પ્ર ત્યેકનાં ઘરમાં અરીસો હોય છે. અરીસો તમે જેવાં છો એવાં જ તમને બતાડે છે. આ જગતમાં એકમાત્ર અરીસો જ આપણને વધુ પસંદ છે, કારણ કે એ મૌન રહે છે. રામચરિત માનસમાં વાંચેલું કે રાજા દશરથને અરીસામાં ધોળો વાળ દેખાયો અને તેમને શ્રીરામનો રાજ્યાભિષેક કરવાનો વિચાર આવ્યો. રામાયણના ભીષણ યુદ્ધના કારણ માટે શૂર્પણખા ભલે બદનામ થઈ, પરંતુ ખરું કારણ તો પેલો અરીસો ના કહેવાય? ક્યારેક મને પ્રશ્ન થાય કે લંકામાં દશાનન શું એક સાથે દસ અરીસામાં મૂછે તાવ દેતો હશે? દ્રૌપદીના ચીરહરણ પછી દુર્યોધન અને દુ:શાસન અરીસાની સામે ઊભા રહી શક્યા હશે? કુમળી બાળકીને પીંખનારાઓનાં ઘરમાં અરીસાઓ સામૂહિક ગળાફાંસો ખાઇ લેતાં હશે કે શું? ખોટું કામ કરનારાઓએ ઘરનાં અરીસા ફેંકી દીધા હશે કે શું? અરીસો કશું છુપાવતો નથી. તેથી કદાચ તે વધુ લોકપ્રિય છે, પરંતુ અરીસા જેવા વ્યક્તિઓ સમાજમાં બધાંને ઓછા ગમે છે. કોઈપણ વ્યક્તિ સૌથી વધુ માત્ર પોતાને જ ચાહે છે. વ્યવહાર અને નફા માટે એ હજારો લાખો લોકોને જીવનમાં કહેતા ફરે છે કે ‘આઇ લવ યુ!’ પરંતુ સમાજનાં 98% લોકોનું સાચું સ્લોગન છે ‘આઈ લવ મી...!’ બે ટકા લોકો જે પોતાના કરતાં રાષ્ટ્રને, સમાજને કે ઈશ્વરને વધુ પ્રેમ કરતા જોવા મળે છે. જોકે, એ બે ટકા લોકોથી જ સમાજ શુશોભિત હોય છે. અરીસાને જો વાચા હોત તો કદાચ ઢગલાબંધ ઘરમાં તે પ્રતિબંધિત હોત. કેટલાક ભદ્ર અને શિક્ષિત સમાજમાં માતા-પિતા અનુભવોનો અરીસો છે. તેથી એ પણ ગમતા નથી. વૃદ્ધાશ્રમમાં જીવન વિતાવી રહ્યા છે તેનો આંકડો સ્પષ્ટ છે. તે તરછોડાયેલા વાલીઓ છે, પરંતુ તેથી પણ વધુ અવગણના પામેલાં માતા-પિતાની સંખ્યા લાખોમાં છે. ક્યાંક તે પુત્ર સાથે જ મૌન જીવી રહ્યાં છે. ક્યાંક એકાંતમાં ગામડે કે શહેરમાં જીવનનો ઉતરાર્ધ વીતાવી રહ્યાં છે. પોતાના કરોડપતિ દીકરાની આબરૂ ન જાય એટલે તેઓ મૂંઝવણભરી આ વાત કોઈને કહેવા પણ તૈયાર નથી. અરીસાના આકાર તમે બદલાવી શકો, સ્વભાવ નહીં. બોલતો અરીસો જો હોત તો, કેટલાંક ઘરોમાં બાળક સાથેનાં માતા-પિતાના વ્યવહારને ભાળીને રાડેરાડ કરતો હોત. ઘરના એકના એક બાળકની એકલતા જોઈને ચોધાર આંસુએ રડી પડ્યો હોત. અરીસાની રાડ્યું સાંભળવાના નોકર કે નોકરાણીને અલગથી પગાર અપાવા લાગ્યા