વર્લ્ડ ડાયાબિટીસ ડે:ડાયાબિટીસમાં ઇન્ફેક્શન અટકાવવાના ઉપાયો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીસ વર્ષના અંતે ડાયાબિટીસના કારણે લગભગ પાંચ ટકા લોકોની કિડની કામ કરતી બંધ થઇ જાય છે. એટલું જ નહીં, ત્રીસ વર્ષનાં અંતે આ આંકડો વધીને વીસ ટકા થઇ જાય છે

ક હેવાય છે કે એકવાર વ્યક્તિને જો ડાયાબિટીસ થઈ જાય પછી તે વ્યક્તિને ધીરે ધીરે આંતરિક રીતે નબળો બનાવે છે. ડાયાબિટીસ અનેક બીમારીની જન્મદાતા છે. એંસી ટકા કેસમાં કિડની કામ કરતી બંધ થવાનું કારણ પણ ડાયાબિટીસ જ હોય છે. જેમ-જેમ ડાયાબિટીસનો ગાળો વધે છે તેમ તેમ કિડની બગડવાની શક્યતાઓ પણ અનેકગણી વધી જાય છે. વીસ વર્ષના અંતે ડાયાબિટીસના કારણે લગભગ પાંચ ટકા લોકોની કિડની કામ કરતી બંધ થઇ જાય છે. એટલું જ નહીં, ત્રીસ વર્ષનાં અંતે આ આંકડો વધીને વીસ ટકા થઇ જાય છે. ડાયાબિટીસના લીધે શરીરના અનેક અવયવો કામ કરતા બંધ થઇ જાય છે. ડાયાબિટીસથી કિડની ઉપર માઠી અસર પડતી હોય છે. જો ડાયાબિટીસ યોગ્ય પ્રમાણમાં કાબૂમાં ન રહે તો તેના લીધે કિડનીની કાર્યશક્તિ ઘટી જાય છે તથા ક્રમશ: તે કામ કરતી બંધ થઇ જાય છે. ડાયાબિટીસમાં રક્તવાહિનીઓ જાડી થઇ જવાના કારણે માઇક્રોસરક્યુલેશન (લોહીનું પરિભ્રમણ)માં અવરોધ થવાના કારણે ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જાય છે. મોટાભાગનાં લોકોને કિડની તથા હૃદયની તકલીફ ઊભી થવાથી ડાયાબિટીસમાં ઇન્ફેક્શનની સમસ્યા ઘણી વધી જાય છે.

