સાંઈ-ફાઈ:હાલરડાં

સાંઈરામ દવેએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોઈ પણ વ્યક્તિ માટે પોતાની માના હાલરડાંથી વધુ સૂરીલો સ્વર આ સૃષ્ટિમાં હોતો નથી. શિશુના કાને પડેલો માતૃત્વનો એ પ્રથમ મંજુલ સ્વર આમ જુઓ તો કાનની ‘સૂરમયી દીક્ષા’ છે. ધરતી પર નવા સવા આવનાર બાળકની આંખમાં વિસ્મયનાં ઝરણાઓ વહેતાં હોય છે. તેની આંખ ઉઘડે ત્યારે એક લાગણીશીલ વ્યક્તિને તે પોતાની આસપાસ જુએ છે. એક આશ્ચર્ય સાથે એ બાળક એ વ્યક્તિને જોયા કરે છે. પોતાની સારસંભાળનો ભરોસો આવ્યા પછી મા જ્યારે બાળક માટે હાલરડું ગાય છે ત્યારે બાળકનું હૈયું મા સાથે બ્લૂટૂથની જેમ pair થઈ જાય છે. હાલરડાં શબ્દનો એક અર્થ એવો પણ થાય કે મા પોતાના સંતાનને કહે છે કે ‘બેટા, હાલ તું સૂઈ જા હું રડું!’ એક સંશોધન પ્રમાણે બાળક કંઈ જન્મતાવેંત માની ભાષા અને હાલરડાંના શબ્દોને સુપેરે સમજી લ્યે છે એવું નથી, બાળક ભાષા નથી ઓળખતો ભાવ ઓળખે છે. હાલરડાંના સ્વરોથી બાળકને એ ખાતરી થાય છે કે મારી આસપાસ કોઈ છે અને જેથી હું સલામત છું. ઘણા કિસ્સાઓ આપણે નજરે જોયા છે કે પપ્પા વીસ મિનિટ હાલરડાં ગાય તો પણ બાળક ઘોડિયામાં જાગતું પડ્યું હોય, પરંતુ મા બે મિનિટ હાહા… હાહા… કરીને બાળકને બે થપલી મારી જાય તો પણ બાળક તરત સૂઈ જાય છે. મેં એ દૃશ્ય પણ જોયું છે કે મા-બાપ મજૂરીએ ગયાં હોય ત્યારે પોતાના ડાબા પગના અંગૂઠે ઘોડિયાની દોરી બાંધી દસ-બાર વર્ષની બેનડી આવડે એવી રોટલી વણતી હોય અને ભાઈ રડે તો એનું હાલરડું ગાતી હોય કે- ‘બે ઘડી સૂઇ જા મારા વીર, થોડું હું ભરી આવું નીર, પછી તારા હાલા ગાઉં મારા વીર, પછી તારી દોરી તાણું મારા વીર!’ આપણાં વૈદિક સનાતન પરંપરાના જીવનના સોળ સંસ્કારોમાં મને કોઈ પૂછે તો હું બાળકો માટે બે સંસ્કાર ઉમેરાવું. એક- ‘હાલરડાં સંસ્કાર’ અને બીજો ‘બાળગીત - બાળવાર્તા સંસ્કાર.’ હાલરડાં એ બાળકનાં ભાવવિશ્વને કંડારે છે. આ એક એવી બારીક ગોલ્ડન મીનાકારી છે જેની છાપ કોઈ પણ શિશુ પર જીવનપર્યંત રહે છે. હાલરડું સાંભળવું એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે, પરંતુ કેટલીક ફેશનેબલ માતાઓ યૂ ટ્યૂબ પરથી ડાયરેક્ટ હાલરડાં સંભળાવે છે. જોકે, બાળક તો તોય સૂઈ જાય છે! એને ક્યાં કોઈ દલીલ આવડે છે? પરંતુ માનું સ્થાન જ્યારે મોબાઇલ લઇ લ્યે ત્યારે માતૃત્વ ઝંખવાઈ જાય એ સ્વાભાવિક છે. આ રીતે જુઓ તો કેટલાંક પેરેન્ટસ બાળકોની છાશવારે ફરિયાદ કરતાં હોય છે કે ‘અમારાં બાળકો મોબાઈલ બહુ વાપરે છે.’ પરંતુ આ સમસ્યાનાં મૂળ સુધી કોઈ નથી પહોંચતું. આપણા દેશની સરકારોએ આજ સુધીમાં અગણિત યોજનાઓ બહાર પાડી છે. શું આવનારા દિવસોમાં એવી યોજના કે કાયદો ન બહાર પાડી શકાય કે જે કપલને પચાસ હાલરડાં ન આવડે ત્યાં સુધી એ મા-બાપ બનવાને લાયક નથી. સંસદમાં જ્યારે આવું કોઇ બિલ સર્વાનુમતે કોઈ પણ વિરોધાભાસ વગર પાસ થશે ત્યારે સમાજજીવનમાં ‘અચ્છે દિન’ની શરૂઆત થશે. પણ રે! સાંઈ! બાળકો કોઈની વોટબેંકમાં નથી. કાશ, જો માસૂમ શિશુઓનો હાથ ઘોડિયામાંથી EVM સુધી લાંબો થતો હોત તો અવશ્ય બાળકોને લાભ થાય એવા કાયદાઓ ફટાફટ ઘડાતા હોત. મેઘાણીભાઇએ શિવાજીનું હાલરડું લખ્યું અને એ જગપ્રસિદ્ધ થયું, પરંતુ ક્યારેક સમય મળે તો તેના શબ્દો વાંચજો, એક્ચ્યુલી એ શિવાજીનું જાગૃતિ ગીત છે. જનેતા જીજાબાઈ આવનારા કપરા સમય માટે પોતાના