ટાઇટલ્સ પ્રવાસમાં, ‘ત્રાસ’નો પ્રાસ છે. (છેલવાણી) હમણાં એક બિલાડીએ બીજીને પૂછ્યું, ‘ચાલ, વંદે-ભારત ટ્રેનને પાટા પર ક્રોસ કરીએ.’ બીજી બિલાડીએ તરત કહ્યું, ‘રહેવા દે, કચડાઇ મરીશું!’ તો પહેલીએ કહ્યું, ‘ના…ના, આ તો એ ખાલી ટ્રેનને ડરાવવા માટે, સાચે નહીં કરવાનું!’ નવી નવેલી વંદે-ભારત ટ્રેન અદ્્ભુત છે, પણ બિચારી પર ખરી પનોતી બેઠી છે કે વારે વારે કોઇને કોઇ ઢોર સાથે અથડાઇ જ જાય છે ને એની કમનીય કાયામાં વારે વારે ગોબા પડી જાય છે ને વારે વારે છાપે ચઢીને બદનામ થાય છે. જોકે, અમને તો સાદી ટ્રેનનું બચપણથી વળગણ છે. થોડાં વરસ પહેલાં એક એવી સાદી ટ્રેનમાં બેસવાનું થયેલું કે જેમાં એ ટ્રેનના ડ્રાઇવરની કરિઅરનો આખરી દિવસ હતો. ડ્રાઇવર, રિટાયર થવાનો હતો. દરેક સ્ટેશને, રેલવેનો સ્ટાફ એને હારતોરા પહેરાવતો, બેન્ડ-પાર્ટીની સલામી આપતો. નાના સ્ટેશને ગાડી ધીમી થતી ત્યારે લોકો એન્જિન પર પર ફૂલો ફેંકતા, ‘આવજો’નાં પોસ્ટરો દેખાડતાં. દર વખતે વૃદ્ધ ડ્રાઇવરની આંખો ભીની થઇ જતી. એક દિવસનો એ ‘હીરો’ હતો…આવું બધું એટલે શક્ય બન્યું કે ટ્રેન, અટકી અટકીને આગળ વધતી હતી. એ નોનસ્ટોપ, ફાસ્ટ-ટ્રેન નહોતી. પહેલાં આગગાડી પછી ડીઝલ-ઇલેક્ટ્રિક ટ્રેનો આવી ને હવે બે જ કલાકમાં મુંબઇથી અમદાવાદ પહોંચાડતી બુલેટ ટ્રેનો આવશે. દરેક ટ્રેન, યાદોનો ઇતિહાસ પાછળ છોડી જાય છે. ફોરેનમાં બુલેટ-ટ્રેનમાં પ્રવાસ કરેલો છે પણ અમને તો જૂની ભારતીય રેલવે પર જ પક્ષપાત છે. અટકતી મટકતી રોકાતી આપણી ટ્રેનોમાં સુંદર સ્ત્રીની માદક ચાલ દેખાય છે. મુંબઇ-અમદાવાદની મુસાફરીમાં પાલઘરનાં ફ્રૂટ્સ, દહાણુની ચણાદાળ, સુરતનું ફરસાણ, બરોડાનું દૂધ, ભરૂચની ખારી સીંગ, ચઢતા-ઉતરતા ફેરિયાના લહેકાઓ…બધું રંગબેરંગી ઝિલમિલાતું જીવન છે. ટ્રેનનું વિના કારણે અટકવું, ઊભેલી ટ્રેનને બીડી ફૂંકતા ફૂંકતા ખેતરમાંથી તાકી રહેલા બુઢ્ઢાઓ, ટ્રેનને હાથ હલાવી ‘આવ-જો’ કહેતાં મેલાંઘેલાં ગામડિયાં ભૂલકાંઓ, સ્ટેશન પર ઉતરીને ચા પીને ફરી દોડીને ટ્રેનમાં ચઢી જવાનું…ને પછી ઉફ્ફ, ડબ્બામાંની સૌથી સુંદર છોકરીનું અધવચ્ચે જ કોઇ સ્ટેશન પર અચાનક ઉતરી જવું…કૈં કેટકેટલી અધૂરી દાસ્તાનો છોડીને એનું આમ જતા રહેવું…આહ! આને કહેવાય અંગ્રેજીમાં ‘સફર’ કરવું! નવી સુપર ફાસ્ટ-ટ્રેનોમાં આમ અધૂરી પ્રેમકથા છોડીને વચ્ચેથી કોઇ નહીં ચાલી જાય. એકાદ બે સ્ટેશનને હૉલ્ટ થશે પણ નવું પાત્ર, વારેવારે નહીં જોડાય. એમાં તો પડ્યું પાનું નિભાવી લેવાનું! બાકી આપણે ત્યાં અત્યારની અમુક ટ્રેનો તો એટલી ધીમી દોડે છે કે એમાં વાંદરો એક સ્ટેશનેથી ચડે તો એ માણસ થઇને છેલ્લે સ્ટેશને ઉતરે. એકવાર સૌરાષ્ટ્રમાં એક ખેડૂતે એકવાર રેલવે પર કેસ કર્યો. રેલવેના વકીલે, સ્ટાફને પૂછયું કે આપણી ટ્રેને, ખેડૂતની ભેંસને પાટા પર