નીલે ગગન કે તલે:મડિયા અને મેઘાણી

મધુ રાયએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઘાણીએ નિજની અમોઘ સર્ગશક્તિથી જે રચ્યું તે વિવાદથી પરે જઈને રચ્યું

આ વર્ષ બે મહાન ગદ્યકારોનું વર્ષ છે, મેઘાણી અને મડિયા. આ કોલમના લખનારે જાતે ગુજરાતીમાં ગદ્ય લખવાનો ઉદ્યમ કીધો છે ને બીજું કોઈ બીજું કાંઈ બોલે તે પહેલાં આ અમીબા પોતાની ટોપી ઉતારીને આ બંને તોતિંગ મહાનુભાવોને અંત:કરણપૂર્વક વંદન કરે છે. આ લીટીઓ લખનાર જાતે જ્યારે જીવનના મતલબ કે લેખનના અંતિમ દશકમાં પ્રવેશે છે ત્યારે આંખે દૂરબીન લગાડીને પોતાના વીતેલા જીવનને જોવા અને કીધેલાં કવન વિશે કવવા પ્રવૃત્ત થાય છે, પોતાના લેખન ઉપર કોનૌ પ્રભાવ હાવી છે ભલા! ચુનીલાલ મડિયાની વાર્તા ‘પાયા કલેજા, ભેજા’ તે સમયના ડાયજેસ્ટ શ્રીરંગમાં આવેલી ને મધુ રાય નામના તરુણ વાર્તાકારે આભા થઈને કલકત્તાની ચૂનીલાલ ડોસાભાઈ વાચનાલયની બેન્ચ ઉપર બેસીને વાંચેલી, ઓહો આ પણ વાર્તા કહેવાય! તે સમયે ‘મુકુંદરાય’ ને ‘પોસ્ટ ઓફિસ’ ને ‘લોહીની સગાઈ’ જેવી આદિ, મધ્ય, અંતનો મહિમા કરતી ને વાચકના ચિત્તને સાત્ત્વિક પ્રમોદ પહોંચાડતી ટૂંકી વાર્તાનો જયજયકાર હતો, ને કલકત્તા રહેતા આ પંક્તિઓના તરુણ લેખકે હજી સુરેશ જોષીનું નામ સાંભળ્યું નહોતું કે જાતે ચંદ્રકાંત બક્ષીની લપેટમાં આવેલ નહોતા! ત્યારે તે સમયે ફુંકાતી તે નવા ઊગતા વાર્તાકારની બોચી નવી વાર્તાની ગરમ હવા તરફ ફેરવેલી પાયા કલેજા વાર્તાએ; જેની અસર આજ–તક તેના ગદ્યમાં, ને તેના ચિંતનમાં રસાયેલી છે. તે પછી તો રઘડો નતોડ, જેકબ સર્કલ સાત રસ્તા અને બીજી રત્નકણિકાઓએ સાથે સવારી આવી હિન્દી અને બંગાળી નવી વાર્તાઓની! દર મહિને પાઈપૈસો બચાવીને આ નવા વાર્તાકાર ખરીદતા નઈ કહાનિયાં, દિલ્હીથી નવું શરૂ થયેલું ભૈરવપ્રસાદ ગુપ્ત સંપાદિત વાર્તામાસિક; જેના થકી પરિચય થયો રાજેન્દ્ર યાદવ, કમલેશ્વર અને મોહન રાકેશનો ને કલકત્તા એંગ્લો ગુજરાતી સ્કૂલની ચૂનીલાલ ડોસાભાઈ લાઇબ્રેરીમાં ભેટો થયો જ્ઞાનોદય માસિકનો, જેના સંપાદક રમેશ બક્ષી જતે દિવસે બન્યા અંગત મિત્ર અને પ્રાઇવેટ ક્રિટિક! અલબત્ત તે સૌની સાથે સાથે જ લેફ્ફરાઈટ લેફ્ફરાઈટ કરતી નવી સિનેમા નવા વાર્તાકારોની ખોપરીની આસપાસ ચકરાવા લેતી હતી. અને સમયાનુસારે પ્રવેશ થયો શિવકુમાર, ચંદ્રકાંત અને સુરેશ જોષીનો. કિંતુ આ લીટીઓના લખનારને સૌ પ્રથમ નવી વાર્તા તરફ અભિમુખ કરનાર હતી મડિયાની કહાણી, ‘પાયા કલેજા’, ‘જબાન’! આ વાર્તાકાર માટે આ સર્વના પુરોગામી હતા ચુનીલાલ મડિયા ને એમનું સામયિક ‘રુચિ’ જેમાં આ વાર્તાકારે અમુક વાર્તાઓ છપાવી. પછી તો વહેણ બદલાયાં ને જીવનમાં પ્રવેશ્યાં નવાં પાત્રો, નવી નોકરીઓ ને નવા ભૂકંપો જેણે ભુક્કા બોલાવ્યા મધુ રાયના મગજના ને લખાતી ગઈ આત્મપીડાની, આત્મપીડનની ને આત્મકથાત્મક વિલાપની વાર્તાઓ જેના ઉપર કોની કોની અસર હતી શી ખબર પરંતુ મડિયાના આંગળાની છાપ ચારેકોર હતી હતી હતી. મેઘાણીના શબ્દો વાંચતાં જાણે આપણે પોતે તે બોલ્યા હોઈએ એવી નિજી લાગણી થતી, પોતાપણું લાગતું. શી ખબર કેટલી વાર ‘કોઈનો લાડકવાયો’ સસ્વર વાચંતાં વાંચતાં હું રડી પડ્યો હોઈશ ને કેટલી વાર ‘શિવાજીનું હાલરડું’ ગાતાં ગાતાં દર્પણની સામે ધિંગાણે ચડ્યો હોઈશ. મેઘાણીની કથાઓમાં, ભાષામાં એક ભપકો જરૂર હતો, એક મર્દાનગી બેશક હતી પણ તે વાંચનારને શાતાપ્રદ હતી. મડિયાની જેમ જ મેઘાણીએ પણ સૌરાષ્ટ્રની ભાષાને ઉઘાડીને ગુજરાતી વાંગ્મયને વૈભવી બનાવ્યું, મેઘાણીએ નવી વાર્તા ને જૂની વાર્તાના ટંટામાં ભાગ ન લીધો, ઘાટ કે ઘટનાના મહત્ત્વમાં તરફદારી નહીં બતાવી. મેઘાણીએ નિજની અમોઘ સર્ગશક્તિથી જે રચ્યું તે આવા વિવાદથી પરે જઈને રચ્યું. એમના મનના મોરે જે થરકાટ કરવાનું ધાર્યું તે કશાય બૌદ્ધિક વાઘા ઓઢ્યા વિના રચ્યું, અને તે નૈસર્ગિકતા મારા મતે મને સૌથી વધુ કમનીય લાગી છે. આ નિમિત્તે બે પુણ્ય પુરુષોનું સ્મરણ કરવા મળ્યું તે લહાવો છે! જય જામ ખંભાળિયા! ⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...