મોડે-વહેલે ખાડે જાય છે કે પછી એની હાલત પેલી ‘ચાર વાગ્યાની ટ્રેન’ જેવી થાય છે. નથી પ્રગતિ કરતી, નથી મરી જતી, જીવે છે મરવાને વાંકે. વીસ ટકા કર્મચારીઓ કંપનીની પ્રગતિમાં એંશી ટકા ફાળો આપે છે. આ વીસ ટકા કર્મચારીઓ, સાચા અર્થમાં નોલેજ વર્કરો છે. એમની પાસે જે જ્ઞાન છે તે કંપનીના માલિક પાસે નથી. રતન તાતાને એક કરોડની જગુઆરના એન્જિનમાં કશી ગતાગમ પડતી નથી, ખૂબ જ અટપટું સોફ્ટવેર બનાવતા નારાયણ મૂર્તિને આવડતું નથી. સફળ કંપનીઓ ફક્ત ગ્રાહકને જ નહીં, પોતાના નોલેજ વર્કરોને ઈજ્જત આપે છે. આજનો કર્મચારી ‘નોકરી’ કરતો નથી. એ કંપનીમાં આવે છે એની કારકિર્દીની તરક્કી માટે. એનો પોતાનો પર્સનલ એજન્ડા હોય છે અને એ પોતાના આ એજન્ડાને કંપનીનાં મિશન અને વિઝન સાથે જોડેલો રાખવાના પ્રયત્નો કરે છે છતાં એને એવો અહેસાસ થાય કે એની પ્રગતિમાં વિઘ્ન આવી રહ્યું છે તો એ વહેલી તકે કંપની છોડી જાય છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના પ્રોફેસર ડેવિડ થોમસના શબ્દો છે : ‘અસરકારક કર્મચારીને પકડી રાખતું સૌથી અગત્યનું પરિબળ છે બોસ અને કર્મચારી વચ્ચેના સંબંધોની ગુણવત્તા.’ ઈગોને ઊંચો મેલો. ફક્ત ત્રણ શબ્દોમાં થોરામાં ઘનું.⬛baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...