અગોચર પડછાયા:ઘણાં લોકોને લિફ્ટમાં એ ભૂત દેખાયું હતું!

જગદીશ મેકવાન22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એ બધાંને એવું સમજાવવાની કોશિશ કરવા લાગ્યો કે એ જે કંઈ કરી રહ્યો છે, એ જાતે નથી કરી રહ્યો, પણ પેલી છોકરી એની પાસે આ બધું કરાવી રહી છે

સુકેતુ હાઈટ્સની લિફ્ટનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો, કેમ કે એમાં ગેબી ઘટનાઓ ઘટી રહી હતી. ઘણાં લોકોને લિફ્ટમાં ભૂત દેખાયું હતું. ચાર મહિના પહેલાં પાંચમાં ફ્લોર પર રહેતી ધારા નામની યુવતીએ એ લિફ્ટમાં અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી હતી અને પછી એ યુવતી ભૂત થઈ હતી. એ યુવતીએ કયા કારણોસર પોતાની જાતને સળગાવીને આત્મહત્યા કરી હતી, એ વાત એક રહસ્ય હતી. લોકો વાતો કરતા હતાં કે પિતાના ખરાબ સ્વભાવથી કંટાળીને ધારાએ આત્મહત્યા કરી હશે. એના પિતા ખૂબ જ સંકુચિત મનોવૃત્તિના હતા. પોતાની પત્ની અને દીકરી પર હંમેશાં શંકા કર્યા કરતા. એમનો સ્વભાવ પણ ઘણો ઉગ્ર હતો. એક વાર ધારાને કોઈ છોકરાએ પ્રપોઝ કર્યું તો એના પિતાએ એ વાતનો ગુસ્સો ધારાની મમ્મી પર કાઢ્યો. એમના મત મુજબ ધારાની મમ્મી, ધારાને સંસ્કાર આપવામાં ઊણી ઊતરી હતી. ધારા પોતાના પિતાથી એ હદે બીતી કે કોઈ એની છેડતી કરે તો પણ એ વાત ઘરમાં જણાવવાની એની હિંમત ન હતી. નવી લિફ્ટનું કામ હજી ચાલુ જ થયું હતું અને અચાનક એક દિવસ મેડિકલ ઈમર્જન્સી આવી પડી. ચોથા ફ્લોર પર રહેતા પંચાવન વર્ષના મહેશ નામના માણસને હોસ્પિટલ ભેગો કરવો પડે એવી સ્થિતી ઊભી થઈ. 108 આવી. જ્યારથી ધારાએ એ લિફ્ટમાં આત્મહત્યા કરી હતી ત્યારથી બીકના માર્યા મહેશે એ લિફ્ટનો આજ સુધી ઉપયોગ કર્યો ન હતો. એ હંમેશાં દાદરનો જ ઉપયોગ કરતો, પણ એની ગંભીર પરિસ્થિતિ જોતાં એ સમય પૂરતી લિફ્ટ ચાલુ કરવાનું નક્કી કરવામાં આવ્યું. મહેશની પત્ની અને દીકરો એને લઈને લિફ્ટમાં પ્રવેશ્યાં. બાકીનાં બધાં અધ્ધર જીવે નીચે ઊભાં રહ્યાં. લિફ્ટ આવી. એ કુટુંબ બહાર નીકળ્યું, પણ ગંભીર રીતે બીમાર મહેશ તો એકદમ સાજો થઈ ગયો હોય એવું વર્તન કરવા લાગ્યો. છતાંયે એને હોસ્પિટલ તો લઈ જ જવામાં આવ્યો. ત્યાંના ડોક્ટરે પણ ચેકઅપ કરીને એમ જ કહ્યું કે બધું બરાબર છે. ધીમે-ધીમે બધાંએ એ લિફ્ટનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું, પણ મહેશના સ્વભાવમાં મોટો ફેરફાર આવી ગયો. એકવાર એણે ગાર્ડનમાં યોગ કરી રહેલી સ્ત્રીઓ સામે પોતાનું પેન્ટ કાઢી નાખ્યું. પછી તો બધાંએ ભેગાં થઈને એને બરાબર માર્યો. બે-ચાર દિવસ પછી મહેશે રોડ પરથી પસાર થતી એક સ્ત્રીની છેડતી કરી. આ વખતે તો પબ્લિકે એને ઢોર માર મારીને પોલીસને હવાલે કરી દીધો. એ બધાંને એવું સમજાવવાની કોશિશ કરવા લાગ્યો કે એ જે કંઈ કરી રહ્યો છે, એ જાતે નથી કરી રહ્યો. એના શરીરમાં લિફ્ટમાં સળગીને મરી ગયેલી ધારા નામની છોકરી ઘૂસી છે અને એ છોકરી એની પાસે આ બધું કરાવી રહી