ડોક્ટરની ડાયરી:મૌત તૂ એક કવિતા હૈ, મુઝસે એક કવિતા કા વાદા હૈ, મિલેગી મુઝકો

18 દિવસ પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક

દોસ્ત, હું ત્રણ-ત્રણ વાર મૃત્યુનો અનુભવ કરી ચૂક્યો છું. કાર્ડિયાક ડેથ થઈ ગયા પછી શું થાય છે તેનો મને જાત અનુભવ છે. આપણું મેડિકલ સાયન્સ આત્મા વિશે કશું જ જાણતું નથી. આપણી ટેક્સ્ટ બુક્સમાં શરીર-રચના અને તેની કાર્યપદ્ધતિ વિશે ઝીણી ઝીણી વિગત આપેલી હોય છે, પણ ક્યાંય, કોઈ પૃષ્ઠ પર, કોઈ એકાદ ફકરામાં એવું લખ્યું છે કે આત્મા શું છે અને એ ક્યાં રહે છે? હું તને કહી શકું છું આત્મા શું છે તે.’ ડો. પટેલ એવી વાતના પ્રદેશમાં મને લઈ જઈ રહ્યા હતા જેમાં મને વિશેષ રસ પડે છે. અમદાવાદના શહેરી વિસ્તારથી વીસેક કિલોમીટર દૂર આવેલું ફાર્મહાઉસ. લગભગ બે હજાર સ્ક્વેર યાર્ડ્ઝ એરિયામાં અડધા ભાગમાં ઊભેલો બે માળનો બંગલો અને બાકીના અડધા એરિયામાં બનાવેલો ગાર્ડન. લીંબુ, કેળાં અને ચીકુ જેવાં ફળાઉ વૃક્ષોની વચ્ચે પથરાયેલી લીલાછમ્મ ઘાસની લોનમાં પ્લાસ્ટિકની ખુરશીઓ મૂકીને અમે ગપ્પાં મારતાં બેઠાં હતાં. અમે એટલે હું, મારી પત્ની, મારા બેસ્ટ ફ્રેન્ડ ડો. ચૈતન્ય પટેલ અને એમનાં પત્ની ડો. ગીતા પટેલ. અમે ચારેય ગાયનેક ડોક્ટર્સ છીએ અને છેલ્લાં તેંતાળીસ વર્ષથી અંતરંગ મિત્રો છીએ. લગભગ ત્રણેક વર્ષ પહેલાં ચૈતન્યભાઈ માતર ગામ પાસે આવેલા એમના ખેતરમાં ગયા હતા. પટેલ ખરા ને, એટલે પત્ની કરતાં વધારે પ્રેમ એ ખેતરને કરે છે. (ગીતાબહેન, ગુસ્સે ન થતાં). રવિવારનો દિવસ હતો. અચાનક એમને અંદાઝ આવી ગયો કે એમને હાર્ટએટેક આવી રહ્યો છે. ફટાફટ કારમાં બેસી ગયા. ડ્રાઈવરને સૂચના આપી, ‘તારાથી જેટલી વધારે સ્પીડમાં કાર ચલાવી શકાય એટલી ઝડપે... પણ જોજે, કોઈની સાથે અકસ્માત ન કરી બેસતો. મારી પાસે વેડફવા માટે એક પણ સેકન્ડ નથી અને બચવા માટેના પ્રયત્નો કરવા માટે થોડીક જ મિનિટ્સ છે.’ માતરથી અમદાવાદ સુધીના પ્રવાસમાં ડો. ચૈતન્ય પટેલ છાતી પર હાથ મૂકીને બેસી ન રહ્યા. દસ-બાર મિત્રોને ફોન કોલ્સ કરી દીધા. સૌથી મહત્ત્વનો ફોન મણિનગરની જ એક કોર્પોરેટ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ મિત્ર ડો. મેહુલને કર્યો, ‘મેહુલ, હું આવું છું. તું હોસ્પિટલમાં પહોંચી જા. જો નસીબ સાથ આપશે તો હું જીવતો પહોંચીશ. તું કોઈ પણ પરિસ્થિતિને ‘મેનેજ’ કરવા માટે તૈયાર રહેજે.’ ટ્રાફિકના કારણે ડ્રાઈવર કારની સ્પીડ જાળવી શકતો ન હતો. ડો. ચૈતન્યભાઈએ કહ્યું, ‘તું બાજુની સીટ પર બેસી જા, સ્ટીયરિંગ હું સંભાળું છું.’ સામાન્ય સંજોગોમાં પણ ડો. ચૈતન્ય પટેલનું ડ્રાઈવિંગ ઝડપી, સલામત પણ મારા માટે ડરામણું હોય છે. અત્યારે તો એ મોતની સાથે સ્પર્ધા પર ઊતર્યા હતા. પવનની ગતિએ ગાડી ભગાવતા એ હોસ્પિટલે પહોંચ્યા. ટ્રોલી તૈયાર હતી. આઈ.સી.યુ. તૈયાર હતું. ડો. મેહુલભાઈએ એમને ટેબલ પર સૂવાડ્યા એ ક્ષણે જ ડો. ચૈતન્યભાઈના હૃદયે ધબકવાનું છોડી દીધું. એ પછી ડો. ચૈતન્ય પટેલ બચી ગયા એ વિશે મેં ‘ડો.ની ડાયરી’માં ત્રણેક વર્ષ પહેલાંના એક એપિસોડમાં લખ્યું હતું, પણ એ લેખમાં મેડિકલ સાયન્સ અને ટ્રીટમેન્ટની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આજની વાત નોખી છે અને અનોખી પણ છે. ડો. ચૈતન્યભાઈએ સ્વયં પોતાની એ સ્થિતિનું વર્ણન કર્યું જ્યારે તેમનું કાર્ડિયાક મૃત્યુ થઈ ગયું હતું. અને આવું એક વાર નહીં, પણ ત્રણ-ત્રણ વાર બન્યું હતું. નાથ સંપ્રદાયના સર્વશ્રેષ્ઠ સન્યાસી ગુરુ ગોરખનાથ કહી ગયા છે: ‘મરો રે જોગી, તુમ મરો.’ ઓશોએ તો એક પ્રવચનમાં રોજ રોજ મૃત્યુ પામવાની વાત કહી છે. ડો. મનુ કોઠારીએ પ્રત્યેક શ્વાસે અને ઉચ્છ્્વાસે જીવવા-મરવાની વાત સમજાવી છે. મનુષ્ય દરેક શ્વાસ સાથે જીવતો થાય છે અને દરેક ઉચ્છ્્વાસ સાથે મૃત્યુ પામે છે. માટે જ અંગ્રેજીમાં કહેવાય છે: ‘આઈ ઈન્સ્પાયર’ એટલે હું શ્વાસ લઉં છું. અને ઉચ્છ્્વાસ માટે કહેવાય છે કે ‘આઈ એક્સ્પાયર’ એટલે હું મૃત્યુ પામું છું! શ્વાસ મૂકવો અને મૃત્યુ પામવું આ બંને ક્રિયાઓ માટે એક જ ક્રિયાપદ છે. મણિનગર વિસ્તારના સિનિયર ફિઝિશિયન ડો. અનિલ રાવલ ડોક્ટર કરતાં અધ્યાત્મના સાધક વધારે છે. અનિલભાઈ મૃત્યુ વિશે કહે છે: ‘હું મૃત્યુ પર વિશ્વાસ કરું છું, કારણ કે મોત ક્યારેય કોઈને દગો આપતું નથી. જે દિવસે મારી માતાની કૂખમાં મારું ગર્ભાધાન થયું તે ક્ષણે જ મૃત્યુએ મને વચન આપ્યું હતું કે કોઈક નિર્ધારિત દિવસે એ અચૂક સમયસર આવશે જ. એ મને નવી જિંદગીની ભેટ આપવા માટે આવશે. એની આ ઉદારતા મને ગમે છે. મૃત્યુ પ્રામાણિક છે. મને જિંદગી પર વિશ્વાસ નથી, કારણ કે જિંદગીએ મને ક્યારેય મૃત્યુ વિશે જાણ નથી કરી. એણે મને અંધારામાં જ રાખ્યો છે. જીવન બદલાતું રહે છે, મોત નિશ્ચિત, અફર અને અટલ છે. મૃત્યુ માત્ર એક જ વાર આવે છે. દેહ જન્મતાંની સાથે જ દિન-પ્રતિદિન નાશ પામતું રહે છે. અંતે મૃત્યુ એ બીજું કંઈ નથી, પણ જીવનચક્રમાં બનતી એક ઘટના માત્ર છે.’ નવલકથાકાર સ્વ. ર.વ. દેસાઈ એમની એક પ્રખ્યાત નવલકથામાં એક પાત્રના મુખે આ સંવાદ બોલાવે છે: ‘મૃત્યુ એટલે જીવનરૂપી ઝૂલાનું અટકસ્થાન.’ મૃત્યુ પામ્યા પછી પાછાં ફરેલાં કેટલાંક સ્ત્રી-પુરુષોના અનુભવોની વાતો મેં અને તમે અનેકવાર વાંચેલી છે. પશ્ચિમના લોકોએ મોટાભાગના કિસ્સાઓમાં શરીરને છોડી દીધાં પછી એક લાંબી, અંધારી ટનલમાંથી પસાર થવાનો સ્વાનુભવ વર્ણવ્યો છે જે ટનલના બીજા છેડા પર દિવ્ય પ્રકાશ હોવાની વાત કરી છે. હું પ્રકૃતિએ રહસ્યવાદી છું. મને મિસ્ટિસિઝમ હંમેશાં આકર્ષે છે. જેટલો રસ મને જીવાતી જિંદગીમાં પડે છે એટલો જ રસ મૃત્યુ પછીના જીવનમાં પડે છે. આસ્તિક હિંદુ હોવાના નાતે મને મૃત્યુ પછી આત્માના અવિનાશીપણામાં, એના લાંબા પ્રવાસમાં, વચ્ચે આવતી વૈતરણી પાર કરવાની વાતમાં, ચિત્રગુપ્તના ચોપડામાં, પાપ-પુણ્યના ઉધાર-જમા ખાતામાં અને એના આધાર પર લેવાતા નર્ક-સ્વર્ગના ફેંસલા પર પૂર્ણ શ્રદ્ધા છે. માટે જ મને મૃત્યુ પછીનો ઘટનાક્રમ આકર્ષે છે. દાયકાઓ પૂર્વે ઉત્તર ગુજરાતના એક ગામડામાં બનેલી ઘટના મને યાદ રહી ગઈ છે. ગામના એક આધેડ પુરુષનું મૃત્યુ થયું. ગામલોકો એને સ્મશાનમાં અગ્નિદાહ આપવા માટે લઈ ગયા. ચિતા પર સૂવાડ્યો. અચાનક એ પુરુષ બેઠો થયો. નાસભાગ મચી ગઈ. પછીથી એણે જે વર્ણન કર્યું એમાં યમરાજ, પાડો, યમદૂતો, ચિત્રગુપ્ત આ બધાંનું બયાન હતું. ચોપડો વાંચીને યમરાજ ત્રાડૂક્યા, ‘તમે આને ક્યાં ઉઠાવી લાવ્યા? આની આવરદા તો બાકી છે. જાવ, આને પાછો મૂકી આવો અને બાજુના ગામમાં આ જ નામ ધરાવતો બીજો વૃદ્ધ રહે છે એને લઈ આવો.’ ગામલોકોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે જે ક્ષણે ચિતા પરથી આ માણસ બેઠો થયો એ જ સમયે બાજુના ગામમાં એ જ નામ ધરાવતો બીજો એક વૃદ્ધ પુરુષ મૃત્યુ પામ્યો હતો. ગુજરાતના એક અતિ સમર્થ નવલકથાકારે આ સત્ય ઘટના પર આધારિત નવલકથા લખી હતી જે વાંચ્યાનું મને યાદ છે. લેખક કદાચ સ્વ. પન્નાલાલ પટેલ હતા. ભૂલચૂક માફ! આ બધી વાંચેલી, સાંભળેલી અને અનેક હોઠો પર ઘૂમી-ફરીને આવેલી વાતો હતી. એમાં સત્યનું પ્રમાણ કદાચ ખીચડીમાં જેટલું મીઠું હોય છે એટલું પણ હોઈ શકે. પણ અત્યારે મારી આંખો