ગીત ગાતા હૂઁ મૈં…:મધુ માલિની... વિ. હેમા માલિની...

7 દિવસ પહેલાલેખક: ડૉ. અશોક ચાવડા
  • કૉપી લિંક
  • ‘કિસી શાયર કી ગઝલ, ડ્રીમ ગર્લ’ એ સમયનું હિટ. આવી જ ડ્રીમ ગર્લ દક્ષિણની મધુ માલિની ‘ડૉ. રેખા’ ગુજરાતી ફિલ્મમાં જોવા મળે છે

ડ્રિમ ગર્લ’ (1977) ફિલ્મમાં હેમા માલિની પર ફિલ્માવાયેલું આનંદ બક્ષીએ લખેલું ‘કિસી શાયર કી ગઝલ, ડ્રીમ ગર્લ’ એ સમયનું હિટ. આવી જ ડ્રીમ ગર્લ દક્ષિણની મધુ માલિની ‘ડૉ. રેખા’ (1977) ગુજરાતી ફિલ્મમાં જોવા મળે છે.

ફિલ્મ જગજીત સિંહના કંઠે લોકપ્રિય થયેલ ‘અબ મૈં રાશન કી કતારોં મેં નજર આતા હૂઁ’ ગઝલના સર્જક ઇબ્રાહીમ મકરાણી ઉર્ફે ‘ખલીલ ધનતેજવી’નું ફિલ્મી સર્જન. ખલીલ ધનતેજવી (જ. 12-12-1938, અ. 04-04-2021) ‘ખાપરો-ઝવેરી’, ‘તુલસી જેવી દીકરી મારી’, ‘નગરવધૂ’, ‘ચૂંદડી ચોખા’, ‘છૂટાછેડા', ‘મન માનતું નથી’ ફિલ્મોમાં કથા-પટકથા-સંવાદ-ગીતકાર-દિગ્દર્શન એમ વિવિધ સ્તરે સંકળાયેલા.

‘ડૉ. રેખા’માં અભિનેતા તરીકે બરકત વિરાણી ‘બેફામ’ના પુત્ર સોહિલ વિરાણી (જ. 02-06-1953), જેમણે ‘સોનબાઈની ચૂંદડી’, ‘મા એવરત જેવરત’, ‘સાચું સગપણ’, ‘અષાઢી બીજ’ ફિલ્મો ઉપરાંત હિન્દી-ગુજરાતી-અંગ્રેજી નાટકો કર્યાં. બેન્ક ઑફ ઇન્ડિયામાં નોકરી પણ કરી. હાલ, મુંબઈમાં નિવૃત્ત જીવન. હરજી લવજી દામાણી ‘શયદા’ સોહિલના નાના થાય. શયદાની મોટી પુત્રી રૂકૈયા સાથે બેફામના લગ્ન.

આમ, ‘બેફામ’ ગઝલસમ્રાટ ‘શયદા’ના જમાઈ. ‘બેફામે’ મંગળફેરા (1949)માં અભિનય કર્યો તેમજ ‘અખંડ સૌભાગ્યવતી’ (1963), ‘કુળવધૂ’ (1997) ફિલ્મો માટે ગીતો લખ્યાં.

‘અખંડ સૌભાગ્યવતી’નું બેફામે લખેલું, લતાજીના સ્વરમાં કલ્યાણજી-આણંદજીએ સ્વરબદ્ધ કરેલું ઉષા (આશા પારેખ)ની લગ્નવિદાયનું ‘તને સાચવે પાર્વતી, અખંડ સૌભાગ્યવતી’ ગીત તો દાદી-માતા-દીકરી એમ પેઢીઓથી લગ્નોમાં ગૂંજે છે.

‘ડૉ. રેખા’ ફિલ્મમાં ખલીલ ધનતેજવીએ લખેલું, અજિત મર્ચન્ટે સ્વરબદ્ધ કરેલું,

સુમન કલ્યાણપુર અને અંબર કુમારના સ્વરમાં રેખા (મધુ માલિની) અને રવિ (સોહિલ વિરાણી) પર ફિલ્માવાયેલું સ્વપ્નગીતમાં વિવિધ સિનેમોટોગ્રાફિક્સ ટેક્નિક્સ, સંન્નિવેશમાં મધુ માલિની ડિટ્ટો હેમા માલિની લાગે.

કોઈનો પ્યાર મળી જાય તો મજા આવે

દિલના ધબકાર વધી જાય તો મજા આવે

આંખથી આંખ મળી જાય તો મજા આવે

દિલના સહુ ભેદ મળી જાય તો મજા આવે

યાદમાં આખો દિવસ ચેનથી બેસી ન શકું

રાત આવે તો સમી સાંજથી તારાઓ ગણું

ઊંઘ આંખોની ઊડી જાય તો મજા આવે

શહેરથી દૂર આ વસતીમાંથી નીકળી જઈએ

ઘરનો મારગ ન જડે એ રીતે ભૂલા પડીએ

ને પછી રાત પડી જાય તો મજા આવે.

આ જ ફિલ્મની ખલીલ ધનતેજવીની ગઝલ સુમન કલ્યાણપુરના સ્વરમાં માણવી ગમે.

વરસે છે મારી આંખથી શ્રાવણ હજી સુધી

ગૂંથું છું આંસુઓનાં હું તોરણ હજી સુધી

દિલના જખમનો કેટલો ઉપકાર હું કરું

એ ઘા નથી રુઝાતો જરા પણ હજી સુધી

દિલની વ્યથાનો ભેદ કહી દઉં કે ચૂપ રહું

ડંખે છે આ સવાલને મૂંઝવણ હજી સુધી

ખૈર, પડદાંને જીવંત કરતી અભિનેત્રીએ જિંદગીનો પડદો સ્વેચ્છાએ પાડી દીધો. ‘દાદા’ (1979) ફિલ્મનું કુલવંત જાનીએ લખેલું, ઉષા ખન્નાએ સ્વરબદ્ધ કરેલું, કે. જે. યેશુદાસના સ્વરમાં કામિની (મધુ માલિની) અને જીતુ (વિનોદ મેહરા) પર ફિલ્માવાયેલાં ગીતથી સ્મૃતિવંદન.

દિલ કે ટુકડે ટુકડે કર કે

મુસ્કુરાકે ચલ દિયે

જાતે જાતે યે તો બતા જા

હમ જીયેંગે કિસ કે લિયે

ચાંદ ભી હોગા

તારે ભી હોગે

ફૂલ ચમન મેં

પ્યારે ભી હોગે

લેકિન હમારા

દિલ ના લગેગા

ભીગેગી જબ જબ

રાત સુહાની

આગ લગાએગી

રુત મસ્તાની

તૂ હી બતા કોઈ

કૈસે જીયેગા

દિલ કે મારો કો દિલ કે માલિક

ઠોકર લગા કર ચલ દિયે

અન્ય સમાચારો પણ છે...