તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઈટ હાઉસ:ઝૂઠ બોલે કૌઅા કાટે... રિઅલી!!!

રાજુ અંધારિયા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વારંવાર બોલાતું જૂઠ માણસની માનસિક પ્રક્રિયાને એક નિશ્ચિત પ્રવાહ ભણી દોરી જાય છે

પ્રાચીન બોધકથામાં ખભે બકરી લઈને જતા એક માણસ પાસેથી ત્રણ ઠગ એ બકરી પડાવી લેવાનો પેંતરો રચે છે. એક ઠગે આવીને પેલા માણસને કહ્યું કે એનાં ખભા પર તો કૂતરું છે. પેલા માણસે માન્યું નહીં. આગળ જતાં બીજા ઠગે પેલા માણસને એના ખભા પર કૂતરું હોવાનું કહ્યું. એ માણસે માન્યું તો નહીં, પણ મનમાં શંકા સળવળવા લાગી. થોડું આગળ ચાલ્યો ત્યાં ત્રીજા ઠગે એ જ વાતનું પુનરાવર્તન કર્યું ને લો, પેલા માણસે એ વાત સાચી માનીને બકરીને ત્યાં જ છોડી દીધી! હવે ચાલો લટાર મારીએ વર્તમાનમાં : તમે તમારા મગજનો ફક્ત 10 ટકા જ ઉપયોગ કરો છો. ગાજર ખાવાથી આંખનું તેજ વધે છે. વિટામિન સી શરદી મટાડે છે. તમને આ બધી બાબતોમાં કેટલું તથ્ય લાગે છે? આ બધી વાતનું લોકો એટલી બધી વખત પુનરાવર્તન કરે છે કે તમે એને સાચી માનવા લાગો છો. આને કહેવાય છે, ભ્રામક-આભાસી સત્યની અસર. એકની એક વાતના પુનરાવર્તનથી જે-તે બાબત વધુ બુદ્ધિગમ્ય કે તર્કસંગત લાગે છે અને લોકો કોઈ બાબતથી થાકી, કંટાળી ગયા હોય અને અન્ય બાબતથી વિચલિત થઇ ગયા હોય ત્યારે આવા ભ્રામક સત્યની અસર વધુ શક્તિશાળી હોય છે. હાલના આધુનિક સમયમાં એક નવાઈ લાગે એવી બાબત એ છે કે માણસનું ભણતર વધ્યું છે, હોશિયારી વધી છે છતાં એ પોતાની રોજિંદી જિંદગીની વ્યાધિથી એટલો વિચલિત થઇ ગયો હોય છે કે એ સોશિયલ મીડિયામાં ચલાવતા જૂઠાણાંને પળવારમાં સાચા માનીને એ જૂઠને વધુ આગળ ફેલાવવા માટેનો હાથો બની જાય છે. આભાસી સત્યનું એક સચોટ ઉદાહરણ છે જાહેરાતો-કોમર્શિઅલ્સ. એડમાં એકના એક શબ્દસમૂહનું એટલી બધી વાર પુનરાવર્તન કરવામાં આવે છે કે એમાં થયેલા દાવાને સાચો માની લોકો જે-તે પ્રોડક્ટનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવા લાગે છે. એવું જ અમુક સમાચારોનું છે. પુનરાવર્તન એટલી પાવરફુલ અસર ઊભી કરે છે કે બનાવટી સમાચાર પણ લોકો સાચા માની એ મુજબ પ્રતિક્રિયા આપવા લાગે છે. હિટલરે આ જ ટેક્નિકનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. એ પોતાની આત્મકથામાં લખે છે : ‘સ્લોગન્સ-પ્રચારસૂત્રો એટલા પુનરાવર્તિત થવા જોઈએ કે છેવાડાની વ્યક્તિ પણ એ વિચારને સુપેરે ગ્રહણ કરી લે.’ આની અસર કામ કરી જાય છે, કારણ કે લોકો સત્યનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેઓ બે બાબત પર આધાર રાખે છે : શું એ માહિતી પોતાની સમજણમાં આડખીલી પેદા કરે છે કે પછી એ માહિતી પરિચિત લાગે છે? આમાંથી પહેલી સ્થિતિ તર્કસંગત-લોજિકલ છે. લોકો જે બાબતને પહેલેથી સાચી માનતાં હોય એની સાથે આ નવી માહિતીની તુલના કરે છે અને બંને સ્ત્રોતની વિશ્વસનીયતાને ધ્યાનમાં લે છે, પરંતુ સંશોધન એવું કહે છે કે પરિચિતતા તર્કસંગત બાબતો માટે હુકમનું પાનું હોઈ શકે છે, એટલે કે એક જ બાબત વારંવાર સાંભળવી કે કોઈ ચોક્કસ હકીકત ખોટી છે એની વિરોધાભાસી અસર થઇ શકે છે. એ એટલી પરિચિત-ફેમિલીઅર થઇ જાય છે કે એ બાબત સાચી હોવાનું માનવાની શરૂઆત થઇ જાય છે. ટૂંકમાં, વારંવાર બોલાતું જૂઠ માણસની માનસિક પ્રક્રિયાને એક નિશ્ચિત પ્રવાહ ભણી દોરી જાય છે અને પછી એનું મગજ એ પ્રવાહને કંઇક સત્ય હોવાના સંકેત તરીકે અર્થઘટન કરી એનો એક તથ્ય-હકીકત તરીકે સ્વીકારી લે છે.⬛rajooandharia@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો