તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયન્સ અફેર્સ:માનવજાતિનો અંત ગાણિતિક સંભાવના

નિમિતા શેઠ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વસ્તીવધારો જ માનવને લુપ્ત થવા તરફ લઈ જશે એ શક્યતા નકારી શકાતી નથી

‘વોલન્ટરી હ્યુમન એક્સટિંક્શન મૂવમેન્ટ (VHEM)’ નામક પર્યાવરણવાદી જૂથ માને છે કે, પૃથ્વીને માનવજાતિ દ્વારા થતાં નુકસાનથી બચાવવાનો એક જ ઉપાય છે. માનવે વસ્તી વધારવાનું બંધ કરીને સ્વૈચ્છિક રીતે લુપ્ત થઈ જવું જોઈએ. કુલ માનવસંખ્યા આશરે 8 અબજ છે. 1.1%ના દરે વધી રહેલી વસ્તી દર વર્ષે આ સંખ્યામાં 8.3 કરોડનો વધારો કરે છે. VHEMની ચળવળને લોકો હસી કાઢે છે, પણ એને સારો પ્રતિસાદ મળે તોય નજીકનાં ભવિષ્યમાં સફળતાની કોઈ શક્યતા નથી. જોકે, માનવ માટે વસ્તીવધારા અને લુપ્ત થવા વચ્ચેનો સંબંધ જટિલ છે. એક તરફ, વસ્તીવધારો જ માનવને લુપ્ત થવા તરફ લઈ જશે એ શક્યતા નકારી શકાતી નથી. તો બીજી તરફ, ધારો કે કોઈ ઘટનામાં 99% વસ્તી નાશ પામે, તો પણ બચેલાં 1%ની સંખ્યા કરોડોમાં હોય, જે ફરીથી પૃથ્વી પર માનવ મહેરામણ ઊભું કરી શકે. ફક્ત ગણિતની નજરથી જોવામાં આવે તો માનવજાતિનો અંત નજીક છે. કયામતના દિવસની દલીલ (Doomsday Argument) તરીકે પ્રસિદ્ધ આ ગણતરી ગળે ઊતારવી મુશ્કેલ છે, પણ બિલકુલ તાર્કિક છે. આપણે સમજવા પ્રયત્ન કરીએ. ધારો કે, એક મોટા ડબ્બામાં અમુક સંખ્યામાં લખોટીઓ છે. માત્ર 10 લખોટી પણ હોઈ શકે અથવા 10 લાખ લખોટી પણ હોઈ શકે. લખોટીઓની સંખ્યા આપણને નથી ખબર. દરેક લખોટી પર તેનો ક્રમાંક (નંબર) લખેલો છે. હવે તમે ડબ્બામાં હાથ નાખીને યાદચ્છિક રીતે એક લખોટી કાઢો છો, જેના પર ક્રમાંક 7 લખેલું છે. તો ડબ્બામાં 10 લખોટી હોવાની સંભાવના વધુ કહેવાય કે 10 લાખ લખોટી હોવાની સંભાવના વધુ? અલબત્ત, ફક્ત 10 લખોટી હોય તેની સંભાવના વધુ છે. 10 લાખ લખોટીઓમાંથી 7 નંબરની લખોટી હાથમાં આવે તેવું ભાગ્યે જ બને. બસ, માણસની સરખામણી લખોટીઓ સાથે કરવાની છે. માની લો કે, પૃથ્વી પર તમારી પહેલાં આશરે 70 અબજ લોકો જન્મી ચૂક્યાં છે. મતલબ કે, માનવજાતિ અસ્તિત્વમાં આવ્યા પછી તમે 70 અબજમાં નંબરે જન્મ્યાં છો. તો પૃથ્વી ઉપર કુલ જેટલા માણસો જન્મ લેવાના છે એની સંખ્યા 100-125 અબજ હોવાની શક્યતા વધુ કહેવાય કે અબજોના અબજ હોવાની શક્યતા વધુ કહેવાય? લખોટીનાં ઉદાહરણ પ્રમાણે જોઈએ તો તમારા જન્મ પછી બીજા 70 અબજ માણસો જન્મે તેની શક્યતા 50% છે અને કરોડો અબજ માણસ જન્મે તેની શક્યતા નહીંવત્ છે. ટૂંકમાં, આ સમય માનવ ઈતિહાસની શરૂઆતનો સમય હોય તેવી શક્યતા નથી, અંત ભાગથી નજીકનો સમય હોય તેવી ઘણી શક્યતા છે. માનવજાતિ (Homo Sapiens) અસ્તિત્વમાં આવ્યા પછી 1000 નંબરના માણસે, કે જેને માનવ ઈતિહાસની શરૂઆતનો વ્યક્તિ કહી શકાય, જો Doomsday Argumentની ગણતરી લાગુ પાડી હોત તો તેના હિસાબે માનવજાતિ પાંચ-દસ હજારની વસ્તી બાદ સમાપ્ત થઈ ગઈ હોત. હકીકતમાં અત્યારે પૃથ્વી પર આપણે અબજોની સંખ્યામાં છીએ. કદાચ માનવજાતિ અબજો વર્ષ જીવવા બનેલી છે? ⬛ nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...