મેંદી રંગ લાગ્યો:માતા સોળે સરાદ નવે નોરતાં રે

13 દિવસ પહેલાલેખક: નીલેશ પંડ્યા
  • કૉપી લિંક

માતા સોળે સરાદ નવે નોરતાં રે, માતા વીસ વજૈયા દિવાળી રે, ભવાની ખેલે નોરતાં રે, માતા ચકલે ચકલે નાખો અમીછાંટ રે, ભવાની ખેલે નોરતાં રે...

માતા કિયો ભાઈ તમારી સેવા કરે રે, માતા કઈ વહુ લાગે તમારે પાય, ભવાની ખેલે નોરતાં રે. માતા સોળે સરાદ...

માતા ...ભાઈ તમારી સેવા કરે રે, માતા ...વહુ લાગે તમારે પાય, ભવાની ખેલે નોરતાં રે. માતા સોળે સરાદ...

માતા પાય પડામણ વહુને બેટડો રે, માતા અખંડ એવાતણ હોય, ભવાની ખેલે નોરતાં રે. માતા સોળે સરાદ... નવરાત્રિ એટલે માઈભક્તોનું ‘સ્પિરિચ્યુઅલ સેલિબ્રેશન’ પણ ડિસ્કો ગરબાપ્રેમીઓ માટે હવે એ એન્થુસિયાઝમ અને ફિઝિકલ એક્સરસાઈઝ બની ગઈ કેમકે અડધી રાત સુધી મિત્રમંડળ સંગાથે રાસ લઈને પરસેવો પાડવામાં અને પછી બજારમાં મનભાવન નાસ્તામાં તેમને આનંદ આવે છે. સમય સાથે બધે જ બદલાવ આવ્યો ને હજુ આવતો રહેશે એટલે એની ટીકાટિપ્પણ કરવી નિરર્થક છે. કોઈના કહેવાથી સામાજિક બદલાવ આવતો નથી કે થંભી જતો નથી એ તો સમયના ચક્ર સાથે જોડાયેલું સહજ પરિવર્તન ગણાય. રાસડાનું પ્રાણતત્ત્વ ગીત હતું, આજેય છે પણ એમાંય પરિવર્તનની ત્સુનામી આવી છે. આજે રાસગરબામાં હિન્દી આલ્બમગીતો-ફિલ્મગીતો, સુગમ સંગીતની સાથે ભેળપુરી જેવાં ગીતો પણ ગવાય છે. એક સમયે માતાજીના અસલ ગરબા અને આપણાં પરંપરાગત લોકગીતો જ નવરાત્રિમાં ગવાતાં હતાં આજે એનું ગાયન ઘટ્યું છે, કારણ કે નવી પેઢી નવાં નવાં સ્ટેપ પર રાસ લેવાનું શીખી રહી છે, જેમાં આધુનિક સંગીત જ વધુ ઉપયુક્ત રહે છે; અમુક સ્ટેપ્સમાં લોકગીતો અનફિટ છે એ કોઈએ પણ સ્વીકારવું પડે એવું સનાતન સત્ય છે. ‘માતા સોળે સરાદ નવે નોરતાં રે...’ ભાવભરપૂર ગરબો છે. નવરાત્રિ દરમિયાન લાકડાની માંડવી અર્થાત્ નાનકડા મંદિરમાં જગત જનનીની મૂર્તિ કે છબી પધરાવીને મા ભવાનીને વિનવણી કરતું મહિલાઓનું વૃંદ ગાય છે કે, હે મા! શ્રાદ્ધપક્ષના સોળ દિવસ વીતી ગયા ને હવે નવ નોરતાં આવ્યાં, વીસ દિવસ પછી દિવાળીની પર્વશ્રુંખલા આવી રહી છે ત્યારે અમારાં આંગણે રમવા પધારો! જે જે ચોકમાં માંડવી મુકાઈ છે, ગરબી-ગરબા ગવાય છે, તમને વિનવણી થાય છે, તમારા ભક્તો કાલાંવાલાં કરે છે ત્યાં તમે પાવન પગલાં કરીને તમારી કૃપાદૃષ્ટિની અમીછાંટ નાખજો! હે મા! જે પુરુષ તમારી આરાધના કરે અને એની પત્ની તમને શ્રદ્ધાથી પાયલાગણ કરે એને સારો દિવસ દેખાડજો, મતલબ કે એ નિ:સંતાન હોય તો એને ઘેર પુત્ર અવતરણ થાય એવી કામના કરવામાં આવી છે. આજે ભલે આપણે દીકરો-દીકરી સમાન એવું બોલીએ પણ મનના ઊંડા ખૂણે પુત્રેષ્ણા ધરબાયેલી હોય જ છે, જે કોઈ પાસે આશીર્વાદ માગતી વેળાએ પ્રગટ થાય છે. માતાજીનું શ્રદ્ધાથી પૂજનઅર્ચન કરનાર દંપતી માટે ‘અખંડ એવાતણ’ એટલે કે બન્નેને અખંડ સૌભાગ્ય આપજો એવી પણ કામના કરવામાં આવી છે. મોટેભાગે સ્ત્રીઓ માટે અખંડ સૌભાગ્યવતીની મનોકામના વ્યક્ત થતી હોય છે પણ આ ગરબામાં પતિ-પત્ની બન્ને માટે અખંડ સૌભાગ્યની યાચના થઈ છે! મૂળત: આ ગરબો સૌરાષ્ટ્રમાં નહીં પણ ગુજરાતમાં ગવાતો હશે કેમકે એમાં પ્રયોજાયેલા શબ્દ ‘ચકલે ચકલે’ શબ્દ પરથી આ તારણ નીકળે છે. સૌરાષ્ટ્રમાં ચાર રસ્તા ભેગા થતા હોય એને માટે ચોક, ચોગાન જેવા શબ્દપ્રયોગ થાય છે જ્યારે ગુજરાતમાં ‘ચકલો’ શબ્દ વપરાય છે. ⬛ nilesh_pandya23@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...