તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શબ્દના મલકમાં:આધુનિક સાહિત્યના અગ્રણી સર્જક : સુરેશ હ. જોશી

મણિલાલ હ. પટેલ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

થોડા દિવસ પહેલાં તા. 30-5-2021ના રોજ, આપણા આધુનિક સાહિત્યના અગ્રણી સર્જક તથા બહુશ્રુત વિદ્વાન વિવેચક સુરેશ હ. જોશીની જન્મશતાબ્દીનું વર્ષ પૂરું થયું. 1945થી 1986: ચાર દાયકાના વિશાળ પટ પર સુજોએ નિબંધ, વાર્તા, લઘુનવલ, કવિતા, વિવેચન, સંપાદન અને અનુવાદ દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં કોઈ કચાશ છોડી નથી. માનવમૂલ્યોનાં જતન માટે સાહિત્ય સર્જનની એમણે આજીવન ઉપાસના કરી. એમના સમગ્ર સાહિત્યને સમાવતા ઓગણીસ ગ્રંથો, ગુજરાત સાહિત્ય અકાદમીએ, શિરીષ પંચાલના સંપાદનમાં પ્રકાશિત કર્યા છે. સર્જનની ગુણવત્તા અને મૂલ્યબોધ માટે સુજો સમર્પિત હતા. સુજોની કેટલીક વિલક્ષણતાઓ તપાસતાં આપણને એમના ‘સર્જક-વિશેષો’નો પરિચય થશે. સુજોને સમજવા માટે પણ આ જરૂરી છે.  પોતાનો પ્રથમ કાવ્યસંચય ‘ઉપજાતિ’ એમણે રદ કરેલો. પોતાના સર્જન માટે પણ નિર્મમ થવાનુું સાહસ એમનામાં હતું.  ગુજરાતી કથાવાર્તા વધુ પડતી ઘટનાઆશ્રિત થઈ ગઈ છે- એટલે એમાં કૌવત નથી એમ માનનાર સુજોએ ‘નવલકથાનો નાભિશ્વાસ’ ચાલે છે એવી ચેતવણીથી સૌને ચોંકાવેલા.  વાર્તા-નવલકથામાં વસ્તુનું નિગરણ, કથાપ્રસંગનું તિરોધાન થવું જોઈએ. વસ્તુનું ઉત્તમ રૂપાંતર જ સર્જન બને.  કૃતિ રૂપરચના પામે, વસ્તુવિધાન આકાર પામે એ જરૂરી છે.  માત્ર કથાકથનથી નહીં, રૂપાંતરણની પ્રક્રિયાથી કૃતિ નીવડે છે.  વિજ્ઞાન આગળ વધ્યું. શહેરીકરણ વિસ્તર્યું. જીવનમૂલ્યો ઘસાતાં ગયાં. માણસ સંકુચિત થતો ગયો. આ બધાંને ઝીલવા પ્રયોગશીલ સાહિત્ય આવવું જોઈએ. સુજોની સાહિત્ય પ્રવૃત્તિના આ બધા મૂળ-આધારો રહ્યા છે. આવા વિલક્ષણ સર્જકને ઘડનારાં જીવનપરિબળો જાણવાનું ગમે. સુજોનો જન્મ 30-5-1921, વાલોડ (જિ. તાપી)માં થયો હતો. પિતા હરિપ્રસાદ જોશી નોકરી અર્થે મુંબઈ સ્થાયી થયેલા. મુંબઈની બધી રીતની સંકડામણો વચ્ચે સુજોને દાદા પાસે સોનગઢ (વ્યારા)માં ભણવા મૂકેલા. દાદા એ જ સ્કૂલમાં શિક્ષક-આચાર્ય-ગૃહપતિ! શાળામાં લાઈબ્રેરી હતી. સામયિકો ને પુસ્તકો વાંચવાનું સુલભ થયું. પ્રકૃતિ પરિવેશમાં રખડ્યા અને ઝાડ, પાનફૂલ, પંખીઓને ઓળખ્યાં. ઋતુઓના