વિવિધ પ્રકારનાં ઈન્ફેક્શન્સ ડાયાબિટીસવાળા દર્દીને ઇન્ફેક્શન થવાની શક્યતાઓ જેને ડાયાબિટીસ નથી એના કરતાં અનેકગણી વધારે છે. પરંતુ ફક્ત સુગર વધારે હોવાના કારણે બેક્ટેરિયાનો ગ્રોથ વધે છે અને ઇન્ફેક્શન થાય છે તે માન્યતા ખોટી છે. સામાન્યત: ડાયાબિટીસ ધરાવનાર વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) નબળી પડી જાય છે. ડાયાબિટીસના કારણે શરીરનાં જુદાં જુદાં અંગોમાં ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત એકવાર ઇન્ફેક્શન થયા બાદ ડાયાબિટીસ ધરાવનાર વ્યક્તિમાં તેને કાબૂ કરવો પણ મુશ્કેલ પડતો હોય છે. હૃદય તથા કિડનીની તકલીફોના કારણે દવાઓની અસર ઓછી થાય છે અને આડઅસરો વધારે થાય છે. ચામડીનાં ઇન્ફેક્શન્સ ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિને ચામડીનાં ઇન્ફેક્શન્સ જેવાં કે ગડગુમડ, એબ્સેસ (પરુ થવું), પગની આંગળીઓ વચ્ચે ફંગલ ઇન્ફેક્શન વધારે જોવા મળે છે. આ ઉપરાંત કાનમાં, નાક અથવા આંખમાં પણ અતિ ગંભીર ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહેલી છે. યુરિનરી ઇન્ફેક્શન ડાયાબિટીસ ધરાવનાર વ્યક્તિઓને મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન થવાની શક્યતાઓ અનેકગણી વધારે છે. બેકાબૂ ડાયાબિટીસના કારણે ગુપ્તાંગમાં ફંગલ ઇન્ફેક્શન થઇ જાય છે. તેના કારણે વ્યક્તિને પેશાબમાં બળતરા, દુખાવો તથા ખંજવાળ આવે છે. ડાયાબિટીક પેશન્ટસ ખાસ કરીને મહિલાઓને યુરિનરી ટ્રેક્ટ (મૂત્રમાર્ગ)માં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ઘણી વધારે હોય છે. મેનોપોઝ થયા પછી આ ઇન્ફેક્શન વધારે થાય છે, લાંબું ચાલે છે અને ઘણા કેસમાં વારંવાર આવું ઈન્ફેક્શન જોવા મળે છે. ક્ષય (ટી.બી.) ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિને ફેફસાંનો ટી.બી. થવાની શક્યતા બેથી ત્રણ ગણી વધી જાય છે. ઝીણો તાવ, ભૂખ ન લાગવી, સતત ખાંસી આવવી, નબળાઇ લાગવી, વજન ઊતરવું એ તેનાં ખાસ લક્ષણો છે. આ સ્થિતિમાં ઘણીવાર ડાયાબિટીસની ગોળીઓ પણ કામ આવતી નથી. ઇન્સ્યુલિન દ્વારા ડાયાબિટીસને કાબૂમાં રાખીને અને ટી.બી.ની યોગ્ય સારવાર દ્વારા આ રોગને નિયંત્રિત કરી શકાય છે. ઘણા કેસમાં ટી.બી.ની દવાઓ લાંબા સમય માટે આપવી પડતી હોય છે. ગેંગરિન ડાયાબિટીસને કારણે પગનું ઇન્ફેક્શન થવાની શક્યતાઓ અનેકગણી વધારે હોય છે. જ્ઞાનતંતુઓની નબળાઇના લીધે પગમાં સંવેદના રહેતી નથી તેના કારણે પગમાં અલ્સર થઇ જાય છે. રક્તવાહિનીઓની તકલીફના કારણે લોહી પહોંચતું નથી તેના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટવાના લીધે બેક્ટેરિયલ ઇન્ફેક્શન પ્રસરે છે. આ ઇન્ફેક્શન પગમાં સ્નાયુ અથવા હાડકાં સુધી પહોંચે છે. જો સમયસર સારવાર કરવામાં ન આવે તો ગેંગરિન થઇ જાય છે અને તે પગ અથવા જીવન માટે ઘાતક પુરવાર થઇ શકે છે. ઈન્ફેક્શન અટકાવવાના ઉપાયો ડાયાબિટીસ ધરાવનાર વ્યક્તિ જેને ડાયાબિટીસ નથી તેના જેવું અથવા તેનાથી પણ સારું જીવન જીવી શકે છે તથા ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ પણ નિવારી શકે છે, પરંતુ એમાં કેટલીક તકેદારીઓ લેવી જરૂરી છે. જેમકે, ડાયાબિટીસને શરૂઆતથી જ સંપૂર્ણપણે કાબૂમાં રાખવો. શરીરની તથા ઘર-ઓફિસની સ્વચ્છતા રાખવી. ઇન્ફેક્શનની શરૂઆતમાં જ તાત્કાલિક તબીબી સલાહ લેવી. ડાયાબિટીસની ગોળીઓ કામ ન કરતી હોય તો ઇન્સ્યુલિન શરૂ કરવામાં આનાકાની કરવી નહીં. ઇન્ફલ્યુએન્ઝા તથા ન્યુમોકોફલ જેવી વેક્સિન ન્યુમોનિયા અટકાવવા માટે ડોક્ટરની સલાહ પ્રમાણે લેવી.

અન્ય સમાચારો પણ છે...