ડૉક્ટરની ડાયરી:સાંભળ, જરાક ધ્યાન દઈ દેહનો અવાજ, ધસ્તા નથી કદીય અહી, ઘર કહ્યા વિના

3 મહિનો પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક

વલ્લભ દરજી એક સાચા અને જાણીતા સામાજિક કાર્યકર્તા. એક દિવસ સવારના દસ વાગ્યે એક સ્ત્રીને લઈને ક્લિનિકમાં દાખલ થયા. ફેમિલી પ્રેક્ટિશનર ડો. જીકાદરાને એમણે વિનંતી કરી, ‘ડોક્ટર, આ શાલિની છે. અઠવાડિયા પહેલાં એનું આંતરડું ફાટી ગયું હતું. નજીકમાં આશા પારેખ હોસ્પિટલ આવેલી છે. ત્યાં સર્જને એનું ઓપરેશન કર્યું. શાલિનીનો જીવ બચી ગયો. ગઈકાલે એને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી, પણ સર્જને કહ્યું છે કે પેટ પરનો ઘા હજી રૂઝાયો નથી. થોડાક દિવસો સુધી ડ્રેસિંગ કરાવવું પડશે. સાહેબ, બાઈ અત્યંત ગરીબ છે. એના શરીરમાં જરા પણ શક્તિ રહી નથી. એને ડ્રેસિંગ માટે હોસ્પિટલમાં લઈ જવી અને બબ્બે કલાક સુધી વારો આવે એની રાહ જોઈને બેસાડી રાખવી એ મુશ્કેલ કામ છે. જો તમે માનવતા રાખીને ડ્રેસિંગ કરી આપો તો...’ ‘તો? મને શું મળશે?’ ડો. જીકાદરાએ મૂછમાં હસીને હળવી મજાક કરી લીધી. ‘તમને ફી નહીં મળે પણ આશીર્વાદ ઢગલાબંધ મળશે.’ વલ્લભભાઈએ જવાબ આપ્યો. ‘આટલાં વરસથી એ જ મેળવી રહ્યો છું. પરિણામે મારા એકાઉન્ટમાં રૂપિયાનું બેલેન્સ ઘટતું જાય છે અને આશીર્વાદનું બેલેન્સ વધતું જાય છે.’ આટલું બોલીને ડો. જીકાદરા હાથ ધોઈને ડ્રેસિંગ માટેનાં સાધનો તરફ વળ્યા. ડો. જીકાદરા પણ અભાવગ્રસ્ત ક્યારામાં ઊગેલું પુષ્પ હતા, ગરીબીનો અર્થ એમણે શબ્દકોષમાંથી નહીં પણ જીવાતી જિંદગીમાંથી જાણ્યો હતો. સાંતાક્રુઝ એરપોર્ટની સામે પશ્ચિમમાં આવેલી ઝૂંપડવસ્તી એ એમના દર્દીઓનો વિસ્તાર હતો. મોટાભાગની વસ્તી મહારાષ્ટ્રીયનોની. પુરુષો મજૂરીકામ કરે, બહેનો આજુબાજુના પરિવારોનાં ઘરકામ કરે. થોડીક વસ્તી ગુજરાતીઓની પણ ખરી. એમનીયે આર્થિક સ્થિતિ સાવ નબળી. ડો. જીકાદરા પાસે ક્લિનિક ખરીદવા જેટલી શક્તિ ન હતી એટલે એમણે માસિક સવા ત્રણસો રૂપિયાના ભાડેથી એક દુકાન રાખી લીધી હતી. એ જમાનામાં ડો. જીકાદરાની ફી કેટલી હતી? જાણીને હસવું આવે એટલી. કોઈ પણ નવા દર્દીને તપાસવાનો, નિદાન કરવાનો અને એક દિવસની સારવાર આપવાની ફી દસ રૂપિયા. ઈન્જેક્શન આપવાની કે ડ્રેસિંગ કરી આપવાની ફી ફક્ત બે રૂપિયા. રોજ બે-ચાર દર્દીઓ માટે હોમ-વિઝિટ્સ પર પણ જવું જ પડતું હતું. દર્દી અતિશય વૃૃદ્ધ હોય અથવા ગંભીર બીમારીના કારણે પથારીમાંથી ઊભા ન થઈ શકે તેમ હોય ત્યારે દર્દીના સગાંઓ આવીને વિનંતી કરતા હતા, ‘ડોક્ટર સાહેબ, તમે અમારા ઘરે આવીને દર્દીને જોઈ જશો? તમે જે ફી માગશો તે અમે...’ આ છેલ્લું વાક્યું જેમ અધૂરું રહેતું હતું તેમ એનું પાલન પણ અધૂરું જ રહી જતું હતું. હોમ વિઝિટની ફી ડો. જીકાદરાએ પચીસ રૂપિયા ઠરાવી હતી જે ભાગ્યે જ રોકડી તેમને મળતી હતી. વિઝિટ, તપાસ અને ટ્રીટમેન્ટ બધું પતી જાય ત્યારે દર્દીના સગાંઓ કહેતાં કે ‘ડાયરીમાં લખી લો, આવતા મહિને જ્યારે પગાર થશે ત્યારે આપી જઈશું.’ ડો. જીકાદરા આવતા મહિનાની પહેલી તારીખ ક્યારે આવે એની રાહ જોયા કરતા, એમને સૌથી મોટી અને પ્રથમ ચિંતા ભાડાના ત્રણસો પચીસ રૂપિયા ભેગા કરવાની રહેતી હતી. આવી હાલતમાં વલ્લભભાઈ દરજી જેવા સામાજિક કાર્યકર્તા અવારનવાર ગરીબ દર્દીઓને લઈને આવી ચડતા હતા. બધા સામાજિક કાર્યકર્તાઓ ‘જેન્યુઈન’ નથી હોતા. વલ્લભભાઈ દરજી સાચા, પ્રામાણિક અને નિષ્ઠાવાન કાર્યકર હતા. એટલે જ ડો. જીકાદરા એમનું માન સાચવતા હતા. શાલિનીને ટેબલ પર લઈને ડો. જીકાદરાએ ડ્રેસિંગ કરી આપ્યું, પણ એમ કરવામાં અણધાર્યો સ્પર્શ થઈ ગયો એમાં એમને લાગ્યું કે શાલિનીનું શરીર ગરમ હતું. એમણે પૂછ્યું, ‘બહેન, તને તાવ આવે છે?’ ‘હા, તાવ તો મને કેટલાય દિવસોથી રહ્યા કરે છે. મારું આંતરડું ફાટી ગયું એ પહેલાં મેં ઘણા બધા દિવસો લગી સામેવાળા ડો. કોઠારકરને ત્યાં સારવાર પણ....’ ડો. કોઠારકરનું નામ સાંભળીને ડો. જીકાદરા ચોંક્યા. એ વળી બીજી એક સમસ્યા હતી. નાની સૂની નહીં, પણ મોટી સમસ્યા. ડો. કોઠારકર પાસે એલોપેથીની ડિગ્રી ન હતી. એ અન્ય વિદ્યાશાખામાં અભ્યાસ કરીને ડોક્ટર બન્યા હતા. એલોપેથીની એક પણ બીમારી કે દવા વિશે એમનો અભ્યાસ, અનુભવ અને જાણકારી શૂન્ય હતાં. એક વર્ષના બાળકને પણ તેઓ ભારે ડોઝમાં એન્ટીબાયોટિકનું ઈન્જેક્શન ઠોકી દેતા હતા. સ્ટીરોઈડનો તો એ ચણા-મમરાની જેમ છૂટ્ટા હાથે ઉપયોગ કરતા હતા. ડો. કોઠારકરે સમજી લીધું કે ડો. જીકાદરાની સાથે સ્પર્ધા કરવી હશે તો એ ક્લિનિકલ કૌશલ્યમાં તો નહીં જ થઈ શકે. એણે જે એકમાત્ર ઉપાય હતો તે અપનાવી લીધો. પોતાની ફી બે રૂપિયા જાહેર કરી દીધી. દર્દીઓનો પ્રવાહ એમની તરફ વળી ગયો. ડો. કોઠારકર બે રૂપિયાના બદલામાં સસ્તી વિટામિન ટેબ્લેટ્સ, સ્ટીરોઈડ અને પેરાસિટામોલનું કોમ્બિનેશન પડીકીમાં બાંધી આપતા હતા. આમ પણ રૂટિન બીમારીઓમાંથી એંશી ટકા જેટલી તો આપમેળે દર્દીની ઈમ્યુનિટીના કારણે મટી જતી હોય છે. બાકી રહી વીસ ટકા, તો એમનો માલિક ભગવાન! શાલિની પણ આ વીસ ટકામાં આવી ગઈ હતી. એને પેટમાં દુ:ખાવો થતો હતો, શરીરમાં ઝીણો તાવ રહેતો હતો, ભૂખ મરી ગઈ હતી, વજન ઘટતું જતું હતું, અશક્તિ વધતી જતી હતી. ડો. કોઠારકર એને સ્ટીરોઈડ્ઝની ટેબ્લેટ્સ ગળાવતા રહ્યા. આંતરડાની બીમારી વધતી ગઈ. એનાં ચિહ્નો દબાઈ ગયાં. એક દિવસ આંતરડું ફાટી ગયું. નિષ્ણાત સર્જને ઓપરેશન કરીને એનો પ્રાણ તો બચાવી લીધો પણ શાલિનીની મૂળ ફરિયાદો ચાલુ જ હતી. ડો. જીકાદરાએ શાલિનીનું ગરમ શરીર અને એની પાછલી હકીકત જાણીને પોતાનું ક્લિનિકલ જ્ઞાન કામે લગાડ્યું. છઠ્ઠી ઈન્દ્રિયમાં ઝબકારો થયો, ‘આ પેટનો ક્ષયરોગ તો નહીં હોય? એબ્ડોમિનલ ટ્યુબરક્યુલોસિસ? બધાં ચિહ્નો એનાં જ લાગે છે. સ્ટીરોઈડ્ઝના કારણે ટી.