તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાં ગોળીબાર:માલ્યાઓ-ચોકસીઓનો સદુપયોગ કરો ને!

મન્નુ શેખચલ્લી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયાએ એ વાતનો ખરેખર તો ગર્વ લેવો જોઈએ કે અહીં જેવા કરુબાજો આખી દુનિયામાં ક્યાંય પેદા થતાં નથી! અહીંનો પાનવાળો પણ તમને ક્યારે ચૂનો લગાવી જાય એની તમને ખબર ના પડે, તો જરા વિચારો, વિજય માલ્યા અને નીરવ ચોકસી જેવા મહા-કરુબાજો જો નક્કી કરે તો આખી દુનિયાનું ‘કરી નાંખે’ કે નહીં? પણ આપણે આપણી જ આ અદ્્ભુત ટેલેન્ટોનો ઉપયોગ કરતા નથી. પેલો હર્ષદ મહેતા કેટલો જિનિયસ હતો તેની ખબર તો છેક હમણાં એની વેબસિરીઝ આવી ત્યારે પડી! પણ બોસ, એ બ્રિલિયન્ટ ભેજાનું આપણે શું કર્યું? આપણી જ જેલમાં એનું દહીં કરી નાખ્યું! અરે, એને જો લાલ લૂગડું બતાડીને ભુરાયો કર્યો હોત તો એ બિગ બુલે પાકિસ્તાન અને બાંગ્લાદેશના શેરબજારનો ભૂક્કો બોલાવી દીધો હોત! પણ ના, સાંઢની પૂંછડી આમળીને આપણે એને બકરી બનાવી દીધો. સરવાળે એક જબરદસ્ત ટેલેન્ટ વેડફાઈ ગઈ. આજે આપણે નીરવ ચોકસીને ઈન્ડિયામાં પાછો લાવવા માટે 11-12 કરોડ રૂપિયા ચાર્ટર પ્લેનમાં વેડફી ચૂક્યાં છીએ પણ સાહેબ, જો એ જ અદ્્ભુત ‘બેન્કિંગ પ્રતિભા’ને આપણે છૂટો દોર આપીને વેસ્ટ ઈન્ડિઝ મોકલ્યો હોત તો ત્યાંના એન્ટિગો, ટોબેગો, ડોબેગો, ઝિંગુવા, બિંગુવા, બાર્બેડોસ, તેરબેડોસ જેવી પંદર બેન્કોનું ફુલેકું ફેરવીને પાછો ઈન્ડિયા આવી ગયો હોત કે નહીં? આપણે નીરવ ચોકસી આગળ એટલી જ શરત મૂકવાની જરૂર હતી કે બેટમજી, ઈન્ડિયાની બેન્કોનું તેં જે 15,000 કરોડનું કરી નાખ્યું છે એની સજા ના ભોગવવી હોય તો બીજા દેશોની બેન્કોમાંથી 30,000 કરોડનું ઉઠમણું કરી લાવ! પછી તું બિનધાસ્ત! ઈન્ડિયામાં એ દેશવાળા તારો વાળ પણ વાંકો કરી શકશે નહીં! પેલા લક્ષ્મી મિત્તલ વર્લ્ડના ‘સ્ટીલ કિંગ’ શી રીતે થયા, તે ખબર છે? એમના ડેડીની ઈન્ડિયામાં લોખંડની ફેક્ટરીઓ હતી, પણ ફોરેનમાં ભણીને આવ્યા પછી આપણા લક્ષ્મીચંદજીએ જોયું કે સાલું, અહીં ઈન્ડિયામાં એકસો ને સત્તર જાતના એટલા બધા કાયદા છે કે ધંધો કરી જ ના શકાય. તો એ ગયા ઈન્ડોનેશિયામાં! ત્યાંની એક ખોટ કરતી સરકારી સ્ટીલ ફેક્ટરી ખરીદી લીધી. એ પછી ત્રિનિદાદ-ટોબેગો, પોલેન્ડ, કઝાકિસ્તાન જેવા નાના દેશોમાં જે સ્ટીલ ફેક્ટરીઓ હતી ત્યાં જઈને ત્યાંના મિનિસ્ટરો, પ્રેસિડેન્ટો કે અધિકારીઓને સમજાવીને (ફોડીને યાર!) એનું ‘પ્રાઈવેટાઈઝેશન’ કરાવી નાખ્યું! જોતજોતામાં લક્ષ્મીચંદજી અબજો રૂપિયાની લક્ષ્મીના ભંડારમાં આળોટતા થઈ ગયા. આમાં ઈન્ડિયાને શું મળ્યું? આવો જ કિસ્સો ગુપ્તાબ્રધર્સનો છે. સહારનપુરથી દિલ્હી અને દિલ્હીથી સાઉથ આફ્રિકામાં પહોંચેલા આ જિનિયસ બંધુઓએ 1995ની આસપાસ ત્યાંની સરકારના મિનિસ્ટરોમાં પગપેસારો કર્યો અને સન 2005 સુધીમાં તો એમનો વેપાર ચામડું, કોમ્પ્યૂટરો, ખનિજની ખાણોથી લઈને ટીવી ચેનલો અને છાપાંની માલિકી સુધીનો થઈ ગયો! એમનો એટલો વટ હતો કે એ લોકો જેને ધારે તેને મિનિસ્ટ્રીમાં બેસાડી શકતા હતા અને ઈચ્છે ત્યારે ખારું, કદરૂપું, ચીમળાયેલું ‘પાણીચું’ પણ પકડાવી શકતા હતા. જોકે, 2018માં એમનો ભાંડો ફૂટી ગયો. બિચારાઓ આજે ત્યાંની જેલ અને કોર્ટના ધક્કા ખાય છે. હવે કહો, આમાં ઈન્ડિયાને શું મળ્યું? યાર, ટેલેન્ટ તો આપણી જ ને? મૂળ કોપીરાઈટ પણ આપણો જ ને! છતાં આપણે ગુપ્તાબંધુઓનો કોઈ ફાયદો ઊઠાવી ના શક્યા. તમે કહેશો કે મન્નુભાઈ, આ તો બધું ઈલ્લીગલ કહેવાય, તો મારા સાહેબો, મને કહો કે ભારતમાં અંગ્રેજો શી રીતે ઘૂસ્યા હતા? એમની ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’ નામની વેપારી પેઢી અહીં ચા-મરી-મસાલાનો ‘ધંધો’ જ કરવા આવેલી ને? પછી થયું શું? એ લોકોએ એમની ટેલેન્ટ વડે આપણા દેશ ઉપર 200 વરસ રાજ કર્યું કે નહીં? હજી વિચારો, આપણા દેશના બધા કરુબાજો ઈંગ્લેન્ડમાં જઈને કેમ છુપાય છે? કેમકે, ત્યાંના કાયદાઓ આવી ‘ટેલેન્ટ’ને રક્ષણ આપવામાં માને છે! બોલો, હવે તો માનશો કે સાલી, આપણને આપણી જ ટેલેન્ટની કદર નથી! શું કહો છો? ⬛ mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...