તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગોચર પડછાયા:‘હું કદાચ તારી એમિલિયાને પાછી લાવી શકું.’

જગદીશ મેકવાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેરિલેન્ડ પાર્કના બાંકડે બેઠેલા એરિકના ચહેરા ઉપર ઘેરી ઉદાસી જોઈને સિલ્વિયા એની પાસે આવી અને એરિકની બાજુમાં બેસીને ધીમા સ્વરે બોલી, ‘એરિક...’ ‘બોલો.’ એરિકે ગમગીન સ્વરે જવાબ આપ્યો. ‘હું કદાચ તારી એમિલિયાને પાછી લાવી શકું એમ છું.’ સિલ્વિયા ધીમા અને સાવધ સ્વરે બોલી. એ એરિક અને એમિલિયાને સારી રીતે ઓળખતી હતી. એરિક અને એમિલિયા એક બીજાને દિલ ફાડીને ચાહતાં હતાં. બંનેની મુલાકાત હાઈસ્કૂલમાં થઈ હતી. એમિલિયા ખૂબસૂરત હતી, પણ એરિક સામાન્ય દેખાવવાળો છોકરો હતો. બંનેની પ્રથમ મુલાકાત કેમેસ્ટ્રી ક્લાસમાં થઈ હતી. એક પ્રોજેક્ટમાં બંને પાર્ટનર હતાં અને બંનેની કેમેસ્ટ્રી મેચ થઈ ગઈ. બંને પ્રેમમાં પડ્યાં. ભણતર પૂરું કર્યા બાદ બંને પોતાની કરિઅર બનાવવા માટે મચી પડ્યાં. એરિકે એક ઘર પણ ખરીદ્યું. હવે એમિલિયા રાહ જોઈ રહી હતી કે એરિક ક્યારે એને લગ્ન માટે પ્રપોઝ કરે? અને એ દિવસ આવી ગયો. એરિક એક મોંઘી રેસ્ટોરાંમાં એમિલિયાને કેન્ડલ લાઈટ ડિનર માટે લઈ ગયો અને ત્યાં એરિકે એમિલિયાને લગ્ન માટે પ્રપોઝ કર્યું. એમિલિયા ખુશીની મારી રીતસરની ઊછળી પડી, પણ...એકદમ જ એમિલિયાના શરીરમાંથી લોહીનો ફુવારો છૂટ્યો, કેમ કે એનું શરીર ગોળીથી વિંધાઈ ચૂકયું હતું. એક વિકૃત-માનસિક બીમાર યુવકે એ રેસ્ટોરાંમાં કોઈ પણ જાતના કારણ વિના આડેધડ ફાયરિંગ કર્યું હતું. એમાં પાંચ જણ મરી ગયાં. એમાંની એક કમનસીબ એમિલિયા પણ હતી. પોલીસ ધસી આવી. પેલા વિકૃતને ઢાળી દીધો, પણ જેમનાં સ્વજનો ગયાં, એ તો ગયાં. વગર વાંકે, વગર લેવા-દેવાએ. એરિક ભાંગી પડ્યો. એ આવીને બેઠો મેરિલેન્ડ પાર્કના બાંકડે, જ્યાં દરરોજ બંને સુંદર ભાવિનાં શમણાં સજાવતાં. બધાં શમણાં વિખેરાઈ ગયાં. સિલ્વિયા પેરાનોર્મલ ક્ન્સલ્ટન્ટ હતી. એ છાનીમાની ગેરકાનૂની રીતે પેરાનોર્મલ પ્રયોગો કરતી હતી. એ મરેલાઓના આત્માને પાછો બોલાવીને એનો કાયાપ્રવેશ કરાવી શકે, પણ આવા ગેરકાનૂની પ્રયોગો માટે એને એવાં લોકોની જરૂર હતી કે જે લોકો સ્વેચ્છાએ એ પ્રયોગોનો હિસ્સો બને. સિલ્વિયા એરિક પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતાં બોલી, ‘હું કદાચ તારી એમિલિયાને પાછી લાવી શકું.’ ‘હેં!’ સિલ્વિયાને તાકી રહેલો એરિક બોલ્યો. ‘હા, પણ ગેરન્ટી નહીં. કદાચ મારો પ્રયોગ સફળ થઈ જાય તો મને પહેલી સફળતાનો સ્વાદ ચાખવા મળે અને તને તારી એમિલિયા પાછી મળી જાય.’ બોલીને સિલ્વિયાએ એને એક કાર્ડ આપ્યું અને કહ્યું, ‘તું એમિલિયાની લાશ લઈને આ સ્થળે પહોંચ. બાકીની વાત હું તને ત્યાં સમજાવીશ.’ *** એમિલિયાના અને રેસ્ટોરાંમાં આડેધડ ફાયરિંગ કરીને નિર્દોષોને મોતને ઘાટ ઊતારનાર પેલા વિકૃત યુવકના મૃતદેહને લઈને એરિક, સિલ્વિયાએ આપેલા સરનામે પહોંચ્યો. જંગલના રસ્તે આવેલા એ સ્થળે એક ગેસ સ્ટેશન હતું. એરિકને કારમાંથી ઊતરતો જોઈને સિલ્વિયા ગેસ સ્ટેશનની કેબિનમાંથી બહાર આવી. એ એમિલિયાની લાશ જોઈને ખુશ થઈ ગઈ, પણ આડેધડ ગોળીબાર કરનારા પેલા વિકૃત યુવકની લાશ જોઈને ભડકી. એરિક બોલ્યો, ‘ચિંતા ના કરશો. જેવો તમે એને જીવતો કરશો કે તરત જ હું એને મારી નાંખીશ. એણે મારી એમિલિયાને ગોળી મારી હતી અને મારે એ વાતનો બદલો લેવો છે.’ *** બહાર વરસાદનું વાતાવરણ હતું. એને લીધે વાતાવરણમાં આછી ઠંડક અને ભેજ હતાં. પરિણામે એક પ્રકારનું ભેદી વાતાવરણ સર્જાયું હતું. એ ગેસ સ્ટેશનના ભોંયરામાં સિલ્વિયાએ આત્મા બોલાવવાનો પ્રયોગ ચાલુ કર્યો. પ્રયોગ દરમિયાન સિલ્વિયા જાણે ભૂત બની ગઈ હોય એવી દેખાતી હતી. એ ભોંયરામાં જાણે કે ભૂતાવળ સર્જાઈ હતી. કાચાપોચાનું તો હૃદય બેસી જાય એવો ભયંકર માહોલ હતો. સિલ્વિયા કોઈક મંત્રો બોલી રહી હતી. ધીમે-ધીમે એ ઉગ્ર થવા માંડી. પછી તો જોર-જોરથી ઊછળી-ઊછળીને ચીસો પાડીને મંત્રો બોલવા લાગી. એરિકને બીક લાગી, પણ એ હિંમત રાખીને ત્યાં જ ઊભો રહ્યો અને એક્દમ જ બધી મીણબત્તીઓ હોલવાઈ ગઈ. ભોંયરામાં ગોઠવેલા એક મોટા આદમકદના આયનામાંથી પ્રકાશના બે લીસોટા રૂપે બંને આત્મા બહાર આવ્યા, પણ એ જ સમયે આકાશમાં વીજળીનો કડાકો થયો. એના લીધે એક નેનો સેકન્ડ માટે ગ્લિચ સર્જાયો. સિલ્વિયા ચોંકી, પણ તરત જ બધું બરાબર થઈ ગયું. પ્રકાશના બંને લીસોટા, ત્યાં પડેલા બંને શરીરમાં પ્રવેશ્યા. બંને જીવતાં થયાં. પેલો વિકૃત યુવક બેઠો થયો. એણે પ્રેમથી એરિક સામે જોયું, પણ એ કંઈ કહે કે કરે એ પહેલાં તો એરિકે એને મારી નાખ્યો. બદલો લેવાઈ ગયો એટલે એરિકના હૈયાને ટાઢક વળી. સિલ્વિયા માટે આ એક પ્રયોગ હતો, જે સફળ થયો હતો. એટલે એ તો ખૂબ જ ખુશ હતી. એને એરિક પાસેથી બીજી કોઈ અપેક્ષા ન હતી. એમિલિયાને પાછી મેળવીને ભાવવિભોર બનેલો એરિક, સિલ્વિયાનો આભાર માનીને એમિલિયાને લઈને રવાના થયો. *** રસ્તો લાંબો હતો એટલે બંને જણ એક મોટેલમાં રોકાયાં. એ રાત્રે અચાનક જ એમિલિયા એરિકની છાતી ઉપર ચડી બેઠી અને એરિકનું ગળું દબાવી દીધું. એરિક ભડક્યો. છૂટવાની મથામણ કરતાં-કરતાં મહામહેનતે રૂંધાયેલા સ્વરે બોલ્યો, ‘એમેલિયા...’ ‘એમિલિયા તો જેવી જીવતી થઈ કે તરત જ તેં એને મારી નાંખી.’ એમિલિયાએ તરડાયેલા, ઘોઘરા પુરુષ જેવા સ્વરમાં જવાબ આપ્યો. ‘મેં તો પેલા ફાયરિંગ કરનારા...’ ગળું રૂંધાવાના કારણે એરિક વધારે બોલી ના શક્યો, પણ એની છાતી ઉપર ચડી બેઠેલી એમિલિયા બોલી, ‘વચ્ચે વીજળીનો કડાકો થયો અને જે ગ્લિચ સર્જાયો, એમાં અમારા આત્માની અદલા-બદલી થઈ ગઈ. હું જ છું એ ફાયરિંગ કરનારા છોકરાનો આત્મા, જે અત્યારે તારી ગર્લફ્રેન્ડના શરીરમાં છે.’ બોલીને એમિલિયાએ એક ઝટકા સાથે એરિકની ગરદન તોડી નાંખી. *** થોડા દિવસો પછી વોશિંગ્ટન ડી.સી માં એક પબમાં એમિલિયાએ આડેધડ ફાયરિંગ કરીને બાર જણને મોતને ઘાટ ઊતારી દીધાં. એમાંની એક મૃતક હતી સિલ્વિયા. ઘટનાની જાણ થતાં જ ધસી આવેલી પોલીસે એમિલિયાને વળતા ગોળીબારમાં ઢાળી દીધી. *** હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે એમિલિયા તો મરી ગઈ હતી. તો એ કઈ રીતે પાછી આવી? શું એમિલિયાની કોઈ જોડિયા બહેન હશે? પણ પોલીસને એ સવાલોનો જવાબ હવે ક્યારેય નહીં મળે, કારણ કે એ સવાલોનો જવાબ આપી શકે એવા ચારમાંથી એકેય જણ હવે આ ધરતી ઉપર નથી. ⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...