રંગો જોયા ને મૌન રહેતા દાદાના આઘાતો જાણ્યા. એમણે કાળજીથી મૂલ્યો સીંચ્યાં. ‘જનાન્તિકે’ સંચયના નિબંધો આ પરિસરનું પરિણામ છે. દાદા સાથે નવસારી ગયા. હાઈસ્કૂલનું ત્યાં ભણીને કોલેજ માટે મુંબઈ ગયા. મહાનગરનો પરિચય થવા સાથે વિશ્વસાહિત્યનું વાંચન કરવા મળે છે. ‘ગ્રેટ વોલ ઓફ ચાઈના’એ સર્જન માટે નોખી દૃષ્ટિ આપી. મિત્રો મળ્યા. રવીન્દ્રનાથને વાંચવા બંગા‌ળી શીખ્યા અને ટાગોરની કવિતા તથા એમના નિબંધોના અનુવાદો કર્યા. સાથે ભણતાં ઉષાબહેન સાથે લગ્ન કર્યું. એમ. એ. પછી કરાંચીની કોલેજમાં જોડાયા. ઉત્તમ ગ્રંથો વાંચી સમૃદ્ધ થયા. 1947માં આઝાદી મળતાં એ કરાંચી છોડીને નવા વસતા વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપક બન્યા. 1953થી સુજો મ. સ. યુનિ. વડોદરામાં જોડાય છે ને ત્યાં જ સ્થાયી થાય છે. સંવેદનાઓ હવે કથાવાર્તા, કવિતારૂપે પ્રગટે છે. આશરે હજાર જેટલા નિબંધો એમણે લખ્યા છે. પવન, અંધકાર, તાવ, ઊંઘ, ઘાસ, તડકો જેવા વિષયો પરના એમના નિબંધો ભાવકને વિસ્મિત કરે છે. સુજોમાં વિસ્મય અને વિદગ્ધતાનો સુમેળ છે. કાલિદાસ અને ટાગોરની સૃષ્ટિ અને દૃષ્ટિથી એ પ્રભાવિત છે. વિશ્વસાહિત્યના અભ્યાસથી એમની વિવેચકદૃષ્ટિ વધુ સમર્થ બની છે. ટૂંકી વાર્તામાં અને એના વિવેચનમાં એ પમાય છે. પ્રેમ કેટલો સહજ-સરળ ને સાચકલો હોય છે એ ‘વરપ્રાપ્તિ’ વાર્તામાં પમાશે. ‘પદભ્રષ્ટ’માં સત્તા પદલાલસાનું સરસ સંગોપન છે. યંત્રયુગે પ્રકૃતિ પ્રેમ ગીત-સંગીત લઈ લીધાં એ વાત ‘લોહનગર’માં ઝીલાઈ છે. સામાજિક વિષમતા ‘એક મુલાકાત’ વાર્તામાંથી વ્યંજિત થાય છે. ‘છિન્નપત્ર’, ‘વિદુલા’ ને ‘મરણોત્તર’ જેવી લઘુનવલો હજી પૂર્ણત: ઉકેલવી બાકી છે. કેટલાંક દીર્ઘ કાવ્યોમાં માણસ હોવાના થાકનું ને દાંભિક જીવનનું માર્મિક આલેખન છે. કથોપકથન, કિંચિત, કાવ્યચર્ચા, ગુજરાતી કવિતાનો આસ્વાદ, અરણ્યરુદન, ચિન્તયામિ મનસા- એમના વિવેચન ગ્રંથો છે. વડોદરા-ગુજરાત છોડીને સુજો ભાગ્યે જ બહાર ગયા છે. એ તો વાંચન-લેખન અને કલાચર્ચાઓમાં આજીવન ડૂબેલા રહ્યા હતા. સાહિત્ય જ એમનું એકમાત્ર મિશન હતું જાણે! દમ, શુગરની બીમારી હતી. 6-9-1986ની સાંજે સુજો નડિયાદની સાક્ષર ભૂમિ ખાતે, યુરોલોજિકલ હોસ્પિટલમાં, અહીં ગોવર્ધનરામમાં ભળી ગયા.⬛ manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...