‘એક યુવાન દર્દીએ મારા ક્લિનિકમાં આવીને ફરિયાદ કરી- ‘ડોક્ટર સાહેબ, આજે એક લગ્નમાં જમણવારમાં હું ગયો હતો. ત્યાં લાડુ ખાતાં ખાતાં હું થાકી જતો હતો.’ દર્દીની વાત સાંભળીને મારા કાન ચમક્યા. આવી ફરિયાદ હું જિંદગીમાં પ્રથમ વાર સાંભળી રહ્યો હતો. મેં એ ભાઈને પૂછ્યું....’ હાલમાં છ્યાંસી વર્ષના થયેલા ડો. સી. સી. શાહ મારી સાથે એમના અનુભવો ‘શેર’ કરી રહ્યા હતા. ડો. શાહ સાહેબે અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાંથી એમ. બી. બી. એસ.ની ડિગ્રી મેળવીને 1964ના વર્ષમાં માણસા નામના નાનકડા ટાઉનમાં જનરલ પ્રેક્ટિસ શરૂ કરી હતી. (હું ત્યારે ચોથા ધોરણમાં ભણતો હતો.) હું જ્યારે જ્યારે સિનિયર ડોક્ટર્સને મળું છું ત્યારે એમની તરફ અહોભાવની નજરથી જોઉં છું. અત્યારના ડોક્ટરો હોશિયાર છે એની ના નથી, પણ એમના માટે નિદાન કરવાનું કામ ખૂબ આસાન બની ગયું છે. ઈવન, મેં જ્યારે પ્રેક્ટિસની શરૂઆત કરી હતી ત્યારે પણ નિદાન કરવું એ સરળ કાર્ય ન હતું. આંગળીના ટેરવે ગણી શકાય એટલા જ લેબોરેટરી ટેસ્ટ્સ હતા. સોનોગ્રાફી નામની જાદુગરણી સુંદરી હજી ક્ષિતિજ પર ડોકાઈ રહી હતી. એમ. આર. આઈ. અને સી. ટી. સ્કેન જેવા શબ્દો અમે સાંભળ્યા ન હતા. અત્યારે તો એટલા બધા ઈન્વેસ્ટિગેશન્સ ડોક્ટરની તહેનાતમાં હાજર છે કે એમની સહાય વડે ડોક્ટરની આંખો સમક્ષ દર્દીનું આખું શરીર જાણે અંદર-બહારથી ઊઘડી જાય છે. જો મારી પ્રેક્ટિસની શરૂઆતના સમયે આ સ્થિતિ હતી તો મારા કરતાં પણ પચીસ વર્ષ પહેલાં કેવી પરિસ્થિતિ હશે? તે જમાનામાં કોઈ પણ ડોક્ટરે સાચું નિદાન કરવા માટે પોતાના ક્લિનિકલ નોલેજ અને દિમાગમાં સંઘરાયેલા જ્ઞાન પર જ મદાર રાખવો પડતો હતો. મને વિશ્વવિખ્યાત ગાયનેકોલોજીસ્ટ ડો. નાડકર્ણી સાહેબની એક ઘટના યાદ આવે છે. મારી સાક્ષીમાં બનેલી ઘટના છે. એક યુવતી પોતાનો યુરિન રિપોર્ટ લઈને આવી. એ લગભગ બે મહિનાથી માસિકધર્મમાં આવી ન હતી. યુરિનરી પ્રેગ્નન્સી ટેસ્ટ નેગેટિવ હતો. ડો. નાડકર્ણી સાહેબે એની શારીરિક તપાસ કરીને કહ્યું, ‘યુ આર પ્રેગ્નન્ટ. તારો ગર્ભ સારો અને જીવંત છે.’ હું બાજુમાં જ ઊભો હતો. મેં પૂછ્યું, ‘સર, યુરિન ટેસ્ટ તો નેગેટિવ છે. એવું ન બને કે પ્રેગ્નન્સી રહી ગઈ હોય પણ ગર્ભ મરી ગયો હોય? તો જ લેબોરેટરી ટેસ્ટ નેગેટિવ રિઝલ્ટ બતાવે.’ (સોનોગ્રાફીના આગમન પહેલાંના સમયની આ ઘટના છે. અત્યારે તો અમે સોનોગ્રાફીની મદદથી એક ક્ષણમાં જાણી લઈએ છીે કે પ્રેગ્નન્સી જીવંત છે કે મૃત!) ડો. નાડકર્ણી સાહેબે ગર્વિષ્ઠ ચહેરા સાથે મને કહ્યું, ‘આ મારી બે ફિંગર્સ જુએ છે ને? માય ફિંગર્સ આર મોર એક્યુરેટર ધેન એન લેબોરેટરી ટેસ્ટ. યે બાલ ધૂપ મેં પક કર સફેદ નહીં હુએ હૈ.’ આગળ જતાં સાહેબની વાત સાચી સાબિત થઈ. એ યુવતીએ ક્યુરેટિંગ કરાવવાનું માંડી વાળ્યું. ગર્ભ વિકાસ પામીને થોડા જ મહિના પછી પેટ પર દેખાવા માંડ્યો. આપણે વાત કરતા હતા આજથી છ દાયકા પહેલાં માણસામાં જનરલ પ્રેક્ટિસ શરૂ કરનાર ડો. સી. સી. શાહ સાહેબની. એક દર્દી એમની પાસે આવીને માત્ર આટલી જ ફરિયાદ કરે કે ‘લાડુ ખાતાં ખાતાં હું થાકી ગયો’ અને એમના દિમાગમાં ઝબકારો થાય એ સાંભળીને મારા દિમાગમાં પણ જિજ્ઞાસાનો ઝબકાર થઈ ગયો. ડો. શાહે પૂછ્યું, ‘ભાઈ, તું ફોડ પાડીને વાત કર. લાડુ એ કોઈ પથ્થર નથી કે એને ચાવતાં થાકી જવાય. તને ખરેખર શું થયું હતું?’ ‘મને જડબામાં દુખાવો થતો હતો. ચહેરાના, જડબાના અને ગળાના સ્નાયુઓમાં પીડા થતી હતી. જાણે બધું કડક થઈ ગયું હોય...’ બસ, નિદાન પકડાઈ ગયું. ડો. શાહે કહ્યું, ‘જો તારે જીવતાં રહેવું હોય તો જરા પણ સમય બગાડ્યા વગર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચી જા. તને ટીટેનસ થયું છે. ધનુર્વાની સાવ પહેલી શરૂઆત છે. ‘હું તને ચિઠ્ઠી લખી આપું છું.’ ડો. શાહે સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ઓન ડ્યૂટી પર રેફરન્સ લેટર લખી આપ્યો. એમાં ભારપૂર્વક ભલામણ કરી કે ‘આ દર્દીને સામાન્ય પેઈનકિલર ગોળી કે ઈન્જેક્શન આપીને રવાના નહીં કરી દેતા. એવું તો હું પણ કરી શકું છું.’ ટીટેનસ એ વારંવાર જોવા મળતો રોગ નથી. ઘણા ડોક્ટરો તો પોતાની કારકિર્દીમાં ટીટેનસનો એક પણ દર્દી જોયા વગર પ્રેક્ટિસ પૂરી કરી દે છે. આવા સંજોગોમાં માત્ર એક જ (અને એ પણ સાવ નાની લાગતી) ફરિયાદ સાંભળીને સાચું નિદાન કરવું એ તે જમાનાના ડોક્ટરોના જ હાથની વાત છે. ટીટેનસ એ બેક્ટેરિયાનો ચેપ થવાથી લાગુ પડતી બીમારી છે. એ મૂળભૂત રીતે નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. ચેતાતંત્રને આ ચેપ લાગુ પડવાથી શરીરના સ્નાયુઓ જકડાઈ જવા માંડે છે, જેને મસ્ક્યુલર સ્પાઝમ કહે છે. એની શરૂઆત ચહેરાના, જડબાના અને ગળાના સ્નાયુઓના ‘સ્પાઝમ’થી થાય છે. માટે આ બીમારીને ‘લોક જો’ પણ કહે છે. આખરે છાતીના સ્નાયુઓના સ્પાઝમ પછી દર્દી શ્વાસ લઈ શકતો નથી અને તેનું મૃત્યુ થાય છે. ટીટેનસના દર્દીઓ ભાગ્યે જ બચી શકતા હતા, એ જમાનામાં આ દર્દીનું નિદાન ખૂબ વહેલા થઈ જવાના કારણે દિવસો સુધીની સપોર્ટિવ ટ્રીટમેન્ટથી એની જિંદગી બચી જઈ શકી. એની પૂછપરછ કરવાથી જાણવા મળ્યું કે કેટલાક દિવસો પહેલાં એણે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું હતું, એમાંથી એને ટીટેનસનો ચેપ લાગ્યો હતો. મારી અને ડો. સી. સી. શાહની વચ્ચે એક આખી જનરેશનનો ગેપ રહેલો છે. આમ તો અમે ક્યાંથી મળવાના હતા? તાજેતરમાં એક લગ્ન સમારંભમાં અમે મળી ગયા. પરસ્પર પરિચય કેળવાયો. મેં એમના અનુભવો વિશે પ્રશ્નો પૂછ્યા, જવાબમાં ખજાનો ઠલવાઈ ગયો. એ જમાનાના જનરલ પ્રેક્ટિશનર્સ આજના સમયના ફિઝિશિયન જેટલા જ હોશિયાર હતા. અનુભવ એ એમના ભાથામાંનું બ્રહ્માસ્ત્ર હતું. લેબોરેટરીની એમને ગરજ ન હતી. જોવું, અડકવું, ટકોરા મારવા અને સાંભળવું (ઈન્સ્પેક્શન, પાલ્પેશન, પરકસન એન્ડ ઓસ્કલ્ટેશન) આ ચાર એમની વિદ્યાઓ હતી. ડો. શાહ પાસે એક દર્દી આવ્યો. માત્ર વાત જ કરી, ‘સાહેબ, મને ભય લાગે છે કે હું મરી જઈશ.’ બીજી કોઈ ફરિયાદ ન મળે. પ્રથમ નજરે એવું લાગે કે આ માણસને કોઈ માનસિક બીમારી થઈ હશે. ડો. શાહને થયું કે લાવ, આના મનમાંથી મૃત્યુનો ભય દૂર કરવા માટે કોઈ તપાસની મદદ લઈએ. એમણે એ માણસને કહ્યું, ‘તું અંદરના રૂમમાં જા. ત્યાં સ્ક્રીનિંગ મશીન છે. એમાં તારું ફુલ બોડી ચેકઅપ કરીને હું જોઈ લઉં કે તને શું થયું છે.’ દર્દીને અંધારા ઓરડામાં સ્ક્રીનિંગ મશીનની સામે ઊભો રાખ્યો. ડોક્ટરે જોયું. બધું નોર્મલ હતું. ઓરડામાં પ્રકાશ કરવા માટે એમણે બત્તી ચાલુ કરી. ટ્યૂબલાઈટનું અજવાળું થતામાં જ એ માણસ છળી ઊઠ્યો. ડો. શાહ ઘણું બધું સમજી ગયા. જે કંઈ બાકી હતું તે સમજવા માટે એમણે પાણી ભરેલો ગ્લાસ દર્દીની સામે ધર્યો અને કહ્યું, ‘લે, પાણીની સાથે આ ટેબ્લેટ ગળી જા.’ દર્દીએ ચીસ પાડી, ‘આ ટ્યૂબલાઈટ બંધ કરી દો. આ પાણીનો ગ્લાસ મારાથી દૂર લઈ જાઓ. મને ડર લાગે છે કે હું મરી જઈશ.’ ડો. શાહ દર્દીનાં સગાં તરફ ફર્યા, ‘આનો ડર ડર સાચો છે. એ ખરેખર મરી જશે. એને રેબીઝ થયો છે. રેબીઝ એટલે હડકવા. એને જરૂર કૂતરું કરડ્યું હોવું જોઈએ.’ સગાંએ કહ્યું, ‘હા કૂતરું કરડ્યું તો હતું, પણ પગ પર એના દાંતના નિશાન પડ્યા ન હતા એટલે અમે હડકવા વિરોધી ઈન્જેક્શનો મૂકાવ્યાં નહોતા.’ આ એક ગંભીર ચૂક હતી. કૂતરાના દાંત ભલે ઊંડે સુધી ન ગયા, પણ હડકવાના જંતુ તો શરીરમાં દાખલ થઈ ગયા હતા. હડકવાની જીવલેણ બીમારીમાં ફોટોફોબિયા (પ્રકાશનો ભય) અને હાઈડ્રોફોબિન (પાણીનો ભય) મુખ્ય ચિહ્નો છે. આ બીમારીનો ભોગ બનેલા દર્દીના મનમાં સતત એવો ડર રહે છે કે તે મરી જશે. કેવો હતો આજથી છ-સાત દાયકા પહેલાંનો એ સમય જ્યારે ડોક્ટરની આંખ એક્સ-રે મશીનનું કામ કરતી હતી અને એમની કોમન સેન્સ ‘સોનોગ્રાફી’ની ભૂમિકા ભજવતી હતી! અદ્યતન યંત્રોએ ડોક્ટરોમાં રહેલી ક્લિનિકલ કુશળતાને થોડી-ઘણી નબળી તો પાડી જ દીધી છે. એક જમાનો હતો જ્યારે ‘મિસ પંડ્યા’ તરીકે ઓળખાતાં ગાયનેકોલોજિસ્ટ ડો. સૌદામિનિબહેન પંડ્યા ગાયનેક વિભાગની કોરિડોરમાં ચાલતી જઈ રહેલી યુવતીને ચહેરો જોઈને કહેતાં હતાં, ‘એને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરો. એ મરી રહી છે. એના પેટમાં એક્ટોપિક પ્રેગ્નન્સી રપ્ચર થઈ ગઈ છે.’ થેન્ક્સ ટૂ ધી મેરેજ ફંકશન, એ નિમિત્તે અતીતમાં લટાર મારવાની તક મળી ગઈ.⬛ શીર્ષકપંક્તિ : આબાદ અમદાવાદી drsharadthaker10@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.