પ્રતિમાઓ:જીવન-પ્રદીપ

3 મહિનો પહેલાલેખક: ઝવેરચંદ મેઘાણી
  • કૉપી લિંક

દાદીમાએ મને કંઈ કહ્યું નહીં. કોનો છે કાગળ?’ મુફલિસે માંડ શબ્દો બેસાર્યા. લખ્યું હતું: ‘મેડા નં…ની ભાડૂતબાઈ… ત્રણ મહિનાનું ચડત ભાડું સાંજ સુધી નહીં ચૂકવી જાઓ તો કાલ સવારે મેડો ખાલી કરાવવામાં આવશે.’ આંધળીના નેત્રોમાંથી ધાર વહી. ‘તું રોવા શું બેઠી એમાં?’ મુફલિસનો ગૂંજતો અવાજ એના મોંની સિકલ પરની મૂંઝવણને છેતરતો હતો: ‘હમણાં જઈને હું લઈ આવું છું.’ ...પણ મ્યુનિસિપાલિટીના ડીપો પર પહોંચ્યો અને એને રુખસદ મળી હોવાના ખબર આપવામાં આવ્યા. રાતના દસેક વાગ્યે એક ઝગઝગતી રંગભૂમિને દરવાજે પહોંચ્યો. અંદર મુક્કાબાજીનો જલસો થવાનો હતો. અંદરથી એક આદમી બહાર આવ્યો. એણે પૂછ્યું: ‘અમારી એક જોડી તૂટે છે. તારે ઊતરવાની છે મરજી? જીતનારને રૂ.100નું ઈનામ મળશે.’ ‘હા. એક શરતે. મને બહુ મુક્કા ન મારવા. હું જાણીબૂજીને હારીશ. રૂ. પચાસ-પચાસ આપણે બેઉ વહેંચી લઈશું.’ જેની સાથે ઈનામની વહેંચણીનો કરાર કરેલો તે ખેલાડીને કોઈક અકસ્માતને કારણે આ મુફલિસ ભાઈની જોડીમાંથી ખેસવવામાં આવ્યો. એને બદલે મુફલિસે બાજને દીઠો. વિકરાળ અને ખૂનભર્યો. ‘આપણે બે જણા ભાગે પડતું વહેંચી લઈશું?’ મુફલિસે પ્રસ્તાવ મૂક્યો. જવાબમાં ડોળા ઘુરકાવ્યા: ‘હું ઈનામ સારુ નથી આવતો અહીં. ઈજ્જત સારુ આવું છું.’ તે દિવસના જલસાએ મુફલિસને મરણતોલ કરી મૂક્યો. પ્રભાતે ચૂકવવાના રૂ. 50માંથી એકાદની કરકરિયાળી કોર નહોતી દેખાતી. મુફલિસને લાંબી ટીપ મળી. [4] રસ્તાના ચોકની એક બાજુએ ફૂલોની દુકાન શોભતી હતી. બે-ત્રણ દાસીઓ અંદર ઘૂમતી હતી. સજા ભોગવીને જેલની બહાર આવેલા મુફલિસ પગલાં યંત્રની પેઠે ચાલ્યાં જતાં હતાં. જૂની પિછાનવાળા ઓટા પાસે એ આવી પહોંચ્યો. ત્યાં કોઈ નહોતું. ચોકના ખૂણા પરની પગથી ઉપર તે પહોંચ્યો ત્યારે જમીન પર ગટરની અંદર તેણે એક ફૂલ પડેલું દીઠું. દેખીતી રીતે જ એ ફૂલ કોઈ દુકાનના વાસીદામાં જ નીકળેલું હતું. ફૂલને તેણે ગટરમાંથી ઉપાડ્યું. એણે પછવાડે જોયું. એ દંગ થઈ ગયો. ભરચક ફૂલોની દુકાન. ફૂલોની દુનિયા વચ્ચે એક મોં દેખાયું. એ ક્યાંથી હોય? એ જ - એ જ એ જ. કોઈની દુકાનમાં નોકર રહી ગઈ. કેવાં સ્થિર નેત્રે બેઠી છે? મહિનાઓ પહેલાં દીઠી હતી તેવી જ અંધ, છતાં અનંતને પાર જોતી બે આંખો. ત્યાં એણે ઉદ્્ગાર સાંભળ્યો: ‘દાદીમા, આજ મારી ડાબી આંખ ફરકે છે. મને એમ થાય છે કે જરૂર આજ એ આવશે.’ ધીરે ધીરે મુફલિસ છેક ફૂલોના જૂથની પાસે જઈને ઊભો. બોલતો નથી. ફૂલવાળી પણ આ ગાંડા ભિખારીની હર્ષચેષ્ટાઓને જોઈ રહી. પોતે વાટ કોની જોઈ રહી છે અને મેળાપ કોનો થયો છે: કલ્પનાની સુંદર સ્નેહમૂર્તિ ક્યાં? ને ક્યાં આ એક ગાંડાની ઈસ્પતાલમાંથી નાસી આવેલાના દીદાર! ‘દાદીમા!’ ભિક્ષુકના ચહેરા પર કોઈ અજબ વેવલાપણું દેખીને ફૂલવાળીએ ડોશીને કહ્યું, ‘જુઓ તો ખરાં! આ શેઠજી મારા ઉપર એનું વહાલ ઢોળી રહેલ છે.’ એ ધીરું ધીરું હસી. સાંભળીને મુફલિસ ખસિયાણો પડી ગયો. એના મોં પરની વેવલાઈમાં કરુણતા ભળી. એના ફૂલની બધી પાંખડીઓ ખરી પડી. ‘તારે ફૂલ જોઈએ છે અલ્યા? લે આ તાજું ગુલાબ.’ એણે ફૂલ લેવા હાથ લંબાવ્યો. ફૂલ લઈને એ ઊભો રહ્યો. ‘કેમ હજુ ઊભો છે? તું ભૂખ્યો છે? પૈસો જોઈએ છે તારે? આ લે પૈસો.’ ફૂલવાળીએ પૈસો આપવા હાથ લંબાવ્યો. મુફલિસ પાછો હટ્યો. ‘કેમ નાઠો? આ લે પૈસો. એમ કહેતી એ ઊભી થઈ. લપાઈને ઊભેલો મુફલિસ ત્યાં જ થીજી ગયો. એને જાણે કોઈ સોટા મારવા ચાલ્યું આવે છે.’ ‘આ લે પૈસો.’ મુફલિસે હાથ સંકોડી લીધા. ફૂલવાળીએ એનો હાથ પકડીને હથેળીમાં પૈસો મૂક્યો. મૂકતાં જ, હાથનો સ્પર્શ થતાં જ, ફૂલવાળીના રોમે રોમે ઝણઝણાટી ઊઠી. ઝાલેલો હાથ છોડી ન શકાયો. એનાથી એટલું જ બોલી શકાયું: ‘તમે? પાછા આવી પહોંચ્યા?’ મુફલિસના મોંમાંથી આટલો જ બોલ પડ્યો: ‘તું તું દેખતી થઈ?’ ફૂલવાળીએ માથું હલાવ્યું. ચારે જીવન-પ્રદીપોમાં આંસુનું તેલ પુરાતું હતું. હસ્તમિલાપ હજુ ભાંગ્યો નહોતો. બેઉની વચ્ચે એક તાજું ગુલાબ હસતું હતું.⬛(સમાપ્ત) (‘પ્રતિમાઓ’ પુસ્તકમાંથી સાભાર)

અન્ય સમાચારો પણ છે...