જરાતીઓ વેપારી પ્રજા છે. આપણી કહેવતો અને આપણા રૂઢિપ્રયોગોમાં રૂપિયા-આના-પાઈની વાત ના આવે તો જ નવાઈ! પણ જુઓને, જૂની પેઢીના ગુજરાતીઓને પોતાની જ ભાષાની વેલ્યૂ નહોતી. એ જમાનામાં કહેવાતું હતું કે ‘ઈકડમ તિકડમ આઠ આના, અટે-કટે તો ચાર આના, ગુજરાતીના કેવા ભાવ, શું-શાં પૈસા ચાર!’ (અર્થાત્ મરાઠીની વેલ્યૂ બાર આના, મારવાડીની વેલ્યૂ ચાર આના અને બિચારી ગુજરાતીના ચાર પૈસા પણ નહીં? ઘોર અન્યાય!) જૂના જમાનાનું છોડો, આજે તો યંગસ્ટરો રોમાન્સ અને લવમાં પણ બિઝનેસની ભાષા બોલે છે! છોકરાઓ ક્લાસની અમુક છોકરી વિશે કહેશે ‘એ તો બહુ ભાવ ખાય છે!’ છોકરીઓ પણ કહેશે ‘હું તો એને ભાવ જ નથી આપતી!’ વળતા હુમલા તરીકે છોકરો કહેશે ‘એ મારી સામું ના જુએ એમાં મારા કેટલા ટકા?’ (અલ્યા, તમે લોકો લવ કરો છો કે ધંધો?) આપણે પણ વાત વાતમાં કહેતા હોઈએ છીએ: ‘નવ્વાણું ટકા તો તમારું કામ સો ટકા પતી જશે!’ અથવા ‘મને તો એકસો ને એક ટકા ખાતરી છે...’ આ તો વેપારી ભાષા જ થઈ ને? પણ જુઓ, ખેડૂતોમાં પણ બિઝનેસ લેંગ્વેજ ચાલે છે ‘આ વખતે સોળ આની પાક ઉતરે એવું લાગતું નથી.’ એ તો ઠીક, અક્કલના બારદાન જેવા માણસ માટે કહીએ છીએ ‘એ તો રૂપિયો જ ખોટો છે!’ અમદાવાદીઓ તો મહા ગણતરીબાજ છે. એમના વિશે કહેવાય છે કે એ તો રૂપિયાના પણ અડધા શોધે એવા છે!’ (બાય ધ વે, રૂપિયાના બે જ અડધા હોય, પરંતુ અમદાવાદીઓ એમાંથી ત્રીજો અડધો શોધી કાઢવાની કળા જાણે છે!) બુદ્ધિનો આંક પણ બિઝનેસની ભાષામાં મપાય છે. ‘એની પાવલી જરા ખસેલી છે’, ‘બે કોડીનીયે અક્કલ નથી’, ‘લખતા બાર હજાર કરે એવો છે.’ બિઝનેસની ભાષા બુદ્ધિમાં હોય એ તો હજી સમજ્યા, પણ ધાર્મિક બાબતોમાં પણ ગુજરાતીઓ ધંધાની ભાષા વાપરે છે! અહીં ‘પાપ-પુણ્યના ચોપડા છે’, ‘ગયા જનમની લેણાદેણી છે’, ‘ખુદ ચિત્રગુપ્તજી ચોપડો લઈને બેઠા છે’ અને ‘ધરતી ઉપર જે ધાર્મિક વિધિઓ થાય છે તેને ‘ધર્મલાભ’ કહે છે.’ દરેક મંદિરની બહાર તો દુકાનો જ હોય છે, પણ દુકાનદારોય આપણને કહેશે ‘જલદી જલદી દર્શનનો લાભ લઈ લો!’ અરે ભાઈ, જ્યાં દરેક ઘરની બહાર આપણે ‘શુભ-લાભ’નાં સ્ટિકરો મારીએ છીએ તો પછી ભાષામાં વેપારીપણું આવે જ ને? ‘ભૂલચૂક લેવીદેવી’ એવું આપણે માત્ર પૈસાના હિસાબ માટે નહીં, પણ વહેવારમાંય કહીએ છીએ. લાગણીના સંબંધો તૂટે તો પણ કહીએ છીએ ‘મારે ને તારે શું લેવા-દેવા?’ અરે, યંગસ્ટરો પણ બ્રેક-અપ પછી કહે છે ‘ટોપા, શું લેવા પ્રેમમાં પડ્યો હતો?’, ‘પેલી જોડે લવ કરીને તને શું મળ્યું?’ પગાર ઓછો મળતો હોય તો બળાપો કાઢીએ છીએ કે ‘મળવાનું ગાજર ને રહેવાનું હાજર!’ આપણે ગુજરાતીઓ પૈસાનું મહત્ત્વ સમજીએ છીએ એટલે જ આપણે ત્યાં કહેવત છે કે ‘નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ!’ જે નાથિયાઓ નાથાલાલ બનીને ફરે છે એમના માટે કહેવાય છે કે ‘એમને તો ચાંદી જ ચાંદી છે!’ અને મારા-તમારા જેવા નાથુભાઈઓ મહેનત કરીને તૂટી જાય છતાં ‘બે પૈસે’ ના થાય તો સોનાના વેપારીની ભાષામાં કહીશું ‘ઘાટ કરતાં ઘડામણ મોંઘું પડ્યું!’ પોષાવું કે ના પોષવું એ તો આપણી ડેઈલી જિંદગીમાં આવી ગયું છે. ‘તું મને રાહ જોવડાવે એ મને ના પોષાય!’ (જાણે આપણી એક એક સેકન્ડ લાખ રૂપિયાની હોય) અરે ભઈ, સીધા સાદા ભલા માણસને પણ આપણે ‘લાખ રૂપિયાનો માણસ’ કહીએ જ છીએ ને? દાદાજીને ‘મૂડી કરતાં વ્યાજ વહાલું’ હોય છે. અર્થાત્- ‘દીકરા કરતાં પૌત્ર વહાલો હોય છે. (જાણે વ્યાજ ખાવા માટે જ દીકરાને પરણાવ્યો હોય!) આપણે લોકો હિસાબ ન કરવાની જગ્યાએ પણ હિસાબ કરતા હોઈએ છીએ. જેમકે, ‘મારા હિસાબે તો યુક્રેનનું યુદ્ધ હજી બે વરસ ચાલશે!’ અલ્યા, તેં શેનો હિસાબ કર્યો? યુક્રેન પાસે કેટલી મિસાઈલો બચી છે તેનો કે પુતિનનું કહેવાતું કેન્સર કેટલાં વરસમાં ‘પાકી જશે’ તેનો! અમુક લોકોના પગાર ઑમાંડ પંદર હજારના હોય છતાં રોફથી કહેતા હશે ‘જુઓ ભઈ, બક્ષિસ લાખની પણ હિસાબ કોડીનો!’ કરિયાણાની દુકાન તો આપણી ભાષામાંથી કદી માઈનસ થવાની જ નથી. જુઓ ‘ફેરવી તોળ્યું...’, ‘વજન પડ્યું’, ‘પરચૂરણ વાતો’, ‘રોકડું પરખાવ્યું’, ‘એમના જવાથી જે ખોટ પડી છે...’, ‘ફિલ્મનું જમા પાસું જોઈએ તો...’ આવા બીજા ડઝન રૂઢિપ્રયોગો યાદ આવશે, પણ બેસ્ટ તો આ જ રહેશે: ‘ના ફાવે તો તેલ લેવા જા!’{ mannu41955@gmail.com
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.