કિંચિત્:આજે તો ધુમાહ પાડી જ દઉં

મયૂર ખાવડુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘ગ્રહણ’ વાર્તા પુરાકલ્પનનો વિષય પણ બને છે. ઉપરથી સંયોગ શૃંગારની ઝાંખી થાય છે

બિપિન પટેલની ‘ગ્રહણ’ વાર્તામાં વિજ્ઞાન પણ છે અને પુરાણશાસ્ત્ર પણ છે. પટેલની વાર્તામાં પુરાણ વિજ્ઞાન ઉપર પ્રભુત્વ જમાવી જાય છે. જે વિજ્ઞાન પર શ્રદ્ધા ધરાવે છે એના પર જ પુરાણ હાવી બને છે અને તેને એ વાતની ભનક સુદ્ધાં નથી. ‘સન્નિધાન’માં સુમન શાહ નોંધે છે, ‘સંગીતમાં નાદ માધ્યમ છે, ચિત્રમાં રેખા તેમ સાહિત્યમાં શબ્દ માધ્યમ છે. સાહિત્ય શબ્દની કલા છે.’ અને શબ્દની આ કલા બિપિન પટેલની ‘ગ્રહણ’માં ભરપૂર છલકાઈ ઊઠે છે. કોઈ પણ કૃતિ આસ્વાદજન્ય આનંદનો અનુભવ કરાવતી હોવી જોઈએ. બિપિન પટેલની વાર્તાઓ આ અનુભવ સાથે સીધી સંકળાયેલી છે. અનુક્રમે તેમની બંને વાર્તાઓ ‘રંડી’ અને ‘ગ્રહણ’માં નારીવાદી અભિગમ સંવૃત્ત થાય છે. ‘ગ્રહણ’ વાર્તા તો પુરાકલ્પનનો (Myth) વિષય પણ બને છે. ઉપરથી સંયોગ શૃંગારની ઝાંખી થાય છે. તળપદી બોલીમાં સમુદ્રમંથનની ડોસી કથા માંડે છે અને વાર્તાનો આરંભ થાય છે. ગ્રહણ પૂર્ણ કરીએ ત્યારે ભાવક સહજ આપણને થાય છે કે વાર્તામાં ઘરમાં ફરતાં પાત્રોને પણ ખરેખર પુરાણ સાથે નિસ્બત ખરી. સંદીપ દેવ છે, જાગૃતિ મોહિની અને અમૃત, ધનજી ગ્રહણ નામનો દાનવ છે. દાનવ જેમ દેવોની હરોળમાં બેસી અમૃત પી ગયો હતો એમ ધનજી સંદીપના ઘરમાં જઈ જાગૃતિ સાથે સંબંધ બાંધી આવે છે. જેમ અમૃત દેવોનું એ રીતે ગંજી પણ સંદીપનું જે ધનજીએ પહેરેલું છે! જોકે આધુનિક શહેરી સમાજનું નેતૃત્વ કરતી આ વાર્તા, સમાજની અંદર પ્રવેશી ગયેલા લગ્નેતર સંબંધના સડાને દેખાડે છે. બિપિન પટેલની ‘રંડી’ અને ‘સિલ્વર જ્યુબિલી’ નામની વાર્તાની માફક ગ્રહણમાં પણ એ મુદ્દો સપાટી પર રહ્યો છે. વાર્તામાં વાંક કોનો? બિલકુલ, બધો વાંક જાગૃતિનો છે. તેણે જ ધનજીને ઉશ્કેર્યો છે. વાર્તાકારે સંદીપની કૃશ કાયાનું વર્ણન કરી તે કોઈ પણ સ્ત્રીની પસંદ ન હોઈ શકે એવો ચીતર્યો છે : ‘પહોળો લેંઘો અને ખાદીનો લૂઝર જેવો સદરો. ફેશનમાં જાગૃતિ જરા વધુ મોટો લાવેલી એટલે સદરાની બાંયમાંથી સંદીપના પાતળા હાથ સ્ટમ્પ્સ જેવા લાગે. હમણાંથી ટાલ પડવાની શરૂ થઈ છે એટલે કપાળ ખાસ્સું ખુલ્લું થઈ ગયું છે. આછા વાળને કારણે ચહેરો ચકલી જેવો દેખાય છે. જાગૃતિ કાયમ કહે, સાવ ચાડિયા જેવા લાગે છે.’ તેનાથી વિપરીત સ્થિતિ દર્શાવતા ‘રંગોલી’માં વિનોદ ખન્નાનું ગીત બતાવી વાર્તાકારે નાયિકાની અકબંધ એષણાઓને ઉઘાડી પાડી છે : ‘રંગોલી’નું પહેલું જ ગીત વિનોદ ખન્નાનું. સ્ટોનવોશ્ડ પેન્ટ અને કાળી, જરસી. જરસીનાં બટન ખુલ્લાં. હાથ પર કાળું લોકેટ, ગળામાં માદળિયું. જરસીની ચસોચસ બાંયમાંથી એના માંસલ હાથ દેખાય. ચહેરો ક્લીન શેવ. હિરોઈનની કમરે હાથ ભેરવીને ઘાસના મેદાનમાં નાચતો હતો. આ સિવાય વાર્તામાં કામદેવના બાણનું કાર્ય તનુરસે ભજવ્યું છે. એક સ્ત્રી કોઈ પુરુષના શરીરની ગંધથી કેવી આકર્ષાય! બિપિન પટેલ પાસે વાર્તા ‘કળા’ની સાથે દ્વિઅર્થી સંવાદો પ્રગટ કરવાની ‘કળા’ છે. એમણે ઘટનાતત્વ સાથે એવી રમત પાર પાડી છે કે ઘટનાની તલવાર ખુદ શૃંગારના મ્યાનમાં પરોવાઈ જાય છે. પ્રથમ વખતના વાંચનમાં કદાચિત્ એવું બને કે એ આંખ આગળથી છટકી જાય, પરંતુ ધ્યાનથી કોઈ વાંચે કે કોઈ સાથે સંવાદ સાધે તો ખ્યાલ આવે કે ‘ગ્રહણ’ વાર્તામાં બિપિન પટેલે ઘરના માળિયાની સાફ સફાઈ કરવા આવેલા ધનજીના મુખે એક વાક્ય મૂક્યું છે – ‘આજે તો ધુમાહ પાડી જ દઉં.’ કથાપ્રવાહમાં આગળ જતાં નાયિકા જાગૃતિ સાથેનો તેનો સંબંધ આ વાક્યનું આલેખન સિદ્ધ કરી બતાવે છે. જાગૃતિ પણ ધનજીનો પ્રવેશ થતાં એક સંવાદ ઉચ્ચારે છે, જે પણ દ્વિઅર્થી લાગે છે, ‘માંડ આજે હાથ આવ્યો છે તો પતાવી દઈએ.’ વાર્તાની શરૂઆતમાં જ વાર્તાકાર બિપિન પટેલે આપણી સમક્ષ કેટલાંક રહસ્યો છોડ્યાં છે. એમાંનું એક રહસ્ય એટલે, ‘આ તો દેહના કલ્યાણની વાત છે. આપણા દેહના.’ વાર્તાના અંતમાં જ્યારે સંદીપ ‘ગ્રહણ’ હોવા છતાં નિયમ તોડી ઘરની બહાર નીકળે છે અને ફરી ઘરમાં આવે છે ત્યારે ‘શો પહાડ તૂટી પડ્યો?’ એવો સંવાદ બોલે છે. એ સમયે મણિબાએ વાર્તાના આરંભમાં સંભળાવેલી કથાનું વાક્ય પણ આ સ્થિતિ સાથે બંધબેસે છે : ‘દોનવોને થ્યું ઓમેણ પૈણ્યા ચેડ તો અમરત કુંભ ઈનો જ છે, અન એ આપડી, ઈમ કોંય ફારફેર નહીં થવાનો. તાણ લાવો અતારે જ આલીએ અમરત કુંભ.’⬛ `cmayur835@gmail.com

અન્ય સમાચારો પણ છે...