ડૉક્ટરની ડાયરી:માયા છાયા હોત હૈ, ઘટતી બઢતી જાત, દાન કરે સે બઢત હૈ, બિના બાંટે ઘટ જાત

ડૉ. શરદ ઠાકર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આખો મહિનો પૂરો થવા આવ્યો ત્યાં સુધી ડોક્ટર તો એમ જ માનતા રહ્યા કે આપણે ક્યાં મફત જમીએ છીએ? મહિનો પૂરો થાય એટલે પૈસા આપી દઇશું. આ માન્યતા મહિનાના અંતે ખોટી પડી

અમદાવાદનો વિકસતો વિસ્તાર. મુખ્ય શહેરથી પંદરેક કિલોમીટર દૂર આકાર પામી રહેલી નવી સોસાયટીઓ અને મકાનોની વસાહત. ત્યાં ડો. દર્શન શાહ નામના યુવાન ગાયનેકોલોજિસ્ટે પોતાનું નવું નર્સિંગહોમ શરૂ કર્યું. એક તો ઉત્સાહી યુવાન, વધુમાં સ્વભાવ પણ સારો અને સારવારની ફી મધ્યમવર્ગીય લોકોને પરવડે તેવી. એક વર્ષમાં જ પ્રેક્ટિસ જામી ગઇ. ડો. દર્શનનું પોતાનું રહેણાક અમદાવાદ શહેરમાં વચ્ચોવચ આવેલું. રોજ સવારે ચા-નાસ્તો કરીને નવેક વાગે ઘરેથી નીકળી જાય અને દસેક વાગે કન્સલ્ટિંગ શરૂ કરી દે. બપોરે બે વાગે લંચબ્રેકમાં ઘરે આવી, ભોજન કરી, એકાદ કલાક વામકુક્ષી માણીને પાછા નર્સિંગહોમમાં પહોંચી જાય. જે દિવસે દર્દીઓનો ધસારો વધારે હોય તે દિવસે લંચબ્રેક રદ કરવો પડે. ત્યારે ડોક્ટર ચા સાથે બિસ્કિટ ખાઇને ચલાવી લે. ધીમે ધીમે પ્રેક્ટિસ જામવા માંડી. લંચબ્રેક રદ કરવાના પ્રસંગો વધતા ગયા. રોજરોજ તો ચા-બિસ્કિટ કેમ ભાવે? એટલે ક્યારેક દાબેલી તો ક્યારેક વડાપાઉં મગાવવાનું ડોક્ટરે શરૂ કર્યું. આવી બધી ખાદ્ય વાનગીઓ કેવા માણસો દ્વારા, કેવા વાતાવરણમાં તૈયાર થતી હોય એ સામાન્ય પ્રજાજનોને પણ ખબર હોય છે. ડો. દર્શનને પેટની ગરબડ થવા લાગી. એમણે હવે આવું આચરકૂચર ખાવાને બદલે ભૂખ્યા રહેવાનો નિર્ણય લીધો. ડો. દર્શનના નર્સિંગહોમની બરાબર સામે એક મધ્યમવર્ગીય પરિવાર રહે. આધેડ વયના પુરુષનું નામ મધુકાંતભાઇ અને એમની પત્નીનું નામ કંચનબહેન. એક દીકરો, વહુ અને ચાર વર્ષનો એક પૌત્ર. બહુ શ્રીમંત નહીં અને સાવ ગરીબ પણ નહીં એવું કુટુંબ. ભલાઇ એમનો સ્વભાવ અને સંતોષ એ એમનો સંસ્કાર. કોઇની સાથે ઝઘડવાનું નહીં. બની શકે તો અજાણ્યાને પણ મદદરૂપ થવાની ભાવના. એક દિવસ કંચનબહેને ખુરશીમાં બેઠાં બેઠાં ખુલ્લાં બારણાંમાંથી રોડની પેલી બાજુએ આવેલા દવાખાનામાં ચાલતી ગતિવિધિની નોંધ લીધી. એ દિવસે સતત દર્દીઓ આવ્યે જતા હતા. કંચનબહેને જોયું કે ડોક્ટરને આજે જમવાનો સમય મળ્યો નથી. એમને દયા આવી ગઇ. પોતે નવરા જ બેઠાં હતાં. રસોડામાં જઇને ફટાફટ પંદર-વીસ પૂરી વણી નાખી. ત્યાં સુધીમાં બટાકા પણ બફાઇ ગયા. બપોરના ત્રણ વાગ્યા સુધીમાં પૂરી, બટાકાનું શાક અને તળેલાં મરચાં લઇને, જાતે ઢાંકેલી થાળી લઇને રસ્તો ઓળંગીને દવાખાનામાં જઇ પહોંચ્યાં. પટ્ટાવાળાને કહ્યું, ‘પંદરેક મિનિટ શાંતિ રાખજે. કોઇ દર્દીને અંદર મોકલતો નહીં.’ આટલું કહીને કંચનબહેન કન્સલ્ટિંગ રૂમમાં દાખલ થઇ ગયાં. એમને જોઇને ડો. દર્શનને આશ્ચર્ય થયું. આટલા મહિનાઓમાં ડોક્ટર એટલું તો જાણી ચૂક્યા હતા કે એમની સામેના મકાનમાં આ પરિવાર રહે છે, પણ અત્યાર સુધી ક્યારેય એમની સાથે વાતચીતનો સંબંધ બંધાયો ન હતો. સામે ઊભેલાં કંચનબહેન અને એમના હાથમાં રહેલી થાળી જોઇને ડોક્ટર ઘણુંબધું સમજી ગયા. એમણે પૂછ્યું, ‘શું લાવ્યાં છો, માસી? આજે ઘરમાં કંઇ પ્રસંગ છે કે શું?’ ‘ના રે બેટા.’ કંચનબહેને હસીને કહ્યું, ‘હું કેટલાક દિવસોથી જોઉં છું કે તમે જમવા માટે ઘરે જઇ શકતા નથી. જો ભૂખ્યા રહેવાનું હોય તો આટલું કમાવાનો શું અર્થ? આજે મારાથી રહેવાયું નહીં એટલે તમારા માટે પૂરી-શાક બનાવીને લાવી છું. સવારથી ખબર હોત તો પાકું ભોજન લઇ આવત. લો, જમી લો.’ ડો. દર્શન આનાકાની કરવા ઇચ્છતા હતા પણ કરી ન શક્યા. એક તો પેટમાં બોલતાં બિલાડાં અને એમાં ઢંકાયેલી થાળીમાંથી આવતી પૂરી-શાકની સોડમ. સૌથી વધુ તો માસીની આંખોમાંથી છલકાતો વાત્સલ્યભાવ. ડોક્ટરે થાળી લઇ લીધી. ટેબલ પર મૂકીને ભોજન પર તૂટી પડ્યા. બે જ વાનગીઓ હતી, પણ એમાં બત્રીસ વાનગીઓનો સ્વાદ સમાયેલો હતો. તળેલાં લીલાં મરચાંની તીખાશે મોઢામાં ધમધમાટ પ્રસરાવી દીધો. બાજુમાં રહેલા ફ્રિજમાંથી ઠંડાં પાણીની બોટલ કાઢીને અડધી ખાલી કરી નાખી. પરમ તૃપ્તિ થઇ ગઇ. ‘માસી, તમે ઘરે જાવ. આ થાળી-વાટકો સાફ કરીને ચંદુ આપી જશે.’ ડોક્ટરે વિવેક દર્શાવ્યો. કંચનમાસી માને તો ને? એમણે કહ્યું, ‘ચંદુને વાસણ ધોતાં શું આવડે? લાવો, હું લઇ જાવ. એટલા માટે તો હું ઊભી રહી છું.’ ડો. દર્શનને થયું કે આટલા પ્રેમાળ પડોશીને માત્ર થેન્ક યૂ કહીને જવા ન દેવાય. એમની આર્થિક સ્થિતિ સામાન્ય હતી એટલું તો ઘર જોઇને જ સમજી શકાતું હતું. ઘઉંનો લોટ, બટાકા, તેલ, મસાલા વગેરેનો હિસાબ કરીને ડોક્ટરે થોડી વધુ રકમ ટેબલના ડ્રોઅરમાંથી કાઢી, ‘લો, માસી. આ રાખો. તમારી મહેનતના નથી આપતો.’ કંચનબહેન ભડકી ઊઠ્યાં, ‘ના બેટા. તમારા માસાને ખબર પડે તો મારી નાંખે. પહેલું સગું પડોશી. મારા ઘરના સામે બારણે કોઇ ડોક્ટર ભૂખ્યો બેસી રહે અને અમે જોઇ રહીએ તો અમારા સંસ્કાર લાજે. હવે પછી જ્યારે જ્યારે તમારાથી ઘરે જવાય એવું ન હોય ત્યારે ચંદુને મોકલીને મને કહેવડાવી દેજો. સવારે અમારી રસોઇ બનાવીએ એની સાથે તમારા માટે પણ બનાવી આપીશ.’ આટલું કહીને કંચનમાસી ચાલ્યાં ગયાં. ચંદુએ માંડ ખાળી રાખેલી દર્દીઓની ભીડ ડોક્ટરના કન્સલ્ટિંગ રૂમમાં વારાફરતી દાખલ થવા લાગી. એ દિવસે ખૂબ કામ ચાલ્યું. સુવાવડો અને ઓપરેશન પતાવીને ડો. દર્શન ઘરે પહોંચ્યા ત્યારે રાતના અગિયાર વાગ્યા હતા. ડોક્ટરનો સંયુક્ત પરિવાર હતો. મમ્મી-પપ્પા, એમની પોતાની પત્ની અને ભાઇ-ભાભી બધાં હતાં. એ લોકો ચિંતા કરતા હતાં. દીકરો આખો દિવસ ખાધા વગરનો રહ્યો હશે એવું વિચારીને જીવ બાળતાં હતાં. ડો. દર્શને કંચનમાસીની વાત જણાવીને બધાંની ચિંતા દૂર કરી આપી. દર્શનના પપ્પા વ્યવહારુ હતા. એમણે સૂચન કર્યું, ‘બેટા! હવેથી તું રોજ બપોરનું જમવાનું કંચનમાસીના ઘરેથી જ મગાવી લેજે. છૂટક થાળીના પૈસા આપીએ તો સારું ન લાગે પણ આખા મહિનાના સામટા રૂપિયા જે થાય તે આપી દેજે.’ બીજા દિવસે ડો. દર્શને જતાવેંત ગાડીમાંથી ઊતરીને પહેલું કામ કંચનમાસીના ઘરે જવાનું કર્યું. બારણામાંથી જ કહી દીધું, ‘માસી, તમારા હાથની વાનગીનો સ્વાદ તમારા આ દીકરાની દાઢે વળગ્યો છે. હવે શું કરશો?’ કંચનમાસી સમજી ગયાં. એ દિવસથી નિત્ય ક્રમ બની ગયો. રોજ બપોરે એક વાગે ચંદુ ટિફિન લેવા આવી પહોંચે. જે ભોજન કંચનમાસીએ પોતાના પરિવાર માટે બનાવ્યું હોય એ જ ભોજન ડોક્ટરને મોકલી આપે. ડોક્ટરને તો મજા પડી ગઇ. ભેળસેળ વગરનું અનાજ, ચોખ્ખા હાથની રસોઇ, સ્વાદની સોડમ અને માતૃત્વનો વઘાર. આખો મહિનો પૂરો થવા આવ્યો ત્યાં સુધી ડોક્ટર તો એમ જ માનતા રહ્યા કે આપણે ક્યાં મફત જમીએ છીએ? મહિનો પૂરો થાય એટલે પૈસા આપી દઇશું. આ માન્યતા મહિનાના અંતે ખોટી પડી. કંચનબહેન અને મધુકાંતભાઇ બંનેએ ડોક્ટરને રીતસર ખખડાવી નાખ્યાં, ‘અમે કંઇ વીશી ચલાવીએ છીએ? પૈસા આપવા હોય તો કાલથી ટિફિન મોકલાવનું બંધ. રસ્તા પર દાબેલી અને વડાપાઉંની લારીઓ ઊભી જ હોય છે. મગાવીને ખાજો અને પેટ બગાડજો.’ એ દંપતીના કડક ઠપકામાં એટલી મીઠાશ સમાયેલી હતી કે ડોક્ટર વધુ કશું બોલી ન શક્યા. સિલસિલો ચાલુ રહ્યો. પણ ડોક્ટરના મનમાં સતત એક વિચાર સળવળતો રહેતો હતો કે આ પરિવારને બીજી કઇ રીતે મદદરૂપ થઇ શકાય? ડોક્ટર જાણતા હતા કે કંચનમાસીનો દીકરો સામાન્ય પગારની નોકરી કરતો હતો. ઘરખર્ચના બે છેડા માંડ પૂરા થતા હતા. આ પરિવારને બીજો કોઇ આર્થિક ટેકો મળી રહે એ પુણ્યનું કામ હતું. ડોક્ટરને ધીમે ધીમે દિશા સૂઝતી ગઇ. એમનું નર્સિંગહોમ દર્દીઓથી ભરેલું રહેતું હતું. ઘણી બહેનો તો દૂરથી આવતી હતી. એમના માટે ઘરેથી ટિફિન લઇ આવવું એ સોનાં કરતાં ઘડામણ મોંઘું એવી વાત હતી. ડોક્ટરે દર્દીઓનાં સગાંઓને સમજાવવાનું શરૂ કર્યું, ‘બે ટંકનું ભોજન લાવવા, લઇ જવા માટે દિવસના ચાર ચાર ધક્કાઓ શા માટે ખાવ છો? એના કરતાં સામે જ કંચનમાસી રહે છે. એમના ઘરેથી ટિફિન મગાવી લો ને!’ કંચનબહેનને ધંધો કરતા તો આવડ્યું જ નહીં. છ ડબ્બાનું મોટું ટિફિન માત્ર પચાસ રૂપિયામાં આપતાં રહ્યાં. રોજના સરેરાશ દસ ટિફિન બંધાઇ ગયાં. આજુબાજુમાં વાત ફેલાઇ ગઇ. એકલા રહીને ભણતાં છોકરા-છોકરીઓ પણ ટિફિન મંગાવવા લાગ્યાં. કામ એટલું બધું વધી ગયું કે કંચનમાસીએ રસોઇ બનાવવા માટે બે બાઇઓ રાખવી પડી. જે ટિફિનના નાખી દેતાંય નેવું કે સો રૂપિયા આપવા પડે એ ફક્ત પચાસ રૂપિયામાં મળતું હોય તો કોણ બાકી રહી જાય? એક નિસ્વાર્થભાવ સાથે આરંભાયેલા આ કાર્યનો બદલો કંચનમાસીને કેવો સુંદર રીતે ફળ્યો! દર મહિને દસેક હજાર રૂપિયા કંચનમાસી કમાઇ લે છે.⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...