તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીલે ગગન કે તલે:મેટાવર્સનો માયનો

મધુ રાય25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝુકરબર્ગ ફેસબુક થકી મેટાવર્સની માયા ફેલાવવા ઇચ્છે છે. આ અબજોપતિઓની ચોપાટ ભલે તે લોકો ખેલે, વાસ્તવિક વિશ્વમાં હજી મોટાભાગની વસતીને રોટી, કપડાં અને મકાનનાં સાંસાં છે

મેટાવર્સ એટલે કમ્પ્યુટરથકી સર્જેલી સૃષ્ટિ જેમાં વપરાશકર્તા સામસામે, સાથે અથવા અન્ય કાલ્પનિક વસ્તુઓ સામે પેશ આવી શકે. આ માયાવી શબ્દ હજી બધી ડિક્શનરીઓએ સ્વીકાર્યો નથી; હજી તેના અર્થની છાયાઓ સવારસાંજ વધતાઘટતા પડછાયાની જેમ અસ્થિર છે. હજી તેના વિસ્તાર વિશે શબ્દશાસ્ત્રના માંધાતાઓ એકમત નથી. તો પછી આ ચર્ચા અહીંયા કેમ? એટલા માટે કે તેમાં–ફેસબુક, એપલ, ગૂગલ વગેરે લંબોદર મહામાયાઓ જોડાયેલી છે ને વાસ્તવિક સૃષ્ટિને શણગારવાનાં વર્ચુઅલ રિયાલિટી ગોગલ્સ વગેરે જેવાં સાધનોના આવિષ્કારમાં તોતિંગ નાણાં રોકી બેસેલ છે. એટલે અવકાશ પ્રત્યે આકર્ષાયેલા અબજોપતિઓ હવે વળી મેટાવર્સમાં મોહાયા છે, જે યુનિવર્સ કાલ્પનિક છે, માયાવી છે, જે તમારી ને મારી આસપાસ છે, પણ વસ્તુત: કશેય નથી, જે મોંઘીદાટ ટેક્નોલોજીના વપરાશ વગર ભાંપી શકાય તેમ નથી, જે છે કે નથી, તે નક્કી નથી અથવા હોય તો વાસ્તવિક નથી, અથવા વીઆર સાધનોથી વાસ્તવિક અવતાર ધરે છે. જેની હસ્તી હોય છે પણ ખરેખર હોતી નથી, અગડમ, બગડમ, ડમડમ, ટમટમ છૂ ફટાક! ત્રીસ વર્ષ પહેલાં નીલ સ્ટીવનસને Snow Crash વ્યંગકથામાં metaverse (‘મેટાવર્સ’) – માયાબ્રહ્માણ્ડની કલ્પના કરેલી, જેમાં વાસ્તવિક બ્રહ્માણ્ડ સાથે ચાળા કરીને ટેક્નોલોજીના મય દાનવ માંધાતાઓ કાલ્પનિક બ્રહ્માણ્ડની સૃષ્ટિ કરે છે જે છે કિન્તુ નથી, કેવળ તિરછા વિનોદ માટે ઊભા કરાયેલા આ બ્રહ્માણ્ડને અચાનક હવે લિવિંગ–લાયસન્સ લાધેલું છે ટેક્નોલોજીના માંધાતાઓ તરફથી! સોફી ઝાન્ગ નામની ફેસબુકની એક કર્મચારીએ જાહેર કર્યું કે ફેસબુક કંપની તાનાશાહ સરકારોની ગોઝારી દમનનીતિને છાવરે છે. આ આરોપનો જવાબ આપવાને બદલે ઝુકરબર્ગે ફેસબુકને એક લપેડો બક્ષ્યો. હાલ ફેસબુક તથા ઇન્ટરનેટમાં અન્યત્ર ઘોડા મારે શીંગડાં જેવી કાવતરા–કથાઓ પ્રચલિત છે જેમકે QAnon (ક્યૂનોન) થિયરી જેમાં કોઈ પણ સાબિતી વિના એવું કહેવાય છે કે અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીની એક ગુપ્ત માનવભક્ષી ટુકડી શેતાનની ભક્તિ કરે છે, બાળકો ઉપર બળાત્કાર કરે છે, બાળકોને સેક્સની ગુલામી માટે વેચે છે ને ડોનાલ્ડ ટ્રમ્પની દુશ્મની કરે છે. અથવા તમારી બહેને ફેસબુક ઉપર કશેક વાંચેલું કે આ કોવિડની મહામારી મોટું ધતિંગ છે, અને રસી મૂકવાના નામે સરકાર પ્રજાજનોના બાંવડામાં ભેદી ટ્રાન્સમીટર ફિટ કરે છે. તમે રસી મુકાવી છે એટલે તે તેની બેબીનો ફોટો બી તમને નહીં બતાવે! એક મજાકિયા લેખકે 30 વર્ષ પહેલાં કરેલી ઠિઠૌલી આજે હકીકત બનીને વાસ્તવિકતાની સામે શમશેર તાણે છે: જેને માટે હવે શબ્દ વપરાય છે, મેટાવર્સ! ઝુકરબર્ગ કહે છે કે મેટાવર્સ એટલે વાસ્તવિક જગતને ‘ટેક’ કંપનીમાં કામ કરતા વિજ્ઞાનિકો પોતાના તરંગી વિચારોથી રંગીને નવું રૂપ આપે તે! ‘વીઆર ગોગલ્સ’ જેવાં સાધનો વડે, તમે સામા માણસ સાથે વાતો કરી શકો, ચીજવસતની આપલે કરી શકો! પણ હેંહેંહેં તેમાં સામે માણસ હોય કે રોબો હોય, કાંઈ હોય કે નયે હોય! જીવિત વ્યક્તિ હોય કે ‘બોટ’ પણ હોય, ને હેંહેંહેં ના બી હોય! આ વાત Ready Player One, Pokemon Go વગેરેના દાખલા સાથે વધુ ઊંડાણથી સમજાવી છે ‘ગાર્ડિયન’ના એક લેખમાં પણ આપણે અત્રેથી દ્વારિકા કહીને સંતોષ માનીએ. આ ફોટામાં ફેસબુકના આલમગીર માર્ક ઝુકરબર્ગ તથા સાથીઓ 1916માં બર્લિનના એક મેલાવડામાં વર્ચુઅલ રિયાલિટી હેડસેટ દ્વારા મેટાવર્સનો જાયકો માણે છે. ફક્ત ફેસબુકના જ નહીં પણ એપલ, ગૂગલ, અને બીજી તોતિંગ કંપનીઓયે મચી પડી છે આ માયાવી હસ્તામલકવત વિશ્વને ખોળવા, સર્જવા, કલ્પવા, મેટાવર્સથકી તમને બીજા વાસ્તવિક જનોથી મનથી ને તનથી વેગળા કરવા, નાણાં રોકવા. કાંઈક આવા જ ‘તંગો’થી ફેસબુક આદિ સોશ્યલ મીડિયાની રચના થયેલી: લોકશાહીનો પ્રચાર, વિચાર સ્વાતંત્ર્ય! પણ તેના બદલે આ લંબોદર પ્લેટફોર્મો તેના કામદારોનો અવાજ દબાવે છે, બેઢંગી કાવતરા–કથાઓ ફેલાવે છે, જનતાને રંજાડી, તતડાવી, રિબાવી તારાજ કરે છે. ઇલોન મસ્ક મંગળ ઉપર રાજ સ્થાપવા માગે છે; ઝુકરબર્ગ ફેસબુક થકી મેટાવર્સની માયા ફેલાવવા ઇચ્છે છે. આ અબજોપતિઓની ચોપાટ ભલે તે લોકો ખેલે, વાસ્તવિક વિશ્વમાં હજી મોટાભાગની વસતીને રોટી, કપડાં અને મકાનનાં સાંસાં છે. વિશ્વકર્મા દેવ કી જય! ⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...