તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાં ગોળીબાર:માસ્કઃ એક હળવો-લલિત નિબંધ

મન્નુ શેખચલ્લી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર જે આંકડા જાહેર કરે છે, તેને પણ સો ગળણે ચાળીને જ સ્વીકારવા જોઇએ

હળવા લલિત-નિબંધની બે-ત્રણ શરતો હોય છે. એક, તે વાંચવામાં કે સમજવામાં જરાય ‘હલકો’ ન હોવો જોઇએ. બલ્કે, જરા ‘ભારે’ હોવો જોઇએ. બે, તેમાં સીધાસાદા શબ્દોને બદલે ભારેખમ અને સંસ્કૃત જેવા શબ્દો વાપરવાનાં હોય છે અને ત્રણ, એમાં જેના વિશે લખતાં હોઇએ તેનું નામ લગભગ દર ત્રીજા વાક્યે આવતું જ હોવું જોઇએ, ઓકે? તો શરૂ કરીએ?... માસ્ક આજકાલ એક એવા ‘થ્રી-ટાયર’ વસ્ત્રને કહેવામાં આવે છે જે માણસના નાક, મોં તથા દાઢીને છુપાવીને નરી આંખે ન જોઇ શકાય તેવાં કોઇ ખતરનાક, જાનલેવા તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ-પ્રાપ્ત જીવાણુઓ સામે રક્ષણ આપવાનો ભ્રમ પેદા કરે છે. (આવું લાંબુ વાક્ય શરૂઆતમાં જ લખવું પડે.) પૌરાણિક કથાઓમાં તથા નાટ્યજગતનાં માસ્કનો મૂળ અર્થ ‘મહોરું’ થાય છે. કોઇ ફિલસૂફે કહ્યું છે કે માણસ-માત્ર એક મહોરું લઇને જન્મે છે, તો વળી મહોરાં ઉપર મહોરું ચડાવવાનો શો અર્થ? (આવું ફિલોસોફિકલ હાસ્ય પણ પીરસવું પડે.) એક જમાનામાં બીજાની સંપત્તિ લૂંટી લેનારા ડાકુઓ તથા બહારવટિયાઓ મોંઢે બુકાની બાંધીને નીકળતા. ત્યાર બાદના જમાનામાં શહેરની યુવતીઓએ બુકાની બાંધીને સ્કૂટી ઉપર નીકળી પડવાનું ચાલુ કર્યું. કહેવાય છે કે આ યુવતીઓ યુવકોના દિલ લૂંટવા માટે નીકળતી હતી. હાલમાં સ્થિતિ એ છે કે ડોક્ટરો તથા નર્સો માત્ર માસ્ક જ નહીં, પરંતુ પૂરેપૂરી પીપીઇ કિટ પહેરીને દર્દીનાં સગાંવહાલાંઓને લૂંટવા માટેની ગેંગ બનાવી રહ્યા છે. માસ્કથી અડધો ચહેરો ઢંકાયેલો રહે છે, પરંતુ નેતાઓ ખુલ્લે ચહેરે ફરતા હોવા છતાં પ્રજા તેમનો અસલી ચહેરો કદી ઓળખી શકતી નથી. (આમાં હસવા જેવું કશું જ નથી છતાં હળવા હાસ્ય-નિબંધમાં આવું બધું ગોળગોળ જ લખવાનું હોય.) આપણા પૂર્વજો કહી ગયા હતા કે દરેક વાતને સો ગળણે ગાળીને પછી જ સ્વીકારવી જોઇએ, પરંતુ સામાન્ય માસ્કમાં તો માત્ર ત્રણ જ ગળણાં હોય છે. શું ત્રણ ગળણે ગાળવાથી વિષાણુઓ ‘ગળાઇ’ જાય? પછી ગળાયા વિના જ ગળામાં ‘ગળાઇ’ જાય? (જોયું? આને કહેવાય ચમકારો!) અમને તો શંકા છે કે સરકાર જે આંકડા જાહેર કરે છે, તેને પણ સો ગળણે ચાળીને જ સ્વીકારવા જોઇએ. પરંતુ એવા સો ગળણીધારી માસ્ક મળે છે જ ક્યાં? (આહા! બીજો ચમકારો!) આજે તો ચેનલે-ચેનલે ગળણીઓ પણ જુદા જુદા પ્રકારની થઇ ગઇ છે. સત્યને કેટલા ગળણે ગાળવાથી સત્યનું સત્વ પામી શકાય? તે સમજવા માટે માસ્કને સમજવું જોઇએ. તેવું કોઇ ફિલસૂફ કહી ગયા છે, પરંતુ માસ્કને સમજવા માટેની કોઇ ગાઇડો મળતી નથી અને ગૂગલમાં માસ્ક ટાઇપ કરીએ તો, સીધીસાદી લંબચોરસ ઝાંખા આસમાની કલરની આકૃતિ જ બતાવે છે. જેની આજુબાજુ બે કૌંસ જેવી દેખાતી દોરીઓ વળગેલી હોય છે. (આ બધું આમ તો ભારે છે, પણ એટલે જ તેને હળવું હાસ્ય કહેવાય છે.) માસ્કને કારણે આજે બિચારો માનવી બે કૌંસ વચ્ચે ફસાઇ ગયો છે. પહેલાં આપણું માથું બે કાન વચ્ચે હતું. હવે આપણા બે કાન બે કૌંસ પકડવાની ડ્યૂટીમાં લાગી ગયા છે. કાનને હંમેશાં બીજાં અંગોની નબળાઇની જ સજા ભોગવવી પડી છે. અગાઉ આંખો નબળી પડે તો કાનને ચશ્માંનો ભાર વેંઢારવો પડતો હતો. બાળપણમાં હાથ-પગ મારામારી કરે તો પણ શિક્ષક કાનને મચડી નાખતા હતા. આજે પ્રેમિકાને મનાવવા માટે પ્રેમી પોતાના કાન પકડતો થઈ ગયો છે અને પત્ની પોતાના પતિની કોઇ પણ ભૂલ વિના તેને શાબ્દિક રીતે કાન પકડાવે છે તે પણ શાબ્દિક ચાબખાના જોરે, જે સાંભળવા પડે છે તો બિચારા કાને જ! (આને ‘વિષયાંતર’ કહેવાય! વાત માસ્કની ભલે ચાલતી હોય પરંતુ ચાલતી ગાડીમાં કાનને બેસાડી જ દેવાના હોય. આમાં આગળ જતાં તમે હોઠ, દાઢી, નાક, ગળું વગેરેને ઘસડી લાવો તોય બધું હળવું જ કહેવાશે.) અંતે એટલું જ કહીશ કે માણસમાત્રએ કેટલા શ્વાસ લેવાના છે, તે તો અગાઉથી લખાઇને જ આવે છે, પરંતુ તેમાંથી કેટલા શ્વાસ માસ્ક ગળણાં વડે લેવાનાં છે તેની કોઇ સ્પષ્ટતા વિધાતાએ કેમ કરી નથી? જો મારું મૃત્યુ અધૂરા શ્વાસે કે ખસેલા માસ્કે થાય તો આ પ્રશ્ન મારે ચિત્રગુપ્તને પૂછવો છે. તમારે બીજું કંઇ પૂછાવવું હોય તો આ ઇ-મેઇલ આઇડી પર લખી મોકલજો. ઓકે? ⬛ mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...