છે, પણ બધાંને લાગ્યું કે પોતાની ગંદી હરકતોનો દોષ એ ધારાના માથે ઢોળી રહ્યો છે. ધીમે ધીમે એનું વર્તન ગાંડા જેવું થવા લાગ્યું. એકવાર એ પથારીમાં બેવડ વળી ગયો. એની જીભ બહાર લટકી પડી. આંખોના ડોળા બહાર આવી ગયા. ચામડીનો રંગ લીલો થઈ ગયો અને એ સ્ત્રીના અવાજમાં લવારો કરવા લાગ્યો. પછી એવી રીતે જ બેવડ વળીને ઘરમાં બધાંની પાછળ દોડી દોડીને બધાંને મારવા લાગ્યો. પછી ખૂણામાં ભરાઈને રડવા લાગ્યો. એની એવી હાલત જોઈને કુટુંબીજનો ખૂબ જ ગભરાઈ ગયાં. એમને ખ્યાલ આવી ગયો કે મહેશના શરીરમાં કોઈ ભૂતનો વાસ છે. બીજે દિવસે સુકેતુ હાઈટ્સના કોમન પ્લોટમાં મહેશે ધાંધલ મચાવી. બધાં ભેગાં થયાં. એટલે મહેશે સ્ત્રીના અવાજમાં ચીસો પાડી પાડીને બોલવાનું ચાલુ કર્યું, ‘આ મહેશીયાને લીધે જ હું લિફ્ટમાં સળગી ગઈ હતી.’ એનો અવાજ સાંભળીને બધાં જ ચોંકી ઊઠ્યાં. એ ધારાનો અવાજ હતો. મહેશે ધારાના અવાજમાં રડતાં રડતાં કહ્યું, ‘અમારા અને આ મહેશીયાનાં ઘર વચ્ચે સારા સબંધો હતા. એક વાર હું મહેશીયાના ઘરે ગઈ હતી. મારે એના છોકરાનું કામ હતું. એ જે કોલેજમાં ભણે છે, એને લગતી માહિતી જોઈતી હતી. આ મહેશીયાએ મને સોફ્ટ ડ્રિંક પીવા આપ્યું. એમાં એણે કોઈ દવા ભેળવેલી હતી. એના લીધે હું ઘેનમાં સરી પડી અને એણે મારા ઉપર બળાત્કાર કર્યો અને એનો વિડીયો પણ બનાવ્યો. પછી તો એ વિડીયોને કારણે મને બ્લેકમેઈલ કરવાનો અને બળાત્કાર પર બળાત્કાર ગુજારવાનો સિલસિલો ચાલુ થયો. હું એનાથી કંટાળી ગઈ હતી. એ જ સમયે મને ખબર પડી કે હું ગર્ભવતી છું. મારા બાપને આ વાતની ખબર પડે તો એ મારી મમ્મીને મારી નાખે. એટલે મેં લિફ્ટમાં સળગીને આત્મહત્યા કરી લીધી.’ આ સાંભળતાં જ ધારાની મમ્મી આઘાતથી બેહોશ થઈ ગઈ અને પિતા મહેશ પર તૂટી પડ્યા, પણ મહેશ ધારાના પિતાનો કોલર પકડીને ધારાના સ્વરમાં જોરથી ચિલ્લાયો, ‘તમે પણ મારા મોત માટે મહેશીયા જેટલા જ જવાબદાર છો. હું જન્મી અને તમે બાપ બની ગયા, પણ તમે ક્યારેય સાચા અર્થમાં બાપ ના બની શક્યા.’ ધારાનો બાપ સ્તબ્ધ બની ગયો. એને હડસેલીને મહેશ નાઠો અને લિફ્ટમાં ભરાઈ ગયો. તેણે લિફ્ટને ઉપર લઈ જવાનું બટન દબાવી દીધું. બધાં દાદર ચડીને ઉપર દોડ્યાં. પાંચમા ફ્લોર પર લિફ્ટ અટકી. લિફ્ટનો દરવાજો ખૂલ્યો. અંદર મહેશ ભડ-ભડ સળગી રહ્યો હતો. એના શરીરમાંથી ધારાનો આત્મા પ્રકાશ સ્વરૂપે છૂટો પડ્યો અને લિફ્ટની બહાર આવીને હવામાં ઓગળી ગયો. મહેશ રાખનો ઢગલો બનીને લિફ્ટમાં પડ્યો. * * * ધારાની માતા આઘાતથી મરણ પામી. પિતાનું માનસિક સ્વાસ્થ્ય કથળી જવાથી એને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. હવે એ લિફ્ટ કાયમ માટે બંધ કરી દેવામાં આવી છે, કેમ કે એ લિફ્ટમાં જો કોઈ પુરુષ ઘૂસે છે તો લિફ્ટ ચાલુ જ નથી થતી અને જો કોઈ સ્ત્રી ઘૂસે છે તો એને એવો અહેસાસ થાય છે કે કોઈ એના શરીર પર હાથ ફેરવી રહ્યું છે. ⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...