મેનેજમેન્ટની abcd:પોલિટિક્સ-પોલિટિક્સ રમીએ

બી.એન. દસ્તૂર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોલિટિક્સની રમત આપણા સૌના ડી.એન.એ.માં છે. બે વર્ષના બાળકને પણ ક્યારે રડવું, ક્યારે હસવું, રિસાઈ જવું, ભૂખ હડતાળ ઉપર ઉતરવું એની ખબર હોય છે. સંસ્થાઓમાં પોલિટિક્સની રમત રમાતી રહે છે. એ રમતાં ન આવડતું હોય તેને આકરી કિંમત ચૂકવવી પડે છે. થોડી પાયાની આવડતો મેળવી લો. ⬛ સંસ્થાના કલ્ચર સાથે એકરૂપ થઈ જાઓ. સંબોધન, ભાષા, ડ્રેસ કોડ, વાતાવરણ વગેરે બાબતો ઉપર અમલ કરો. ⬛ સંસ્થામાં પાવરનાં સમીકરણો બદલાતાં રહે છે. પાવર ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, ક્યાં શોર્ટ સર્કીટ થાયછે એનો અભ્યાસ કરતા રહો. જેની પાસે પાવર છે, એની નજદીક જવાના પ્રયત્નો કરતા રહો. ⬛ જેની પાસે અગત્યની માહિતી છે તેની પાસે પાવર છે. સંસ્થાની અંદર અને બહાર, માહિતીની આપ-લેનું અસરકારક નેટવર્ક બનાવો. ⬛ સંસ્થામાં રિસોર્સ હંમેશાં શોર્ટ સપ્લાયમાં હોય છે. બને એટલા વધારે રિસોર્સ ઉપર નિયંત્રણ મેળવો અને દરેક રિસોર્સ વાપરવાની પ્રોસેસ શીખતા રહો. ⬛ બોસને ટેકો આપતા રહો. તમારું મૂલ્યાંકન કરવામાં એ કયા માપદંડ વાપરે છે તે શોધો અને એને અનુરૂપ વર્તન કરો. ⬛ બોસને પણ બોસ હોય છે. બોસના બોસ આગળ, તમારા બોસના વખાણ કરતા રહો. બોસની નજરમાં એફિશિઅન્ટ અને ઈફેક્ટિવ બની રહો. જેમાં બોસની ચાંચ ઓછી ડૂબતી હોય તે વિષયના નિષ્ણાત બનો. મીટિંગોમાં બોસને ટેકો આપતા રહો. ખિસ્સામાં કાણું ન પડી જતું હોય તો જે ક્લબના બોસ મેમ્બર છે તે ક્લબની મેમ્બરશિપ મેળવો. ⬛ છાપેલાં કાટલાં- જેની ઈમેજ સંસ્થામાં સારી ન હોય એવી વ્યક્તિઓથી દૂર રહો. હાય, હલોના સંબંધો તો રાખજો જ. ખુલ્લી દુશ્મનાવટ કરવાની મૂર્ખાઈ ન કરતા. ⬛ કંપનીમાં કયા પ્રકારની લીડરશિપ છે તેનો અભ્યાસ કરો અને એ જ ઢાંચામાં તમારી લીડરશિપ સ્ટાઈલને ઢાળી દો. ⬛ એ ભૂલશો નહીં કે તમારું મૂલ્યાંકન વાસ્તવિકતા ઉપર થવાનું નથી, પર્સેપ્શન ઉપર થવાનું છે. સૌ કોઈનું પર્સેપ્શન મેનેજ કરતા રહો. દાખલા તરીકે તમે કેટલા પ્રામાણિક છો તે અગત્યનું નથી. તમે કેટલા પ્રામાણિક પર્સીવ થાવ છો તે અગત્યનું છે. ⬛ તમારી જાતને અનિવાર્ય બનાવો. જે નોલેજ સંસ્થામાં ઓછું છે તેના નિષ્ણાત બનો. ⬛ સૌ કોઈની નજરમાં રહો. તમારી સફળતાના ઢોલ પીટો. તમારું કામ ઉચ્ચ મેનેજમેન્ટની નજરમાં આવે એવું ન હોય તો હોશિયારીથી, તમે જે ધાડ મારી રહ્યા છો એની ખબર ગ્રાહકો, સપ્લાયરો, ડિસ્ટ્રિબ્યુટરો, સરકારી અફસરો મારફતે તમારા બોસને પહોંચાડતા રહો. દુનિયાની કોઈ ગાય દૂધ ‘આપતી’ નથી, એને દોહવી પડે છે અને ઘડો ભલે ભરેલો હોય એને ખેંચવા દોરડું જોઈશે. છેલ્લે, તમારી સેવામાં ચંદ શબ્દોમાં, થોરામાં ઘનું કહેતી એક સૂફી કથા: ભાગતા શિયાળને કોઈએ પૂછ્યું, ‘કેમ ભાગે છે?’ શિયાળે કહ્યું, ‘મેં સાંભળ્યું છે કે લોકો ઊંટોને વેઠે પકડે છે.’ પૂછનારે કહ્યું, ‘પણ તું ઊંટ થોડો છે?’ શિયાળે કહ્યું, ‘ચૂપ કર. કોઈ બદમાશ મને ઊંટ છું એમ જાહેર કરે તો મને છોડાવશે કોણ?’

અન્ય સમાચારો પણ છે...