હોત. રે! અરીસા! મૂંગો છો ને તેથી જ મૂલ્યમાન છો. બાકી જો તને પણ અમારી જેમ જીભડી હોત તો તું’ય બે કોડીનો થઈ જાત. અરીસો એક માત્ર સાક્ષી છે આપણા શારીરિક અને માનસિક બંને વિકાસનો. વધતા શરીર સાથે આપણામાં ક્યારે, કયા વિચારો અને વિકારોએ પ્રવેશ કર્યો તે આપણા સિવાય એકમાત્ર અરીસો જ જાણે છે. લોકોને તો માત્ર આપણી આંખ્યુંનાં કુંડાળાં દેખાતાં હોય છે પરંતુ આ અરીસો તો આપણા મનનાં કુંડાળાં પણ જાણે છે. ભવિષ્યમાં સાયન્સ કોઈ એવું યંત્ર શોધી લેશે કે જે તમારા અરીસા સામે કરેલા વિચારોને લિપિબદ્ધ કરશે. સ્ત્રીઓ અરીસા વગરના સમાજની કલ્પના જ ન કરી શકે. કેટલીક સ્ત્રીઓ પોતાના પતિ કરતાં અરીસા સામે વધુ બેસે છે. કેટલીક વિજોગણો કોઈને નથી કહેતી એવી તમામ વાત અરીસાને કહી દે છે. અરીસો એ સ્ત્રીઓનો વણલખ્યો અધિકાર પણ છે. ગમે તેટલા લોકો વચ્ચે ગમે તે ફંકશનમાં પર્સમાંથી અરીસો કાઢીને બિંદી સરખી કરવામાં સ્ત્રીને સ્હેજ પણ ક્ષોભ નથી થતો. અરીસા પાસે અને અરીસા સામે સ્ત્રીના પ્રસન્ન દાંપત્યજીવનની કેટલીય મધુર પળો સચવાઈને પડી હોય છે. પુરુષ જ્યારે પણ કોઈ ગિફ્ટ લઈ આવે છે ત્યારે પોતાની પત્નીને અરીસાની સામે આંખો બંધ કરીને જ ઊભી રાખે છે. ગિફ્ટનું સરપ્રાઈઝ સૌ પ્રથમ અરીસાએ જ ઝીલ્યું હોય છે. આ રીતે જુઓ તો દાંપત્યજીવનના કેટલાં વ્હાલભર્યાં આલિંગનો અને ચુંબનો અરીસો સંઘરીને બેઠો છે. પત્નીની ગેરહાજરીમાં અહીં કોણ કોણ આવેલું? તેની પણ એક અરીસાને જ જાણ છે હોં! ભલું થજો અરીસા બનાવનારનું કે તેણે મૂંગો સર્જ્યો, નહીંતર ઘર ભંગાવવા માટે એકલો અરીસો જ કાફી છે હોં! બાળક માટે અરીસો કુતૂહલપ્રેરક છે. દાંપત્યજીવન માટે અરીસો એક મહત્ત્વનો હિસ્સો છે. વૃદ્ધો માટે અરીસો ભવ્ય ભૂતકાળનો સાક્ષી છે. સાધકને અરીસો સતત સ્મરણ કરાવે છે કે આટલા સરસ શરીર સાથે માનવ અવતાર મળ્યો તો’ય હજુ તેં મોક્ષનો માર્ગ ન લીધો. હજુ તું આ શરીરમાં જ અટવાયેલો છો? જ્ઞાની લોકોનો અરીસો એક્સ રે સાથેનો હોય છે, જેથી તેઓને શરીરના સુંદર રૂપરંગની અંદર રહેલા હાડમાંસના લોચા પણ સ્પષ્ટ દેખાતા હોય છે. જીવનનું કોઈપણ એવું કાર્ય શરૂ કરતાં પહેલાં જાતને અવશ્ય પૂછો કે આ કામ કર્યા પછી હું અરીસા સામે ઊભો રહી શકીશ? અરીસાને મિત્ર બનાવો. ક્યારેક