નવજાત શિશુને એલર્ટ કરે છે. ભલે, આ મેઘાણીભાઇની માત્ર કલ્પના હતી, પરંતુ આજે એ હાલરડું સાંભળીએ ત્યારે આપણને એકદમ સચોટ અને વાસ્તવિક લાગતી કલ્પના લાગે છે. ક્યારેક મને પ્રશ્ન થાય કે મેઘાણીભાઇ પછી હજારો કવિઓ ગુજરાતની ધરતી ઉપર થઈ ગયા. કેમ કોઈને શિવાજીની જેમ ‘મહારાણા પ્રતાપ’, ‘ઝાંસીની રાણી’ કે ‘ભગતસિંહ’નું હાલરડું લખવાની પ્રેરણા ન થઈ? કારણની કબર નથી ખોદવી, પરંતુ મારું દૃઢપણે માનવું છે કે આજની માતાઓ કદાચ મહાપુરુષોનાં હાલરડાં વિસરી જશે તો ચાલશે, પરંતુ ઘરના ઘોડિયામાં સૂતેલાં શિશુનાં હાલરડાં જ જો નહીં ગાય તો આવનારા સમયમાં આ ધરતી ઉપર મહાપુરુષો નહીં પાકે એ નક્કી છે. હાલરડાંમાં ધીમા સ્વરે મા જ્યારે હા...હા... બોલે ત્યારે આમ જુઓ તો એ પોઝિટિવિટીનું પહેલું લેસન આપે છે. આપણી અભણ માતાઓએ મૂળાક્ષરોમાંથી ‘ના...ના...ના...ના…’ શબ્દ સિલેક્ટ નથી કર્યા પરંતુ ‘હા…હા…’ શબ્દ પસંદ કર્યા છે, જે સંદેશો પાઠવે છે કે બેટા મોટો થઈને જગતને મદદરૂપ થવા માટે હા પાડતા શીખજે. જીવનનો પહેલો શબ્દ હકારરૂપે બાળકના કાને પડે છે એટલે જ તો આપણાં પૂર્વજો કદાચ બહુ શિક્ષિત ન હોવા છતાં હકારાત્મકતાથી ભર્યાભાદર્યાં હતાં. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી દ્વારા ભગવાન શ્રીરામનું હાલરડું સરસ રીતે આલેખાયું છે. મા જશોદાના હાલરડાંએ કૃષ્ણને જેટલો ઝુલાવ્યો છે એટલાં હાલરડાં કદાચ કોઈ અવતારના નહીં મળે. તો માતા ત્રિશલા ભગવાન મહાવીરને પોઢાડવા હાલરડે ઝુલાવે છે. મેઘાણીભાઈએ સંશોધિત કરેલું ખારવાની સ્ત્રીનું અણમોલ હાલરડું “વાહુલિયા તમે ધીમા રે ધીમા વાજો’ જ્યારે પણ સાંભળીએ ત્યારે આંખો ભીની થયા વગર રહેતી નથી. કેટલાંક હાલરડાં એ માતૃત્વના અને વાત્સલ્યના વરસાદ જેવા છે. કેટલાંક હાલરડાંમાં ભવિષ્યની અગમચેતી પણ છે. તો કેટલાંક હાલરડાંમાં પરિવારની પરિસ્થિતિઓ પણ છે. શિવાજીનું હાલરડું સર્વપ્રિય થયું તેના કારણમાં સૌરાષ્ટ્રભરના લોક કલાકારોનો સિંહ ફાળો પણ કહેવાય, પરંતુ સગર્ભા અવસ્થામાં મહારાણી રૂપસુંદરી પતિ જયશિખરીના મૃત્યુ પછી જંગલમાં વનરાજ ચાવડાને જન્મ આપે. એ વનરાજનું હાલરડું બહુ ગવાયું નહીં કે ચર્ચાયું પણ નહીં આમાં વાંક કોનો? (કાશ, આવનારા સમયમાં સગાઈ માટે કન્યા જોવા જતી વખતે કોઈ પરિવાર હોબી પૂછવાને બદલે કન્યાને ‘એકાદ હાલરડું આવડે છે?’ આવો સવાલ પૂછીને પુત્રવધૂ સિલેક્ટ કરવાનો ક્રમ શરૂ કરે!) હાલરડાંનો મહિમા વાંચીને કોઈ આજની મમ્મીશ્રીને પ્રશ્ન થાય કે હવે અમારા બાળકે ક્યાં ધીંગાણાં કરવાનાં છે? અત્યારે મરવા-મારવાના સંસ્કારની જરૂર શું? તો એવી મમ્મીઓને યાદ અપાવું કે હાલરડાંથી સંતાનોને બ્રહ્મજ્ઞાન લાધ્યું છે. જી હા, સમય મળે તો માર્કંડેય પુરાણ પર નજર કરજો. ગંધર્વોના રાજા વિશ્વવસુની દીકરી મદાલસાનાં લગ્ન ઋતુધ્વજ સાથે થાય અને માતા મદાલસા તેનાં સાત સાત સંતાનોને હાલરડાંમાં જ એવું બ્રહ્મજ્ઞાન આપે કે એ સંતાનો મોટાં થઈને સીધા સન્યાસી બને છે. હાલરડાં સંસ્કારિતાના પારસમણિ છે. માતાઓ મા બનતાં પહેલાં બે-ચાર હાલરડાં ગાતાં શીખી લે તો આવનારા બાળકનો બેડો પાર થઈ જાય. એ બાળક ક્યાં લતા મંગેશકર જેવો સ્વર માંગે છે, એ તો માત્ર ભાવજગત ઝંખે છે. શું ક્યો છો? વાઇ-ફાઇ નહીં, સાંઇ-ફાઈ આવે તો વિચારજો.{ sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...