આપણે આપણાં મગજનો 10% ભાગ જ વાપરીએ છીએ. આઈન્સ્ટાઈન પોતાના મગજના 15% વાપરી શકતો.’ શું તમે સ્કૂલમાં ભણતાં હતાં ત્યારે આ વાત સાંભળી હતી? ઘણાંને તો કદાચ સ્કૂલમાં શિક્ષકોએ પણ આ ભણાવ્યું હશે. ટકાવારીમાં ફેરફાર હોઈ શકે. કોઈને કદાચ, ‘આપણું 1% મગજ વપરાય છે, આઈન્સ્ટાઈને 10% વાપર્યું’ એવું કહેવામાં આવ્યું હોઈ શકે. 2012માં થયેલા એક સર્વે અનુસાર બ્રિટનમાં 48% શિક્ષકો આ વાત સાચી માનતાં હતાં. જ્યારે 2013માં અમેરિકામાં 65% લોકોને આ વાત પર વિશ્વાસ હતો. હકીકતમાં, આ વાત એટલી ખોટી છે કે, તેને ધાર્મિક, આધ્યાત્મિક કે તત્ત્વજ્ઞાનની રીતે પણ સાચી બતાવી શકાય તેમ નથી.
આપણાં શરીરમાં કોઈપણ ઉપયોગ ન હોવા છતાં ફાલતુ પડી રહેલાં અંગને ‘અવશિષ્ટ અંગ’ (vestigial organ) કહે છે. જેમ કે, એપેન્ડિક્સ એ અવશિષ્ટ અંગ છે. ક્યારેક તેને ઓપરેશન કરીને કાઢી નાખવામાં આવતું હોય છે, જેના બીજા દિવસે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપીને ઘરે મોકલાય છે. શું મગજમાંથી ‘કામ વગરનો’ 90% ભાગ કાઢી લીધા પછી આવું શક્ય છે? મગજમાં એવી 1 મિલિમીટરની પણ જગ્યા નથી હોતી જે વપરાતી ન હોય. સ્કેનમાં જોવા મળે છે કે, આપણે ઊંઘી ગયાં હોઈએ ત્યારે પણ આખું મગજ નોંધપાત્ર પ્રમાણમાં કાર્યરત હોય છે. મગજના કોઈપણ ભાગમાં નાની અમથી ઈજા થાય તેની પણ ખતરનાક અસર થતી હોય છે. 90% સ્પેરમાં પડેલું હોય તો આવું ન થાય. એક ઉદાહરણ સમજીએ. જો કોઈ કારણોસર એક હાથ કાપવો પડે, તો ત્યારબાદ મગજમાં તે હાથનું નિયંત્રણ કરનારા ચેતાકોષો નવરા પડી જતા હોય છે, પણ ખૂબ જ ઝડપથી, મગજમાં હાથવાળા ભાગની આજુબાજુ આવેલા અન્ય કોષો ફ્રી પડી ગયેલા કોષોને અન્ય કાર્યોમાં જોડી દેતા હોય છે. મતલબ, કામ ન રહે તો પણ મગજનો કોઈ કોષ નવરો નથી બેસી રહેતો, નવું કામ લઈ લે છે.
કોઈ દર્દીને મગજમાં કેન્સરની ગાંઠ થઈ હોય તો ડૉક્ટર કદી એવું નથી કહેતા કે, ‘અભિનંદન! મગજમાં કેન્સર છે એટલે વાંધો નહીં આવે. આમ પણ 90% તો કામ વગરનું છે.’ જો આ માન્યતાનો મતલબ એવો હોય કે, ‘કોઈ એક ક્ષણે ફક્ત 10% મગજ વપરાય’, તો પણ તે ખોટી છે. આપણે વાંચતા હોઈએ ત્યારે મગજનો ફક્ત વાંચવાવાળો ભાગ ચાલુ હોય, બાકીના વિભાગ ‘સ્વિચ ઓફ’ હોય; એવું નથી હોતું. ઊંઘવા સહિત કોઈપણ કાર્ય દરમિયાન મગજના મોટાભાગના વિસ્તારો સાથે મળીને કામ કરતા હોય છે. શરીરનું સૌથી જટિલ અંગ મગજ છે, તેમાં ફેક્ટરી જેવું ન હોય કે, અમુક યંત્ર ચાલતાં હોય ત્યારે અમુક યંત્ર બંધ હોય.
1890માં વિલિયમ જેમ્સ નામના માનસશાસ્ત્રીએ એક વ્યાખ્યાનમાં કહ્યું કે, ‘આપણે આપણી કુલ માનસિક ક્ષમતાનો એક નાનકડો હિસ્સો જ વાપરી શકીએ છીએ.’ આ વાત વાજબી હતી, પણ 20મી સદીની શરૂઆતમાં પ્રકાશિત થયેલાં કેટલાંય મોટિવેશનલ પુસ્તકોમાં લેખકોએ આ વાતને પોતાની રીતે રજૂ કરી. લેખકોનું આ માર્કેટિંગ દુનિયાની આટલી મોટી અફવાનો પાયો બની ગયું. ‘આપણાં મગજ દ્વારા આપણે કોઈપણ ધ્યેય પ્રાપ્ત કરી શકીએ, વિચારોની તાકાત વાપરીને સપનાં પૂરાં કરો, મગજના છુપાયેલા ભાગ વાપરો અને કરોડપતિ બનો…’ વગેરે. એમાંથી વળી એવી ગેરસમજ પણ જન્મી કે, જેને બાકીનો 90% ભાગ વાપરતા આવડે એ ચમત્કારો કરી શકે. જેમ કે, ફક્ત નજર ફેરવીને સોફા હવામાં ઊંચો કરી શકે, ચમચી વાળી શકે, અદૃશ્ય થઈ શકે વગેરે. મગજનો ગમે તેટલા ટકા ભાગ વપરાતો હોય, માનવની મૂર્ખામીનો કોઈ અંત નથી. એમ કહેવું વધુ યોગ્ય ગણાશે કે, આપણે આપણાં મગજ વિશે 10% જાણકારી પણ નથી ધરાવતાં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.