તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દીવડાનું અજવાળું આકાશ ભણી ઊંચે ગયું ત્યાં ઉત્તરાયણ આવી. પતંગ શબ્દમાં ઉડાન છે એની ખબર ફિરકીઅે પાડી. પતંગ એકલો હોય તો ચગી ન શકે. એકલી દોરી પણ નકામી અને બંને હોય પણ હવા ન હોય, તો અગાસીમાં ચગાવ્યા સિવાયના બધા જ કામ થતા હોય. અમદાવાદ અગાસીને ‘ધાબુ’ કહે છે. અને ‘ધાબુ’નો પ્રાસ ‘આબુ’ જોડે મેળવે છે. પતંગ ચગે કે ન ચગે અમદાવાદીને ચગતાં આવડે છે. ઉત્તરાયણ આકાશ જેવા વિશાળ થવાનું ઇજન આપે છે. ઉપર આકાશમાં ચગતા પતંગો આપણા મન જેવા અસ્થિર છે એની બાતમી આપે છે. પતંગને અને દોરીને સ્થિર કરીને ઉપર તરફ ગતિ કરવાની પ્રાર્થનાનું નામ છે ઉત્તરાયણ.
પતંગ ચગાવવો એ કલા છે. હવા હોય ત્યારે એક ઠમકામાં ચગી જતો પતંગ હવા વગર ઘણા ઠમકાએ પણ નથી ચગતો. જેમ પ્રેમને બંને બાજુની હવા જોઇએ એમ પતંગને પણ બંને બાજુની હવા જોઇએ. અંદરની હવાથી ઠમકામાં જોર આવે અને બહારની હવાથી પતંગનો ભાર હળવો થઇ જાય છે. ઠમકા માર્યા જ કરવા પડે અને પતંગ અગાશીની બહાર ન જતો હોય તો ગુસ્સે થવામાં કે અકળાઇ જવામાં માલ નથી. આપણા પ્રયત્નો ઠમકામાં પ્રમાણિક રીતે ઉમેરાવા જોઇએ. ક્યારેક ફિરકી પકડનારો હવા વગર ઓછા ઠમકાથી ચગાવતો હોય છે. ફિરકી પકડતાં આવડતું હોય એને સારો પતંગ ચગાવતાં પણ આવડતું હોય.
પ્રેમને પતંગ અને ફિરકી સાથે બહુ લેવાદેવા છે. જે એક હાથમાં ફિરકી રાખીને બીજા હાથથી પતંગ ચગાવે છે એ તમામ હવે બીજી વ્યક્તિ પર નિર્ભર થવાના આરે છે એમ અંદરખાને સમજતાં જ હોય છે. પતંગ ચગાવતાં આવડતું ન હોય અને ખાલી પતંગ કપાયાની બૂમો પાડવામાં જ જેનો જીવ હોય એવા લોકો જાનમાં આવવા આતુર હોય છેે. અગાશી જેવી મજા બીજે ક્યાંય નહી. સરસ હવામાં પતંગ સદ્ધર થઇને ચગતો હોય અને પાછળ ગમતી વ્યક્તિ ફિરકી પકડીને સાથ આપતી હોય એ દૃશ્ય અદકેરું છે. ચગેલો પતંગ ‘સેલ’ ખાવા આપીએ ત્યારે યાદ રાખવાનું કે નજીકમાં ધૂળેટીનું ‘સેલ’ આવવાનું છે. પતંગ પકડ્યાંનો આનંદ આકાશને દોરી સાથે પકડ્યાંનો આનંદ છે. પકડેલા પતંગને ચગાવીને અગાશીનું ધ્યાન ખેંચવાની મજા જુદી છે. અગાશી ફ્લેટની હોય ત્યારે, બાજુના બંગલાની હોય ત્યારે, શહેરના પતરા પરની હોય ત્યારે ઉત્તરાયણ જુદી છે. ચગાવતાંની સાથે જ કેટલાક ‘પેચ’ આપોઆપ જોડાઇ જાય છે. એને કપાવાની ચિંતા નથી હોતી. પતંગ કાપીને આજુબાજુના આકાશને સાફ કરીને પતંગ ચગાવતાંને જોજો, પતંગ એક ઉપર એક બધા જ કપાઇ જતાં હોય એવી વ્યક્તિને જોજો. કાચા દોરાને કાચ અને રંગ ચઢાવીને પાક્કો કરવાનો ત્યારે એનું નામ માંજો બને. કાગળની પટ્ટીએ ઠઠ્ઠો અને પાવલો કે ફુદ્દીથી મઢવાનો ત્યારે એ પતંગ બને. બંનેને કિન્નાથી એક કરો ત્યારે પતંગ અને દોરી સાથે ચગે. જીવનમાં એક થવા જેવી મજા એકેયમાં નથી, પણ જેનો સ્વભાવ જ પતંગ અગાશીમાં ને પોતે આકાશમાં, એવો હોય તો? પતંગને પણ ઉમંગ હોય છે હાથથી ઉપર જવાનો...
ઓન ધ બીટ્સ :
‘સાહ્યબો મારો ગુલાબનો છોડ વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ, પાંખો જેવી પતંગની.’
-રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
ghazalsamrat@gmail.com
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.