અત્ર-તત્ર-સર્વત્ર:વૃક્ષ કી સુનો …વહ તુમ્હારી ભી સુનેગા!

ભરત ઘેલાણી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા શ્વાસ સુધી કાર્યરત રહી શતાયુની આવરદા ઊજવનારા વિચક્ષણ રાજકીય સમીક્ષક નગીનદાસ સંઘવી વૃક્ષ કે પર્યાવરણની વાત નીકળે ત્યારે અમને કહેતા : ‘આજની પેઢીને વૃક્ષની ખરી કિંમત કે ઉપયોગિતા જલદી નહીં સમજાય. અમે નાનપણમાં નિશાળે જતા ત્યારે પગમાં ચપ્પલ તો હોય નહીં. આકરા ઉનાળામાં ધરતી ધોમ ધખી ગઈ હોય. એના ઉપર ઉઘાડા પગે થોડું ચાલીએ, પછી પગ એવા દાઝવા માંડે કે દોડીને નજીકના ઝાડ નીચે ઊભા રહી જઈએ. એ વખતે એની છાયામાં જે સાતા પહોંચે ત્યારે અમને વૃક્ષની ખરી મહત્તા સમજાતી.’ આ તો વૃક્ષ વિશે એક પ્રખર અનુભવીની વાણી હતી. આજની પેઢી પણ પર્યાવરણ વિશે વધુ સચેત થવા લાગી છે. આમ તો પર્યાવરણશાસ્ત્રીઓ પણ સ્વીકારે છે કે અમુક તબક્કે ‘ક્લાઈમેટ ચેન્જ’ એટલે કે પલટાતી મોસમ પૃથ્વીની તબિયત માટે ઉપકારક છે, છતાં યુવાનોના એક વર્ગ એ વિશે વધુ પડતી ચિંતા કરે છે. એ માટે ‘અમેરિકન સાઈકોલોજિકલ એસોસિએશન’ (APA)એ અંગ્રેજીમાં એક નવો શબ્દપ્રયોગ યોજ્યો છે. એ શબ્દ છે ‘ઈકો એંગ્ઝાયટી.’ એનાથી પીડાતા વધુ પડતા સંવેદનશીલ યુવાનોનો ભય એક રીતે સાચો પણ છે, કારણ કે છેલ્લાં ત્રણેક વર્ષથી અચાનક પલટાતી મોસમને લીધે કુદરતી હોનારતો ખાસ્સી વધી ગઈ છે. બીજી તરફ, અમુક-તમુક સરકારી તેમજ ખાનગી પ્રોજેકટ્સ માટે વૃક્ષોનું આડેધડ નિકંદન નીકળી રહ્યું છે. એનો ઊહાપોહ પણ જબરો થાય છે, છતાં લાગતાં-વળગતાં તરફથી પર્યાવરણનાં ચાહકોને સંતોષકારક જવાબ નથી મળતા. આ દિશામાં આપણાં ન્યાયાલયોએ એક ખરેખર બિરદાવા જેવું પગલું ભર્યું છે. વનસંપત્તિ અને એની ઉપયોગિતાને લગતાં અનેક અવનવાં સંશોધન અવારનવાર થઈ રહ્યાં છે. એ ધ્યાનમાં રાખીને આપણી સર્વોચ્ચ અદાલતે વૃક્ષવિજ્ઞાનના નિષ્ણાતોની એક સમિતિ નીમી, જેમને વૃક્ષોનું મૂલ્યાંકન કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. કયા પ્રકારનું વૃક્ષ છે, કેટલાં વર્ષ જૂનું છે, એની ‘તબિયત’ કેમ છે? વગેરેને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ જે તારણ કાઢ્યાં છે એ ખરેખર રસપ્રદ છે, જેમકે… સામાન્ય રીતે એક વૃક્ષ દર વર્ષે સરેરાશ રૂપિયા 45,000નો ઓક્સિજન પેદા કરી પર્યાવરણને આપે ઉપરાંત રૂપિયા 20,000નું ખાતર અને રૂપિયા 10,000ના એનાં લાકડાંની કિંમત ગણીએ તો એક વૃક્ષની માત્ર એક વર્ષની કુલ કિંમત થાય રૂપિયા 75 હજાર. (જોકે, સમિતિએ અહીં વૃક્ષ દીઠ રૂપિયા 74,500ની કિંમત મૂકી છે) એટલે વૃક્ષ જેટલાં વર્ષ જૂનું એ આંકનો ગુણાકાર 74,500થી કરો તો એ વૃક્ષની ખરી કિંમત ગણાય. બીજા શબ્દોમાં કહીએ તો 100 વર્ષ જૂનાં એક હેરિટેજ વૃક્ષની કિંમત 1 કરોડથી પણ વધુ હોઈ શકે. થોડા મહિના પહેલાં વડોદરા નજીકના ગામમાં આવેલા એક પ્રાચીન વૃક્ષનું મૂલ્યાંકન થયું. જાણકારો કહે છે એમ તે 950 વર્ષ પુરાણું છે એ હિસાબે આજે એની કિંમત રૂપિયા 10 કરોડથી વધુ આંકવામાં આવે છે! જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ માટે અવરોધ બનતાં વૃક્ષને દૂર કરવાની વાત આવે ત્યારે ન્યાયાલયોનો પહેલો આગ્રહ એ હોય છે કે ઝાડનાં વિચ્છેદને બદલે બને ત્યાં સુધી આજની આધુનિક ટેક્નોલોજીથી એનું સ્થળાંતર કરવું. એ શક્ય ન બને તો કપાયેલાં વૃક્ષની ઉમર અનુસાર પાંચથી લઈને 20 સુધી નવાં વૃક્ષારોપણ કરવાં. થોડા મહિના પહેલાં મુંબઈના બહુચર્ચિત મેટ્રો રેલવે પ્રોજેક્ટની કામગીરી દરમિયાન રાજ્ય સરકારે કોર્ટના આવા આદેશનું પાલન કરવું પડ્યું હતું, તો બીજી તરફ કોલકાતામાં તૈયાર થઈ રહેલી એક સેવન સ્ટાર હોટેલના બાંધકામ વખતે પરવાનગી વગર 60થી વધુ વૃક્ષનું નિકંદન કાઢવામાં આવ્યું છે એવી ફરિયાદનો તાજેતરમાં ઐતિહાસિક ચુકાદો આપતા કોલકાતા હાઈકોર્ટે પેલી હૉટેલને ફરમાન કર્યું છે કે પર્યાવરણને આ રીતે અક્ષમ્ય નુકસાન પહોંચાડવા બદલ વળતરરૂપે 40 કરોડ રૂપિયા ગણી આપો અને બીજાં 100 વૃક્ષ પણ તાત્કાલિક વાવો, નહીંતર…! ⬛ bharatm135@gmail.com

અન્ય સમાચારો પણ છે...