ઉડાડી મૂકી કે શું? પેલાએ કહ્યું, ના, ના, ભેંસ તો જીવે છે પણ ખેડૂત કહે છે કે ટ્રેન એના ખેતર પાસેથી એવી તો ધીમેથી પસાર થાય છે કે પ્રવાસીઓ ટ્રેનમાંથી ઉતરીને, ભેંસને દોહીને, દૂધ પીને પાછાં ટ્રેનમાં ચઢી જાય છે! ચલો, સુપર ફાસ્ટ-ટ્રેનો માટે કમસેકમ આવી તો કમ્પ્લેન્ટ નહીં આવે. ઇન્ટરવલ તુ કિસી રેલ સી ગુઝરતી હૈ, મૈં કિસી પુલ સા થરથરાતા હૂઁ. (દુષ્યંત કુમાર) વળી, આપણી નોર્મલ ટ્રેનની બારીમાંથી દેખાતાં દૃશ્યોમાં એક સિનેમા છે. ધીમી ટ્રેન, જે જે સ્થળેથી ગુજરે એની માટીની ખૂશ્બૂ લેવામાં જે નિર્દોષ આનંદ છે એ સુપર-ફાસ્ટ ભાગતી ટ્રેનમાં નથી. દૂર દૂર બારીમાંથી દેખાતા, કોઇ અનામી મંદિરના અજાણ્યા દેવતાને પ્રણામ કરવાની મજા, સુપર-ફાસ્ટ ટ્રેનોમાં ક્યાંથી? જંકશન પર ટ્રેન રોકાય ત્યારે કોઇ કાકા, ઓથોરિટીપૂર્વક કહે કે ‘હજી અવધ એક્સપ્રેસ સામેના પાટેથી પાસ નથી થઇ! આજે ચાલીસ મિનિટ લેટ થશે…’ આવી નિરાંતની બેફિઝુલની ચર્ચા બુલેટ ટ્રેનમાં ક્યાંથી? બુલેટમાં તો ‘લેટ’ થવાનો ચાન્સ જ નહીં ને? વળી, આપણી ટ્રેનોમાં ઓર્ડર કરેલું જમવાનું આગલા સ્ટેશનેથી આવશે એ કલ્પનામાં જ ભૂખ ઉઘડી જાય. કોઇક અજાણી વ્યક્તિ, અજાણ્યા સ્થળે આપણાં માટે કોમળ હાથોથી પૂરીઓ વણી રહ્યું છે એ વિચારમાં જ રોમાન્સ છે. કર્કશ અવાજે ‘લંચ-લંચ’ બોલતા રેલવેના કર્મચારીમાં જે પોતીકાપણું છે એ પૉશ ફૂડ-પેકેટમાં કે નમણી પરિચારિકાનાં નકલી સ્માઇલમાં ના હોય. કદાચ આપણી રેલવે સાથે અમને વધુ પડતો નોસ્ટાલજિક પ્રેમ છે. પણ ના, સમાજની સ્લો ગતિ સાથે આપણી રેલવેની સ્પીડ પણ બરોબર મેચ થાય છે. જે ગતિએ કોર્ટમાં ફેંસલા લેવાય છે, જે ગતિએ શિક્ષણમાં સુધારા થાય છે, એ જ રીતે ભારતીય રેલ પણ ધીમે ધીમે ચાલે છે. ઈન્ડિયાની લાઇફ સાથે ઈન્ડિયન રેલવેનો તાલ મળે છે. વળી, મેઇન વાત એ કે મુંબઇથી અમદાવાદ બે કલાકમાં પહોંચીને નવરી પ્રજા કરશે શું? ત્યાં રિક્ષાવાળાઓ તો રકઝક કરવામાં એટલો જ ટાઈમ લેશે. મુંબઇના જાલિમ ટ્રાફિકમાં ધુમાડા ખાઈને ઘરે પહોંચવામાં તો એટલો જ ટાઈમ થશે. અમદાવાદીઓ માવો ખાતાં ખાતાં ‘બે યાર… એમાં એવું છે ને લ્યા, પાર્ટી બોગસ હતી ને એટલે બકા, જવા દે ને…’ જેવી લાંબી પ્રસ્તાવના કરવામાં એટલો જ ટાઈમ લેશે! જરા વિચારો, ભવિષ્યમાં આપણે જો કોઇ નોર્મલ ટ્રેનમાં બેઠાં હોઇશું ને બાજુમાંથી ઝૂઉઉપપ્પ દઇને બુલેટ-ટ્રેન આગળ નીકળી જશે ત્યારે આપણને કેટલી લઘુતાગ્રંથિ થઇ આવશે. ‘લાઈફમાં તો ઠીક પણ ટ્રેનમાંયે પાછળ રહી ગયાં’- એમ વિચારીને સ્હેજ લાગી આવશે ને? એન્ડ-ટાઇટલ્સ આદમ: આપણા સ્ટેશને આગ લાગી ગઇ છે, ટ્રેન ત્યાં નહીં ઊભી રહે! ઇવ: ડોન્ટ વરી, હજી તો પહોંચશું ત્યાં સુધી નવું સ્ટેશન બની ચૂક્યું હશે!{ sanjaychhel@yahoo.co.in
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.