બી.ના જંતુઓ ઝડપથી ફેલાઈ ગયા અને આંતરડામાં કાણું પાડી દીધું.’ ડો. જીકાદરાએ ઓપરેશન કરનાર સર્જન સાથે ટેલિફોનિક વાતચીત કરી. પોતાની શંકા જાહેર કરી. સર્જને તમામ ઈન્વેસ્ટિગેશન્સ કરાવ લીધા. એક પણ રિપોર્ટમાં ટી.બી. છે એવો પુરાવો મળ્યો નહીં. ડો. જીકાદરા ધર્મસંકટમાં મુકાઈ ગયા. જ્યાં સુધી ટી.બી. પુરવાર ન થાય ત્યાં સુધી એની સારવાર ચાલુ ન કરી શકાય. જો સારવાર ચાલુ ન કરે તો શાલિનીની હાલત કથળતી જાય. એવું જ બન્યું. શાલિની ઝડપથી વજન અને શક્તિ ગુમાવી રહી હતી. આખરે સ્થિતિ એવી આવી ગઈ કે એને ઊંચકીને ટેબલ પર સૂવડાવવી પડે. એની ત્વચા પણ ખસૂરિયા કૂતરાની ચામડી જેવી થવા માંડી. એક તરફ દર્દીની જિંદગી જોખમમાં હતી, બીજી તરફ ટ્રીટમેન્ટ માટેનો પ્રોટોકોલ હતો. પુરાવા વગર કોઈ ગંભીર રોગની સારવાર આપી ન શકાય. ડો. જીકાદરાએ એક સિનિયર ફિઝિશિયનને ફોન કર્યો. સલાહ માગી. ફિઝિશિયને બધા રિપોર્ટ્સ જાણ્યા પછી સલાહ આપી, ‘પેશન્ટનો ઈ.એસ.આર. વધારે છે. બીજા તમામ રિપોર્ટ્સ નોર્મલ છે. આ સ્ત્રી મરી જશે એ લગભગ નક્કી છે. એક અજમાઈશ રૂપે એને ટી.બી.ની ટ્રીટમેન્ટ આપવી જોઈએ. એનાં સગાંઓને વિશ્વાસમાં લઈને...’ ડો. જીકાદરાને પોતે જે માનતા હતા એ વાતમાં સમર્થન મળી ગયું. એમણે શાલિનીના પતિને કહ્યું, ‘ભાઈ, તારી ઘરવાળીને ટી.બી. થયો છે એવું કોઈ રિપોર્ટ કહેતો નથી તો પણ હું ટી.બી.ની સારવાર શરૂ કરું છું. એને કંઈ પણ થાય તો...’ ‘તો જવાબદારી મારી.’ પતિએ કહી દીધું. ડો. જીકાદરાએ રીફામ્પીસિન શરૂ કરી દીધી. પ્રારંભમાં આ દવા શાલિનીને વસમી પડી ગઈ, પછી ધીમે ધીમે એ ટેવાતી ગઈ. દવાએ ચમત્કારિક અસર બતાવી દીધી. શાલિનીની ભૂખ ઊઘડવા માંડી. વજન વધવા લાગ્યું. દેહમાં શક્તિ આવતી ગઈ. ચામડી નીરોગી બની ગઈ. છ મહિનામાં તો શાલિનીની શિક્કલ બદલાઈ ગઈ. હાડપિંજર જાણે હર્યુંભર્યું બની ગયું! ભારતમાં ટી.બી. બહોળા પ્રમાણમાં ફેલાયેલો છે. અનુભવી ડોક્ટર પોતાની સિક્સ્થ સેન્સ દ્વારા આ બીમારીનું અનુમાન તો કરી શકે છે, પણ સારવાર શરૂ કરી શકતો નથી. આજથી ત્રીસેક વર્ષ પહેલાં અમદાવાદના એક હોશિયાર, વરિષ્ઠ બાળરોગ નિષ્ણાતે એક બાળકને આ જ રીતે ટી.બી.ની સારવાર શરૂ કરી હતી, જેના માટે એના પર અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. મીડિયાએ ભારે બદનામી કરી હતી. માત્ર અમે ડોક્ટરો જ જાણતા હતા કે એ ડોક્ટર સાચા હતા. ડો. જીકાદરાનું નસીબ સારું હતું કે એમને આવું કંઈ સહન કરવું પડ્યું નહીં.⬛ શીર્ષકપંક્તિ : મરીઝ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...