વ્હાલથી તમે તેને સાફ કરો. પ્રેમભર્યું એકાદું ચુંબન તેને આપો. તેની સાથે દિવસ દરમ્યાન ઓછામાં ઓછી બે મિનિટ વાત કરો. તમારી જાત સાથે વાત કરવાના એ શ્રી ગણેશ હશે. કોઈ પણ માણસને જીવનમાં પ્રવેશ આપતાં પહેલાં અને હાંકી કાઢતાં પહેલાં એક વાર તેને પૂછવાની ટેવ રાખો. જીવનની કોઇ પણ વિકટ પરિસ્થિતિમાં મૂંઝાવ ત્યારે એક જ વ્યક્તિ તમારી સાથે આવશે અને એ અરીસામાં નિહાળશો ત્યારે તમને સ્પષ્ટ દેખાશે. અરીસાનું એક સંસ્કૃત નામ છે ‘આદર્શ.’ કેટલું યોગ્ય નામકરણ છે! લોકબોલીમાં કોઈ ‘આરીહો’ કહે, કોઈ ‘દર્પણ’, ‘આયના’ તો કોઈ ‘મિરર!’ સાહિર લુધિયાનવીએ કેટલાં વર્ષો પહેલાં ‘કાજલ’ ફિલ્મમાં એક ગીત લખેલુ યાદ છે? ‘તોરા મન દર્પણ કહેલાયે ભલે બુરે સારે કર્મો કો દેખે ઔર દિખાયે..!’ તો હસરત જયપુરીએ ‘મા’ ફિલ્મનું એક સુંદર ગીત લખેલું કે ‘આયને કે સો ટુકડે, કરકે હમને દેખે હૈ, એક મેં ભી તન્હા થે, સો મેં ભી અકેલે હૈ.’ અરીસો એકલતાનો સાથી છે. ભાંગ્યાનો ભેરુ છે. પરંતુ આપણી વાત રામાયણથી શરૂ થઈ હતી. તો વિરામ પણ રામાયણથી જ હોવો જોઈએ. અરીસો રામાયણનું કારણ પણ અને રામાવતારનું પણ...! રામાયણની કથા મુજબ નારદજી તપ કરીને કામને જીતી લ્યે છે. ભગવાન વિષ્ણુને અહંકારપૂર્વક આ સમાચાર આપે છે. ભગવાન પણ એક લીલા કરે છે. શીલનિધિ નામના રાજાની કુંવરી ‘વિશ્વમોહિની’ના સ્વયંવરમાં નારદજીને મોકલે છે. નારદજી ભગવાનને કહે છે કે મને તમારું રૂપ આપો અને મારું હિત કરજો. ભગવાન વિષ્ણુ નારદજીનું પરમ હિત વિચારી તેમનું મોં વાનર જેવું કરી નાખે છે. પરિણામે વિશ્વમોહિની નારદને વરતી નથી. અંતે નારદજી જળમાં પોતાનું પ્રતિબિંબ જોઈને ક્રોધિત થઈને શ્રાપ આપે છે કે ‘તમારે પણ પત્નીનો વિરહ સહેવો પડશે અને વાનરોનો સહયોગ લેવો પડશે.’ નારદજીનો આ શ્રાપ રામાવતારનું એક મજબૂત કારણ બન્યું. નારદજી માટે જળ જો દર્પણ ન બન્યું હોત તો? આપણને સૌને રામ ન મળત. અરે અરીસા, તારી કેટલી બલિહારી! તારી ઉપર જાઉં વારી વારી. અરીસા સામે રોજ રાજી રહેજો અને તેને પણ રાજી રાખજો. કાન દઇને કયારેક સાંભળજો અરીસાને જીભડી નથી આવી ને! વાઈ-ફાઈ નહીં, સાંઈ-ફાઈ આવે તો વિચારજો.{ sairamdave@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.