સામે, મારો એક કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ મિત્ર હાજર હતો જેને હું તેંતાળીસ વર્ષથી ઓળખું છું, જે અંધશ્રદ્ધામાં લેશમાત્ર રહ્યો નથી, જેણે ક્યારેય કોઈ વિષય પર કપોળકલ્પિત વાત કરી નથી, જે તંદુરસ્ત હોવાની સાથે સાથે મનદુરસ્ત પણ રહ્યો છે અને જેની દરેક વાતને હું આધારભૂત માની શકું છું. મૃત્યુ પછીના ઘટનાક્રમ વિશે એ શું કહે છે એ સાંભળ‌વામાં મને રસ પડ્યો. ડો. ચૈતન્યભાઈ પોતાનો અનુભવ જણાવતા હતા: ‘ડો. મેહુલભાઈએ મને ટેબલ ઉપર સૂવાડ્યો એ પછીનું કશું જ મને ભાનમાં નથી. હું હૃદયથી મૃત્યુ પામ્યો હતો, પણ મને હજુ સુધી સંભળાતું હતું. ડો. મેહુલે સ્ટાફને કહ્યું, ‘હી ઈઝ ગોન. જલ્દી કરો. ડીફિબ્રિલેટર લાવો. એના હાર્ટ પર ઈલેક્ટ્રિક કરન્ટ આપવો પડશે. એ પછી થોડી વારે હું ભાનમાં આવ્યો ત્યારે ડો. મેહુલભાઈ મારા ચહેરા પર ઝૂકેલા હતા એ દૃશ્ય મેં જોયું. મને સી.પી.આર. (કાર્ડિયો પ્લમોનરી રિ-સક્સીટેશન) આપવામાં આવ્યું હશે એવું મને સમજાયું. એ પછી બીજા દિવસે મને સ્ટેન્ટ મૂકવામાં આવ્યો ત્યારે પણ બે-બે વાર મારું હાર્ટ બંધ પડી ગયું હતું. ત્યાં હાજર સહુએ સ્વીકારી લીધું હતું કે હું ગયો, હું એમની વાતો પણ થોડી વાર સુધી સાંભળી શકતો હતો. પછી મને કંઈ ખબર ન રહી.’ ડો. ચૈતન્ય પટેલ હવે રસ પડે તેવું તારણ કાઢે છે: ‘જ્યારે મારું કાર્ડિયાક એરેસ્ટ થયું ત્યારે પણ મારી અંદર રહેલો આત્મા મારા શરીરને છોડીને ક્યાંય ચાલ્યો ગયો ન હતો, એટલે જ હું ડોક્ટરની વાતો સાંભળી શક્યો હતો. હું પાછો ફર્યો એનું કારણ પણ એ જ હતું કે મારો આત્મા હજુ હાજર હતો. હૃદયનું બંધ પડવું અને દર્દીનું પુનર્જીવિત થવું એ બે ઘટના વચ્ચેનો સમય જ સહુથી વધારે મહત્ત્વનો છે. જો આત્મા દેહ છોડીને ચાલ્યો જાય તો દર્દી ગમે એટલી કોશિશો પછી પણ ભાનમાં આવતો નથી. મેડિકલ સાયન્સ ક્યાંય આત્મા વિશે વાત નથી કરતું પણ મેં મારા અાત્માને અનુભવ્યો છે. બીજી એક અનુભૂતિ જણાવું? જે ક્ષણે શરીરનું મૃત્યુ થાય છે તે ક્ષણે સંપૂર્ણ શાંતિ પ્રસરી જાય છે. મૃત્યુના પ્રદેશમાં એટલું સારું લાગે છે, જાણે ધમધમાટ કરતો મોટો સ્ટવ અચાનક બંધ થઈ જાય ત્યારે કેવો સન્નાટો છવાઈ જાય છે એવી જ શાંતિ મેં અનુભવી છે! શરદ, મૃત્યુથી ડરવા જેવું નથી.’⬛ શીર્ષકપંક્તિ : ગુલઝાર drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...