તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફબીટ:પોતાના ક્ષેત્રની છલાંગ

અંકિત ત્રિવેદીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તમારા ક્ષેત્રમાં છલાંગ ઊંચી મારવી. છલાંગ મારતી વખતે કંટાળો ન આવવો જોઈએ. તમે જે ક્ષેત્રમાં હોવ એમાં મજા આવવી જોઈએ. દરેક નાના જીવને ખબર છે કે પોતે મોટા જીવનો ખોરાક છે. દરેક પરિસ્થિતિને જાતે જ પહોંચી વળવાનું છે. સ્વમાન એને કહેવાય જે બીજાની સલાહ પ્રમાણે નહીં, પોતાના અંતરાત્માને સાંભળીને નિર્ણય કરે છે. આપણી છલાંગ અફાટ હોવી જોઈએ. આપણા કિસ્સાઓ આપણને જ વાગોળવા ગમતા હોવા જોઈએ. ઘેલછાને પણ પોતાનો અંગત આનંદ આપણી પાસે આવીને વ્યક્ત કરવો હોય છે. અમૃત ઘાયલ લખે છે- કસમ ઘેલછાના જીવનમાં કદાપિ નથી પાછી પાની કરી કોઈ પંથે, મુહોબ્બત કહો તો મુહોબ્બત કરી છે, બગાવત કહો તો બગાવત કરી છે. દુશ્મનોની ઊંઘ હરામ કરતા આવડે તો એમને ચેનથી ઊંઘાડતાં પણ આવડવું જોઈએ. આપણા ક્ષેત્રમાં આપણે સ્વાધીન નહીં, ફોકસ વ્યક્તિ હોવા જોઈએ. જીવનની પ્રત્યેક પળ પ્રત્યે આદર થવો જોઈએ. ઘડિયાળમાં આગળ વધતો સમય અને શરીર પર કરચલી વધારતો સમય બંને એક જ છે. આપણા ક્ષેત્રથી આપણે કારણે બીજાને પણ આનંદ થવો જોઈએ. આપણી રેસમાં આપણે જ હોવા જોઈએ. આપણું મૂલ્યાંકન આપણાથી સારું અને સાચું બીજું કોઈ કરી શકતું નથી. આપણી યોગ્યતા એ તો આપણાં સંચિત કર્મો અને જન્મીને કરેલા પુરુષાર્થનું પ્રમાણ અને સંયોગ હોઈ શકે છે. જીવનમાં આપણે આપણામાંથી શીખવાનું વધારે છે. વિધાતા સફળતાના હસ્તાક્ષર કરીને જ આપણને મોકલે છે. આપણે એને ઉકેલીને જીવવાનું હોય છે. આપણા ફોકસમાં, આપણી વાતમાં સત્ય અને ધીરજ બંને હોવાં જોઈએ. એટલે જ સૈફ પાલનપુરી કહે છે- સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો, એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે. જીવનની પ્રત્યેક પળ આપણી અંદર કશુંક ઊગાડીને જાયે છે. મનને એનું નિરાકરણ આવડે છે. ઊગેલું ઘણું બધું બિનજરૂરી નીંદામણ જેવું હોય છે. એને કાપી નાખવું પડે. બિનજરૂરી ઊગશે તો જે જરૂરનું છે એને પણ ઊગવામાં તકલીફ પડશે. આપણી ભીતર આપણું મન રોજ આવું નીંદામણ કાપ્યાં જ કરે છે. જીવન એટલે આપણે નક્કી કરેલા ગોલ સુધી પહોંચવાની રોમાંચક સફર. જેને પોતાની જાતને ફોકસ રાખતાં આવડે છે એને પોતાની છલાંગને આનંદતા આવડે છે. આપણી છલાંગમાં સફળતાનો વિસ્તાર જ હોય છે. આપણી જાત સાથે આપણે છેતરપિંડી કરીને નથી જીવતાં ત્યારે આપણે આપણામાં પરિવર્તન જોઈએ છીએ. આ પરિવર્તન બીજાના બદલાવ માટે કે બીજા આપણાં વખાણ કરે એ માટે નથી હોતું! આ પરિવર્તનમાં આપણી પ્રામાણિક જાતનું સફળતાને વરેલું અર્થઘટન હોય છે. ⬛ ઑન ધ બીટસ ‘જે પાણીથી ન્હાય છે એ કપડાં બદલી શકે છે, પણ જે પરસેવે ન્હાય છે એ કિસ્મત બદલી શકે છે.’ - રવજી ગાબાણી ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...