શચિ નારાયણ
કચ્છના માધાપર નવાવાસથી ચારધામની યાત્રાએ નીકળેલા ખેડૂત દંપતીને સહધર્મચારિણીએ બદ્રીનાથ ખાતે એકાએક પ્રશ્ન કર્યો ‘આપણી ધરતીમાતા રાસાયણિક ખાતર રૂપી ઝેર ખાઇ-ખાઇને મરી રહી છે અને આપણે આપણાં જ દેશવાસીઓને ઝેરમિશ્રિત અનાજ-શાકભાજી-ફળ વેચીએ છીએ, ધૂળ પડી આ કમાણીમાં. આજથી આ બધુ બંધ ન કરી શકાય?’ આ પતિ-પત્નીના સંવાદથી પહેલાં એક નાની પૂર્વભૂમિકા જરૂરી છે. કચ્છ નપાણીઓ પ્રદેશ છે પણ તેના ખેડૂતો એટલા પાણીદાર છે કે, પથ્થર પર પરસેવો પાડીને ધાર્યું પરિણામ મેળવે છે. આવા ધરતીપુત્રોનાં જ સંગઠન ભારતીય કિસાન સંઘના જિલ્લા અધ્યક્ષ ખડતલ ઝુઝારું નેતા વેલજી મૂળજી ભુડિયા અને તેમના પત્ની હંસા ભુડિયા વચ્ચે આ સંવાદ હિમાલયની અણીશુદ્ધ હરિયાળી જોઇને થયો અને જેની એક હાકલ પર કચ્છના હજારો ખેડૂતો હળ છોડી રસ્તા પર આવી જતા હતા અે જિલ્લા અધ્યક્ષ વેલજીભાઇ ભુડિયાએ નક્કી કર્યું કે, ‘આજથી દિશા બદલાવીએ, ડ્રિપ ઇરિગેશન અને સજીવ ખેતી પર ભાર, ન કોઇ દાવા ન કોઇ તકરાર...’ ગુજરાત સરકાર સાથે પાણી-વીજળી-નર્મદા નહેર, ટેકાના ભાવ, ખરીદી મુદ્દે બાખડતાં સંગઠનને હળવેકથી છોડી શીરામાંથી વાળ નીકળે તેમ વેલજીભાઇ ધર્મપત્નીના કથનને પગલે લડત, ધરણાં, વિરોધ, આંદોલન છોડી સજીવ ખેતી અને નેચરલ જ્યૂસમાં જોડાયા અને શાળાનું પગથિયું પણ ન ચડેલાં હંસાબહેને તેમને હિંમત અને સાથ આપતાં જોતજોતામાં ‘ભુડિયા’ એક બ્રાન્ડ બની કચ્છ-ગુજરાતમાં છવાઇ ગયા... આજે ગુજરાતની કૃષિ યુનિ.માં તેઓ સજીવ ખેતીના ફાયદા વર્ણવવા જાય છે. આજે 70 વર્ષની વયે 50 કિલોની બોરી કે બાચકો જાતે જ ઊંચકીને બાજુએ રાખી દેતાં હંસાબહેન ભુડિયા એક ક્રાંતિનાં પ્રેરક છે એવું કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય... માત્ર 14 વર્ષની વયે પરણીને પતિના ઘેર આવેલાં અને 23 વર્ષની વયે ત્રણ પુત્રોની માતા બનેલાં હંસાબહેને વેલજીભાઇને સાથ આપવા અભ્યાસ કર્યો. આજે તેઓ હિન્દી, ગુજરાતી વાંચે અને લખે છે. ગાય અને ગુરુનો મહિમા તેઓ સતત વર્ણવે છે. ગુજરાતભરમાં 14થી 15 નેચરલ ભુડિયા જ્યૂસની શાખા અને બારેય માસ કચ્છની કેસર કેરીનો રસ પીરસનારાં આ સન્નારીને જ પહેલો વિચાર આવ્યો કે, બાર મહિના આંબાનો રસ રાખ્યો બગડ્યો નહીં તેથી આપણે ફ્રીઝ કરેલો રસ વેચીઅે... ગુજરાતમાં ફ્રોઝન લાયસન્સ લેનારા આ વેલજી ભુડિયા પ્રથમ ખેડૂત છે. 1998માં જૂન મહિનામાં કચ્છના કંડલા પર ફૂંકાયેલા વિનાશક વાવાઝોડા વખતે હંસાબહેને જ કચ્છ કિસાન સંગઠનને શીખ આપી કે આ સમય લડતનો નથી. જાવ બધા ટ્રેક્ટર લઇને વીજતંત્રને મદદ કરો તો પડી ગયેલા ટ્રાન્સફોર્મર-થાંભલા ઊભા થાય. કચ્છના ખેડૂતોઅે (પીજીવીસીએલ) ત્યારની જીઇબી સાથે ખભેખભા મિલાવ્યા અને ગામે ગામ પોતાનાં રોટલા-છાશ લઇને મદદમાં ઉતર્યા, જેનો આગવો ઇતિહાસ નોંધાયેલો છે. વાવાઝોડાની જેમ ભૂકંપ બાદ પણ હંસાબહેન અને વેલજીભાઇએ પૌત્રી એન્કરવાલા શાળાના પ્રવેશદ્વારે દબાઇ ગઇ હતી એ ધા ખમીને ફરી ખેડૂતોને વીજ તંત્રની વહારે લઇ ગયા અને વિક્રમી કામ કર્યું. નર્મદા નહેર માટે એક સમયે લડનારું દંપતી સરહદ પર જવાનો માટે પીવાના પાણીની નર્મદાની લાઇન ખેંચી જવી હતી ત્યારે પા. પુ. અને અન્ય તંત્રો સાથે સેંકડો ટ્રેક્ટર-ટ્રોલી સાથે મદદે આવ્યાં અને ઘરના રોટલા ખાઇને મજૂરીનું કપરું કાર્ય હસ્તામુખે પાર પાડ્યું. હંસાબહેન ભુડિયા કહે છે કે, અમારા માધાપરની વિરાંગના બહેનોએ ચાલુ યુદ્ધે બોમ્બવર્ષા વચ્ચે રનવેનું કામ કર્યું તો અમે કેમ પાછળ રહીએ. અમારા પૂર્વજોએ દેશ સેવા અને ધર્મ સેવા ગળથૂથીમાં આપ્યાં છે. આજે 12 એકરથી શરૂ કરી 72 એકર સુધી ખેતી પહોંચાડનારાં હંસાબહેનને કોઇ કામમાં કદી નાનમ નથી લાગી, રસ્તા પર ઊભીને જ્યૂસના 10 રૂ.માં ગ્લાસ વેચ્યા, બલરામ ફ્રુડ ચલાવી 40થી 50 મજૂરોને સંભાળ્યા, આજે 10 પૌત્ર-પૌત્રીઓ સાથે લગ્નની 56મી વર્ષ ગાંઠ ઊજવનારાં ભુડિયા દંપતી પૈકીનાં હંસાબહેન આખા પરિવારની ધરી છે. વેલજીભાઇ સ્પષ્ટ વક્તા છે, તેઓ કહે છે કે, અમારા બે વચ્ચે કદી ઊંચા સાદે વાત થઇ નથી. આંખ વઢી નથી તેથી જ સફળતા મળી છે.{ક
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.