અત્ર-તત્ર-સર્વત્ર:ચાલો, ખૂન કરીએ..!

ભરત ઘેલાણી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મર્ડર-મિસ્ટ્રીની આ ગેમ ચીનમાં એવી લોકપ્રિય બની છે કે આજે એ બે અબજ ડોલરનો ધીકતો ધંધો કરે છે!

સીધી-સાદી સરળ જિંદગીને કેવી રીતે ગૂંચવી નાખવી, અટપટી કરી નાખવી એની કળામાં જો કોઈ કુશળ હોય તો એ ખુદ માણસ પોતે જ છે. સામેથી આફત નોતરવાની આપણી તાસીર રોજિંદાં જીવનમાંય ઝબકે છે. નજર સામે જ દાખલા છે. આપણા ‘ભાઈ ’ સલમાનનો ‘બિગ બૉસ’ શો… સામાન્ય માણસને નવાઈ એ લાગે કે વિભિન્ન મતિ-વિચાર-સ્વભાવનાં લોકોને એક બંધ ઘરમાં ધરાર સાથે રાખીને પેટ ચોળીને શા માટે આ શોના સંચાલકો શૂળ ઊભું કરાવતાં હશે?! આવો જ ટેલિવિઝન પર હમણાં શરૂ થયેલો બીજો પણ ગેમ શો છે. અહીં એવાં લોકોને ભેગાં કરવામાં આવે છે, જે ગંભીર આર્થિક સંકટમાં સપડાયાં હોય. એમને આ ગેમના સંચાલક એક પછી એક અટપટી રમત સૂચવે. એમાં જે નિષ્ફળ નીવડે એને ‘મોત’ની સજારૂપે ગેમમાંથી દૂર કરવામાં આવે અને અભિમન્યુના સાત ફેરાની જેમ જે સફળતાપૂર્વક ગેમમાંથી બહાર નીકળી આવે એને મળે દળદળ ફીટી જાય એવું જંગી ઈનામ…‘સ્કિવડ ગેમ’ તરીકે ઓળખાતો મૂળ દક્ષિણ કોરિયાનો આ શો આજે માન્યામાં ન આવે એવો પ્રચંડ પોપ્યુલર છે. અહીં આ બે ઉદાહરણ એટલા માટે આપ્યાં કે માનવ સ્વભાવ કેવો ચિત્ર-વિચિત્ર છે કે મનને વ્યસ્ત રાખવા કે બહેલાવવા કેવાં કેવાં નુસખા કર્યા કરે છે. આવા ખતરા જેવા અખતરામાં હમણાં એક વધુ જોણું ઉમેરાયું છે. આપણું અળવીતરું પાડોશી ચીન એક નવી રમત લઈને આવ્યું છે. આ ગેમનું ચીની નામ છે : ‘જુબેનશા’. બીજા શબ્દોમાં એનો અર્થ કહીએ તો ‘પટકથા અનુસાર હત્યા કરવી તે!’ આ ‘ચાલો, ખૂન કરીએ’ની રમત હમણાં હમણાં ચીનનાં મહાનગરોની ક્લબોમાં બહુ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. માર-ફાડ-ધાડની વિડીયો ગેમ્સનું આકર્ષણ હવે પહેલાં જેટલું રહ્યું નથી. હવે કોરોના સર્વત્ર હળવો થતાં લોકો નવી રમતની શોધમાં લાગ્યા. એમાં તરુણ–તરુણીઓથી લઈને વરિષ્ઠ નાગરિકોને પણ આ ચીની નવી રમત ‘જુબેનશા’એ ઘેલું લગાડ્યું છે. આ ગેમ રમનારા ખેલાડીઓ અનુસાર એક સ્ક્રિપ્ટ એટલે કે પટકથા પસંદ કરવામાં આવે કે ખાસ લખાવવામાં આવે. એમાં ભાગ લેનારા ખેલાડીઓ વચ્ચે ચર્ચા-વિચારણા પછી કોણ કયું પાત્ર ભજવશે એ નક્કી થાય. કથા અનુસાર પાત્રોની ખૂબી-ખામીઓ પણ ચર્ચાય. આ ગેમ મર્ડર-મિસ્ટ્રી-થ્રિલર છે એટલે એક, બે કે ત્રણ લાશ પણ ઢળે, પણ કોની હત્યા થશે, કોણ કરશે અને અંતે હત્યારો કઈ રીતે ઝડપાશે એ આ ગેમનું મુખ્ય સસ્પેન્સ છે. આ પ્રકારની મર્ડર સ્ટોરીને આગળ વધારવા માટે પટકથામાં લેખક અમુક-તમુક ક્લ્યૂ-કડી મૂકે છે. એના આધારે પાત્રો એટલે કે રમતના ખેલાડીઓએ એકમેકને પ્રશ્નો પૂછી ઊલટ તપાસ કરીને, પગેરું શોધીને ખરા અપરાધીને ઝ્બ્બે કરવાનો હોય છે. આ ‘જુબેનશા’ ગેમમાં સ્ક્રિપ્ટ રાઈટરનું વિશેષ મહત્ત્વ છે. શહેરની કેટલીક ક્લબોમાં એકસરખી સ્ક્રિપ્ટ 80 ડોલરમાં વેચાય તો બીજી ક્લબો પાસે જોવા કે રમવા ન મળે એવી ખાસ સ્ક્રિપ્ટ 300 ડોલરમાં પડે. આ ‘જુબેનશા’ ગેમની લોકપ્રિયતા રાતોરાત ચીની યુવાનોમાં વધી રહી છે. આજે ચીનનાં મહાનગરોમાં આવી ‘ચાલો, ખૂન કરીએ’ જેવી ગેમ રમાડતી 6500થી વધુ ક્લબ ધણધણે છે. પરિણામે આ મર્ડર ગેમ આજે બે અબજ ડોલરનો ધીકતો ખેલો બની ગયો છે ( જ્સ્ટ જાણ ખાતર, 1 ડોલર = 74 રૂપિયા). આવા અધધધ ધંધા તરફ ચીનની સામ્યવાદી સરકારનું પણ ધ્યાન દોરાયું છે અને બહુ વિકૃત-ધૃણાસ્પદ રીતે ‘ખૂન’ની રીત દેખાડતી અનેક સ્ક્રિપ્ટને જપ્ત કરવામાં પણ આવી છે. આ રમત એક પ્રકારે તો વિડીયો ગેમ જ છે, પણ મોટાભાગની વિડીયો ગેમનાં પાત્રો મિકેનિકલ રીતે અર્થાત્ યંત્રવત રમતાં હોય છે, પણ આ નવી ‘જુબેનશા’ ગેમની કથા-પટકથા એ રીતે ઘડવામાં આવે છે કે એમાં અનેક માનવીય ગુણ-અવગુણ પણ સહજ એ રીતે સંકળાઈ જાય છે કે ગેમ વખતે ખેલાડી રીતસર ખડખડાટ હસે પણ છે ને રડે પણ છે. બસ, આવી લાગણીએ જ આ ગેમને આજે જબરદસ્ત સફળ અને સુપરહિટ બનાવી છે. ⬛ bharatm135@gmail.com

અન્ય સમાચારો પણ છે...