તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેનેજમેન્ટ:સાચવતાં શીખીને મેળવીએ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મમ્મીની વાત શિવાય માટે સફળતાનું સૂત્ર બની ગઈ

ઘણાં લોકો પોતાની મહેનતના દમ પર પૈસાદાર બને છે, જ્યારે કેટલાંક લોકો મહેનત કરવા છતાં ગરીબ રહી જાય છે. આ ઉપરાંત તમે એવાં લોકો પણ જોયાં હશે કે, જેઓ વારંવાર એવું કહેતાં હોય છે, ‘અમારી પાસે સમય જ નથી.’ આટલાં વ્યસ્ત રહેવા છતાં તેમને સફળ ન કહી શકાય. જ્યારે એવાં લોકો પણ છે કે જેઓ એટલા જ સમયની અંદર તેમનાં બધાં જ કામ કરે છે અને સમયની બચત કરીને મહત્ત્વનાં કાર્યો પણ પૂરાં કરે છે અને સફળ થાય છે. તો આવું કેમ? અહીં આપણે એક ઉ.દા. દ્વારા એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. શિવાય 10મા ધોરણનો વિદ્યાર્થી હતો. તેના પપ્પાની જોબ પણ સરસ હતી. શિવાયને પપ્પા પાસેથી પોકેટમની મળતી તે છેલ્લાં ત્રણ વર્ષમાં વધી નહોતી. શિવાયે મમ્મીને આનું કારણ પૂછ્યું. મમ્મીએ કહ્યું કે આનો જવાબ તો તારા પપ્પા જ આપી શકે. પપ્પાએ હસીને કહ્યું, ‘જે દિવસે તું તારી પોકેટમની સારી રીતે સાચવતાં શીખી જઈશ એ દિવસે હું તારી પોકેટમની વધારી દઈશ.’ શિવાય વિચારતો રહ્યો કે આખરે પપ્પા શું કહેવા માગે છે? શું પૈસા મૂકવા માટે તેનું ખિસ્સું નાનું છે? કે તે વધારે વજન નથી ઊંચકી શકતો? આવા અનેક સવાલો તેને થવા લાગ્યા. ત્રણ દિવસ પછી તે સ્કૂલબેગમાં પુસ્તકો ભરવા લાગ્યો. બેગ ભરાઈ ગઈ, પણ કેટલાંક પુસ્તકો બહાર રહી ગયાં. મમ્મીએ શિવાયની બેગ ખાલી કરીને ફરીથી બધાં પુસ્તકો ગોઠવ્યાં અને કહ્યું, ‘બેટા, માની લે કે, તારાં પુસ્તકો તારી પોકેટમની છે અને તું સ્કૂલબેગ છે. તું સાચી જગ્યાએ તારાં પુસ્તકો ગોઠ‌વીશ તો વધારે પુસ્તકો બેગમાં ગોઠવી શકીશ.’ મમ્મીની આ વાત શિવાય માટે સફળતાનું સૂત્ર બની ગઈ. હવે તેને પપ્પાની વાત સમજાઈ ગઈ કે પપ્પા પોકેટમની એટલે વધારતા નથી કે તે પોકેટમનીનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરતો નથી. એ પછી શિવાય જ્યાં જરૂર હોય ત્યાં પૈસા ખર્ચવા લાગ્યો. એની એક ડાયરી બનાવતો ગયો. આવતા મહિનાની પોકેટમની લેવાનો સમય આવ્યો ત્યારે અગાઉના મહિનાની પોકેટમનીના પૈસા પણ તેની પાસે બચ્યા હતા અને આ મહિનાની આખી પોકેટમની તેના હાથમાં હતી. તે પપ્પા પાસે ગયો અને કહ્યું, ‘પપ્પા, હું મારી પોકેટમની સાચવતાં શીખી ગયો.’ આમ, તેણે પપ્પાને પોતાની સેવિંગ્સ દેખાડી. પપ્પા ખુશ થયા અને તેમણે શિવાયની પોકેટમની પણ વધારી આપી. શિવાયની આ વાત આપણા સૌ માટે પણ લાઈફ મેનેજમેન્ટનો એક પાઠ છે.⬛

અન્ય સમાચારો પણ છે...